ભોજાય, બાયઠ સહિતના વાડી વિસ્તારોમાંથી ચોરી કરનાર ૩ પકડાયા
ચોરેલી બેટરી, નટબોલ્ટ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો : પોલીસે તપાસ શરૂ કરી
ભુજ - કચ્છ ઉદય : માંડવી તાલુકાના ગઢશીશા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બે ચોરીના ગુના કામે એલસીબી દ્વારા ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ બાબતે મળતી વિગતો મુજબ ભોજાય ગામનો ચંદુ ઈસ્માઈલ કોલી ભોજાય ગામથી દેઢિયા ગામ જતા રસ્તા પર શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઊભો હોવાની બાતમીના આધારે તપાસ કરવામાં આવતા ચંદુની સાથે ભોજાયનો ચિંતન ઉર્ફે ચિન્ટુ ઠાકરશી ઓડિયાણા, કોટડી મહાદેવપુરીનો રાજેશ ઈસ્માઈલ કોલી હાજર મળી આવ્યા હતા. તેઓ પાસેથી પવનચક્કીના નટબોલ્ટ અને છ બેટરી મળી આવી હતી. પુછપરછ કરતા નટબોલ્ટ અને અન્ય પવનચક્કીનું સામાન ભોજાયના સુઝલોન કંપનીના ભાડાના મકાનમાંથી ચોરી કર્યો હોવાની કબૂલાત આપી હતી. એક બેટરી તુફાન ગાડીમાંથી કાઢી હતી. અલગ અલગ સીમમાં આવેલ વાડીઓમાંથી જટકા મશીનની પાંચ બેટરી ચોરી હતી. અન્ય મુદ્દામાલમાં ભોજાય ગામમાંથી જ્યુપીટર, હોન્ડા સાઈન બાઈક તેમજ બે અલગ અલગ વાડીમાંથી ટપક માટેની ડ્રીપ લાઈન ચોરી હોવાની કબૂલાત આપી હતી. જેથી ગઢશીશા પોલીસમાં દાખલ થયેલા બે ગુનામાં ત્રણેય આરોપીની અટક કરી ગઢશીશા પોલીસને કબજો સોંપવામાં આવ્યો હતો.

Comments