કચ્છ યુનિવર્સિટી ખાતે વર્ષ ૨૦૨૫ના પીએચડી કોર્સ વર્કનો પ્રારંભ
ર૦૫ સંશોધકો ઉચ્ચ કક્ષાના સંશોધન માટે સજ્જ
ભુુજ - કચ્છઉદય : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, જે આ વિસ્તારના ઉચ્ચ શિક્ષણ માટેનું એકમાત્ર કેન્દ્ર છે. તેના દ્વારા વર્ષ ૨૦૨૫ના પીએચ.ડી. કોર્સવર્કનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા યુજીસી-૨૦૨૨ના નિયમોને આધીન રહીને વર્ષ ૨૦૨૫માં પીએચડી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ૨૦ વિવિધ વિષયોમાં કુલ ૬૨૭ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. પીએચડી પ્રવેશ પરીક્ષા, પર્સનલ ઇન્ટરવ્યુ અને રિસર્ચ એડવાઇઝરી કમિટીની બેઠક જેવી વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થઈને કુલ ૨૦૫ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા અને કચ્છ યુનિવર્સિટીમાં પીએચડી અભ્યાસક્રમ માટે નોંધણી (રજિસ્ટ્રેશન) મેળવી હતી.
યુજીસી-૨૦૨૨ના નિયમ મુજબ પીએચડીમાં રજિસ્ટર થયેલા વિદ્યાર્થીઓએ કુલ ૧૨ ક્રેડિટ એટલે કે ૧૮૦ કલાકનું કોર્સવર્ક કરવાનું રહે છે. આ કોર્સવર્કમાં રિસર્ચ મેથોડોલોજી અને વિદ્યાર્થીના જે-તે વિષયને લગતા અભ્યાસનો સમાવેશ થાય છે. પીએચડીની ડિગ્રી મેળવવા માટે આ કોર્સવર્ક પૂર્ણ કરવું ફરજિયાત છે અને તેમાં ૫૫% થી વધુ ગુણ મેળવવા અનિવાર્ય છે.
યુનિવર્સિટીના રિસર્ચ અને ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા તા. ૧૫/૧૨/૨૦૨૫ થી ૫/૧/૨૦૨૬ દરમિયાન કોર્સવર્કનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ૬ ક્રેડિટ (૯૦ કલાક) માટે રિસર્ચ મેથોડોલોજી અને રિસર્ચ એન્ડ પબ્લિકેશન એથિક્સ જેવા વિષયો પર વ્યાખ્યાનો આપવામાં આવશે. કોર્સવર્કના કો-ઓર્ડિનેટર અને આર એન્ડ ડી વિભાગના વડા ડો. ગૌરવ ચૌહાણે માહિતી આપી હતી કે, આ પ્રથમ તબક્કો ઓનલાઈન માધ્યમથી ચલાવવામાં આવશે, જેમાં ગુજરાત અને દેશભરની નામાંકિત સંસ્થાઓના તજજ્ઞોને વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના પુનરાવર્તન માટે દરેક વ્યાખ્યાનનું રેકોર્ડિંગ યુનિવર્સિટીના રિસર્ચ અને ડેવલોપમેન્ટ વિભાગની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે. આ વર્ષે અભ્યાસક્રમમાં પરંપરાગત વિષયો ઉપરાંત સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોમ્પ્યુટરનો ઉપયોગ, ડિજિટલ ઓળખ, સોશિયલ મીડિયાનો પ્રભાવ, પેટન્ટ, ઈન્નોવેસન અને વિવિધ સ્કોલરશીપ - ફેલોશિપ જેવા આધુનિક અને યુનિક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ માર્ગદર્શન મેળવી શકે તે હેતુથી દરેક વ્યાખ્યાતાની સંપર્ક માહિતી પણ પૂરી પાડવામાં આવશે. કોર્સવર્કનું મૂલ્યાંકન હાજરી, સેમિનાર, અસાઇનમેન્ટ અને પરીક્ષા દ્વારા કરવામાં આવશે, જેમાં ૫૫% ગુણ મેળવવા ફરજિયાત છે. પ્રથમ તબક્કા બાદ તા. ૧૫/૦૧/૨૦૨૬થી દ્વિતીય તબક્કો શરૂ થશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના જે-તે વિભાગમાં વિષયલક્ષી ૬ ક્રેડિટનું કોર્સવર્ક પૂર્ણ કરશે. બંને તબક્કાના સંયુક્ત મૂલ્યાંકન બાદ જ માર્કશીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. ડો. ગૌરવ ચૌહાણે જણાવ્યું કે, આ કોર્સવર્કથી સંશોધકોને ઉચ્ચ કક્ષાના સંશોધન માટે નવી દિશા પ્રાપ્ત થશે. યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ અને કુલસચિવ ડો. અનીલ ગોરે તમામ યુવા સંશોધકોને અભિનંદન પાઠવ્યા હતા અને દેશ તથા સમાજને ઉપયોગી થાય તેવું સાચું અને ગુણવત્તાયુક્ત સંશોધન કરવા અપીલ કરી હતી. ઉદ્દઘાટન સમારોહમાં કચ્છ યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક અને હાલ લખની ખાતે બીરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોસાયન્સિસના ડાયરેક્ટર પ્રોફ. મહેશ ઠક્કરે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું.
-----

Comments