જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભુજ ખાતે માનવ અધિકાર દિવસની ઉજવણી કરાઈ
ભુજ - કચ્છઉદય : જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, કચ્છ દ્વારા જિલ્લા ન્યાયધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભુજ-કચ્છના અધ્યક્ષ દિલીપ પી. મહીડાના માર્ગદર્શન હેઠળ ભુજ આર્મી સ્ટેશન કમાન્ડરના સહયોગથી મિલીટરી સ્ટેશન, ભુજ ખાતે “માનવ અધિકાર દિવસ” ની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાનૂની જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, દિલ્હી ની “વીર પરિવાર સહાય યોજના-ર૦રપ” વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિગણ તરીકે જજ બી.એમ. પ્રજાપતિ, સચિવ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ , ભુજ-કચ્છ, કર્નલ શિરીષ સિંધ, એસએસઓ, લે.કર્નલ વિક્રમ, ડી.ક્યુ.એમ.જી ભુજ, એચ. એન. લિમ્બાચીયા, મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કચ્છ (ભુજ),પી. ડો. ધોળ કિયા, પેનલ એડવોકેટ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભુજ-કચ્છ, સંજયકુમાર પંડ્યા, મુખ્ય કારકુન તેમજ હેત પરમાર, સુપ્રિટેન્ડેન્ટ, જિલ્લા કાનૂની સેવ સત્તામંડળ, ભુજ-કચ્છ હાજર રહ્યા હતા. ઉપસ્થિત જવાનો અને ઓફિસરોને સંબોધતા સચિવ બી. એમ. પ્રજાપતિએ જણાવ્યું કે, દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનોને કાનૂની હક્ક, સહાયતા અને ન્યાય પ્રાપ્ત રવા માટે એનએએલએસએ તથા ડીએલએસએ દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં “વીર પરિવાર સહાય યોજના” હેઠળ શહીદ જવાનોના પરિવારોને મફત કાનૂની સહાય, વળતર યોજના અંગે માર્ગદર્શન, દસ્તાવેજીકરણ સહાય અને કાયદેસર હક્કો અંગે સતત સપોર્ટ પુરો પાડવામાં આવે છે.
આ પ્રસંગે આર્મી સ્ટેશનના અધિકારીઓ, આર્મીના જવાનો તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને સૈનિક વેલ્ફેર ઓફીસનાં અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પી.ડી. ધોળકિયા, પેનલ એડવોકેટ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભુજ-કચ્છ દ્વારા માનવ અધિકારોના મહત્વ અંગે સરળ ભાષામાં સવિસ્તાર માહિતી આપી અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દિલ્હી તેમજ જિલ્લા કાનૂની સેવ સત્તામંડળ, ભુજ-કચ્છ દ્વારા ઉપલબ્ધ મફત કાનૂની સેવાઓ અંગે અવગત કરાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોતરી સત્ર પણ યોજવામાં આવ્યું હતું, જેમાં જવાનોના કાનૂની સહાય અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની વિવિધ યોજનાઓ સંબંધિત પ્રશ્નોના સ્થળ પર જ ઉકેલ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ - રાષ્ટ્રરક્ષકો અને તેમના પરિવારજનોને તેમના ન્યાયિક અધિકારોથી અવગત કરતા અને ન્યાયિક સુલભતા સુનિશ્ચિત કરી તેમનું ન્યાયિક સશક્તિકરણ કરવાનો હતો.
------------

Comments