Trending News
સ્થાનિક સમાચાર

ડીસ્ટ્રીકટ વાયબ્રન્ટ સમિટ કચ્છના વિકાસનો બનશે નવો અધ્યાય

17 December

વિકાસની નવી ઉંચાઈઓ આંબતું સરહદી પ્રદેશ : નરેન્દ્રભાઈની દિર્ઘદ્રષ્ટીના મળશે સુચારૂ પરીણામો



કચ્છ ડિસ્ટ્રીકટ વાયબ્રન્ટ કોન્ફરન્સ થકી નવા આયામો સર કરવા સજ્જ : રાજકોટ ખાતે તા. ૧૦ થી ૧ર જાન્યુઆરી સુધી યોજાનાર રીજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ પૂર્વે બીજી જાન્યુઆરીના ગાંધીધામ ખાતે યોજાશે જિલ્લા કક્ષાની સમિટ : જિલ્લામાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાં નવા રોકાણ થશે આકર્ષિત : પોર્ટ, એનર્જી અને લોજિસ્ટિકસ ,ગ્રીન હાઈડ્રોજન હબ સહિતના ક્ષેત્રે નવા રોકાણની સંભાવના 

ર૦૦૧ ના વિનાશક ભૂકંપ પછી તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ કચ્છમાં 
પુનઃ નિર્માણની ધુરા સંભાળી અને માાત્ર ભૌતિક માળખાને જ નહીં પણ સમગ્ર અર્થતંત્રને ઝડપથી બેઠું કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું : ર૦૦૩માં વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થવાનું વિઝન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું જેનાથી કચ્છ સહિત સમગ્ર 
ગુજરાતની વૈશ્વિક રોકાણ માટે પસંદગીના સ્થળ તરીકે ઓળખ બની



