Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિવર્સિટીના ૧૦ સંશોધક વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની ‘શોધ’ યોજના હેઠળ આર્થિક સહાય પ્રાપ્ત થઈ

18 December



ભુજ-કચ્છઉદય : કચ્છ યુનિ.ના શોધ યોજના હેઠળ સંશોધન માટે દશ પીએચડી વિર્ધાથીઓને  રાજ્ય સરકારે સહાય મંજુર કરી છે અને આ પહેલા આ યોજનાનો ૬પ વિધાર્થીઓને લાભ લઈ ચુક્યા છે.  કચ્છ યુનિવર્સિટીના ૧૦ પી.એચ.ડી. વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૨૫માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કાર્યરત શોધ (સ્કેમ ઓફ ડેવલોપીંગ હાઈ કવોલીટી રિસર્ચ) યોજના હેઠળ સંશોધન માટે મહત્વપૂર્ણ સહાય મંજૂર કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ’શોધ’ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને માસિક રૂા.૧૫,૦૦૦નું સ્ટાઈપેન્ડ અને અન્ય આનુષંગિક ખર્ચ માટે વાર્ષિક રૂા.૨૦, ૦૦૦ની સહાય મહત્તમ બે વર્ષ માટે આપવામાં આવે છે. કચ્છ યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૬૫ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે.
કચ્છ યુનિવર્સિટીના રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગના વડા તથા ’શોધ’ યોજનાના નોડલ ઓફિસર ડો. ગૌરવ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને યોજનાના નિયમો અને અરજી પ્રક્રિયા અંગે ઊડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટેકનિકલ ભૂલોને કારણે કોઈ અરજી રદ ન થાય તે હેતુથી ખાસ કેમ્પસ પરામર્શ યોજવામાં આવ્યો હતો, જેમાં ડો. ગૌરવ ચૌહાણ, રિસર્ચ ફેસિલિટેટર ડો. દ્રુમા વૈદ્ય અને વહીવટી કર્મચારી સુમનબેન દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
કચ્છ યુનિવર્સિટીમાંથી કુલ ૧૪ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (કેસીજી), અમદાવાદ દ્વારા તા. ૧૭-૧૨-૨૦૨પના રોજ પ્રસિદ્ધ કરાયેલ યાદી મુજબ, ગુજરાતભરમાંથી ૯૬૭ અરજીઓ પૈકી ૭૫૩ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં કચ્છ યુનિવર્સિટીના ભીમાની નિરૂપમા દિનેશભાઈ (લાઈફ સાયન્સ), ચૂડાસમા વિશ્વજીત પ્રધ્યુમનસિંહ  (અંગ્રેજી), હઝારિકા અમ્બોરીસ ગજેન (જીયોલોજી), કાંઠેચા જીમીબેન નટવરલાલ(અંગ્રેજી), ખલીફા સાહિસ્તા સલીમ(એજ્યુકેશન), મોટા સાગર કિર્તિકુમાર (લો (કાયદો), શેઠ દર્શનકુમાર  અરવિંદ (લો (કાયદો), ઠાકર ફોરામબેન નરેશભાઈ (એજ્યુકેશન), ઠાકર પાર્થ કૈલાશભાઈ (કોમ્પ્યુટર સાયન્સ), વ્યાસ હિના કનૈયાલાલ (લાફઈ સાયન્સ) ૧૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 
કચ્છ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો. મોહન પટેલ અને કુલસચિવશ્રી ડો. અનીલ ગોર એ તમામ લાભાર્થી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, "આ આર્થિક સહાયથી વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના આર્થિક ભારણ વિના ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન કરી શકશે, જેનો લાભ યુનિવર્સિટીના શૈક્ષણિક અને સંશોધન કાર્યને મળશે."
ડો. ગૌરવ ચૌહાણે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે ૨૦૦ થી વધુ નવા વિદ્યાર્થીઓ પી.એચ.ડી.માં જોડાયા છે. આગામી સમયમાં પણ રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને વિવિધ ફેલોશિપ અને સ્કોલરશિપની માહિતી તેમજ અરજી પ્રક્રિયા માટે સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે, જેથી યુનિવર્સિટીનું એનએએસી, એનઆઈઆરએફ અને જીએસઆઈઆરએફ જેવા રેન્કિંગમાં સ્થાન વધુ સુદ્રઢ બને. 
--------

Comments

COMMENT / REPLY FROM