Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ ખાતે  ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ હેઠળ સેમિનાર યોજાયો

17 December


ગાંધીધામ - કચ્છઉદય : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ દ્વારા ગાંધીધામ ખાતે “ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫” અંગે વિશેષ જાગૃતિ સેમિનાર યોજાયો હતો. સેમિનારના સફળ આયોજનમાં લાયન્સ ક્લબ ગાંધીધામ તથા નવયુગ ટીમનું સહકારપૂર્ણ યોગદાન રહ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે, કેતનભાઈ ગોહેલ, આકાશભાઈ ચૌહાણ, ડીએચઈડબલ્યુના મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ તેમજ ઓએસસીના કેન્દ્ર સંચાલક ભાવનાબેન ગરવલિયા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે દ્વારા કાયદા અંતર્ગત કોણ ફરિયાદ કરી શકે, ફરિયાદ ક્યાં નોંધાવી શકાય, કોર્ટ તરફથી મળતા આદેશો તથા અધિનિયમની મુખ્ય જોગવાઇઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ડીએચઈડબલ્યુના મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ સાથે-સાથે કાયદાકીય માહિતી તથા મહિલાઓ સશક્ત બને અને હિંસા સહન ન કરે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેન દ્વારા ઓએસસી વિષે માહિતી આપવમાં આવી હતી.  સેમિનારમાં ઉપસ્થિત તમામ બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંગે વ્યાપક માહિતી આપવામાં આવી હતી તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓની માહિતી પણ રજૂ કરવામાં આવી, જેથી મહિલાઓ તેમના કાનૂની હકો અને સરકારી સહાય વિશે સચેત બની શકે.
લાયન્સ ક્લબ ગાંધીધામ તથા નવયુગ ટીમ દ્વારા જણાવાયું હતું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આવા જાગૃતિ કાર્યક્રમો સમાજમાં મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ અને હક્કો અંગે સકારાત્મક જનજાગૃતિ લાવે છે અને ભવિષ્યમાં પણ આવા વધુ કાર્યક્રમો કરવામાં આવે  જેથી મહિલાઓ સુધી વધુ માહિતી પહોચી શકે. સમગ્ર સેમિનારનું સુચારુ આયોજન ડીએચઈડબલ્યુની ટીમ અને ઓએસીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 
------

Comments

COMMENT / REPLY FROM