ગાંધીધામ-કચ્છઉદય : ભારતના પશ્ચિમી દ્વાર અને દેશની આર્થિક પ્રગતિનું કચ્છ જિલ્લો એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે. એક સમયે માત્ર રણ અને વેરાન ભૂમિ તરીકે ઓળખાતો આ પ્રદેશ આજે ઔદ્યોગીક, બંદરીય અને ગ્રીન એનર્જી સેકટરમાં વિશ્વસ્તરીય હવા બની ઉભરી આવ્યો છે. વિશાળ દરિયા કિનારે, અફાટ રણ, વ્યુહાત્મક સ્થાન અને સરકારી નીતિઓના સમર્થનના કારણે કચ્છે માત્ર રાજયમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય ફલક પર વિકાસ મુદ્દે પોતાની આગવી ઓળખ સ્થાપીત કરી છે. આ પ્રદેશની વિકાસ ગાથાને વધુ વેગ આપવાના માટે અને વિવિધ સેકટરમાં નવા રોકાણકારોને આકર્ષવા માટે આગામી રજી જાન્યુઆરી રોજ ડિસ્ટ્રીકટ લેવલની વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આયોજન ગાંધીધામ ખાતે થવા જઈ રહ્યું છે, જે કચ્છના ભવિષ્ય માટે એક નવા યુગનો આરંભ કરાવશે. આ અંગેની વિગત મુજબ આજના સમયમાં કચ્છ જિલ્લાનો સમાવેશ રાજય અને દેશના સૌથી ઝડપથી વિકસતા આર્થિક ઝોનમાં થાય છે. આ સરહદી જિલ્લાના આધુનિક ઔદ્યોગીક વિકાસ અને વૈશ્વિક ફલક પર તેની સ્થાપના પાછળ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણ અને નીતિઓનું મોટું યોગદાન રહેલું છે. 
ર૦૦૧ ના વિનાશક ભૂકંપ પછી તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ કચ્છમાં પુનઃ નિર્માણની ધુરા સંભાળી અને માાત્ર ભૌતિક માળખાને જ નહીં પણ સમગ્ર અર્થતંત્રને ઝડપથી બેઠું કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે સરહદી જિલ્લામાં ઉદ્યોગોના આકર્ષિત કરવા ખાસ આર્થિક ઝોન જેવી વિશેષ નીતિઓ અમલમાં મુકી હતી, જેના પરિણામે કંડલા, મુંદરા સહિતના વિસ્તારોમાં મોટા ઉદ્યોગોએ પ્રવેશ કર્યો હતો. તેમણે વર્ષ ર૦૦૩ માં વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થવાનું વિઝન આપ્યું જેનાથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતની વૈશ્વિક રોકાણ માટે પસંદગીના સ્થળ તરીકે ઓળખ બની છે. તેમણે કચ્છના લાંબા દરિયા કિનારાને ક્ષમતાને ઓળખી મુંદરાને પ્રાઈવેટ પોર્ટ તરીકે વિકસાવવા પ્રોત્સાહન આપ્યું હતું. અને કચ્છને ગ્રીન એનર્જીના હબ તરીકે વિકસાવવાની વ્યુરચના પણ તેમના કાર્યકાળમાં થઈ હતી. જેના ફળ આજે કચ્છની ધરતી પર વિશ્વના સૌથી રિન્યુએબલ એનર્જી પાર્ક તરીકે જોવા મળે છે. આ વૈશ્વિક પ્લેટફોર્મની અસર છે કે હવે ડિસ્ટ્રીકટ અને રિજનલ લેવલ સુધી આ સમિટનું આયોજન થઈ રહ્યું છે. ઔદ્યોગિક વિકાસની વાત કરીએ તો મુંદરા અને કંડલા જેવા મહા બંદરોએ કચ્છને આંતર રાષ્ટ્રીય વ્યાપારનું મુખ્ય કેન્દ્રબિંદુ બનાવી દીધું છે. આ બંદરોએ માત્ર લોજિસ્ટિકસ અને ટ્રેડમાં જ નહીં પણ પેટ્રો કેમિકલ્સ, સિમેન્ટ અને હેવી એન્જિનિયરીંગ જેવા સેકટરમાં મોટા રોકાણ આકર્ષાયા છે. બીજીતરફ કચ્છ જિલ્લાએ ગ્રીન એનર્જી સેકટરમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. સૂર્ય પ્રકાશ અને પવનની વિપુલતાના કારણે આ જિલ્લો દેશના સૌથી મોટા સોલાર અને વિન્ડ પાવર પ્રોજેકટસનું ઘર બન્યો છે. અદાણી અને અન્ય મોટી કંપનીઓએ અહીં મેગા સ્કેલ રિન્યુએબલ એનર્જી માર્કસ સ્થાપિત કર્યા છે. 
જે ભારતની કાર્બન ફુટ પ્રિન્ટ ઘટાડવાના રાષ્ટ્રીય લક્ષ્યમાં મોટો ફાળો આપી રહ્યા છે.આ વિકાસના વારસાને આગળ વધારવા દરાજય સરકાર દ્વારા હવે રજી જાન્યુઆરીના રોજ કચ્છ ડિસ્ટ્રીકટ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આયોજન ગાંધીધામના ડો.બાબા સાહેબ આંબેડકર કન્વેશનલ સેન્ટર ખાતે કર્યું છે. જેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડિસ્ટ્રીકટ કોન્ફરન્સ બાદ તા. ૧૦ થી ૧ર જાન્યુઆરી દરમ્યાન વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ યોજાશે. જેમાં ડિસ્ટ્રીકટ લેવલ પર થયેલા 
એમઓયુ જાહેર કરવામાં આવશે. ડિસ્ટ્રીકટ વાયબ્રન્ટ કોન્ફરન્સનો મુખ્ય ઉદેશ્ય જિલ્લામાં સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ સંશાધનોનો મહતમ ઉપયોગ કરી નવા રોજગારનું સર્જન કરવાનો છે. નવીન ટેકનોલોજીને આકર્ષવા સાથે એમએસએમઈ સેકટર માટે રોકાણની નવી તકો ઉભી કરવાનો છે. આ કોન્ફરન્સ કચ્છની આર્થિક શક્તિનું પ્રદર્શન કરશે અને વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના મંત્રને મૂર્ત સ્વરૂપ આપશે.આ કોન્ફરન્સથી જિલ્લામાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. મુડી રોકાણ માત્ર મેગા સીટીઝ પુરતું સિમિત ન રહી છેવાડાના તાલુકાઓ સુધી પહોંચશે. આજથી મોટા ઉદ્યોગો માટે સહાયક ઉદ્યોગો સ્થાપવાની તક મળશે. પોર્ટસ, સિમેન્ટ, સ્ટીલ કે એનર્જી કંપનીઓને જરૂરી પાર્ટસ અને સર્વિસ એમએસએમઈ પુરા પાડી શકશે. આ પ્લેટફોર્મ દ્વારા એમએસએમઈ રોકાણકારોને આધુનિક ટેકનોલોજી, ઉત્પાદન, પધ્ધતિઓ અને બેસ્ટ પ્રેક્ટિસીસ વિશે જાણવા મળશે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા વિસ્તરણ અને મુડી જરૂરીયાતોન માટે લોન અને અન્ય નાણાકીય સહાય સરળતાથી મળી શકશે. આ કોન્ફરન્સ રોકાણને આકર્ષવામાં જ નહીં, પણ પોર્ટ આધારીત વ્યાપાર થકી નિકાસની નવી તકો ખોલવામાં પણ મદદરૂપ બનશે.


..................

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તૈયારીઓમાં વ્યસ્ત


રજિસ્ટ્રેશનની લીંક શેર કરવા ઉપરાંતની પ્રક્રીયાઓ શરૂ કરી દેવાઈ છે, કલેકટરશ્રીના માર્ગદૃશન સાથે તૈયારીઓ પુરઝડપે આરંભી દેવાઈ છે, સારો સહકાર કચ્છમાથી પ્રાપ્ત થઈ રહ્યો છે : શ્રી ભરતભાઈ નકુમ(જીએમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર)



ગાંધીધામ : આગામી બીજી જાન્યુઆરીના રોજ ગાંધીધામના ડો.બાબાસાહેબ આંબેડકર કન્વેશનલ સેન્ટર ખાતે આયોજીત થનારી ડિસ્ટ્રીકટ વાયબ્રન્ટ કોન્ફરન્સની તૈયારીઓ શરૂ થઈ છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી ભરતભાઈ નકુમના જણાવ્યાનુસાર રજીસ્ટ્રેશન માટેની લિંક શેયર કરવામાં આવી છે. આ સમિટને લઈ એમએમએમઈ સેકટરમાં ખુબ ઉત્સાહન જોવા મળી રહ્યો છે. કચ્છની વાણિજ્ય સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, શિપિંગ વ્યવસાયકારો સાથે પરામર્શ કરાયો છે. કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા પણ સતત સંપર્કમાં રહી આયોજન અને માર્ગદર્શન આપી રહ્યા છે. જયારે ટુંક સમયમાં જ જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીકટ વાયબ્રન્ટ કોન્ફરન્સને લઈ મહત્વની બેઠક યોજાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM