Trending News
સ્થાનિક સમાચાર

ભુજ અંડર ૧૪ ટીમનો જામનગર રૂરલ સામે પ્રથમ ઇનિંગની સરસાઈથી વિજય

16 December


કેસીએ ભુજના કેપ્ટન કિર્તન કોટકનો મેચમાં ઓલરાઉન્ડ દેખાવ : ૧૨૬ રન અને ૩ વિકેટ ઝડપી મચાવ્યો તરખાટ

ગાંધીધામ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન આયોજીત આંતર જિલ્લા અંડર - ૧૪ ટેસ્ટ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટની ડીપીએસ  ગ્રાઉન્ડ ગાંધીધામ ખાતે શરૂ થયેલી લીગ મેચની શરૂઆત ડીપીએસ ગાંધીધામના ડાયરેકટર ડૉ.સુબોધ થપલિયાલના હસ્તે ટોસ ઉછાળીને કરવામાં આવી હતી. આ સમયે રામકરણ તિવારી (ભૈયાજી) ખજાનચી તેમજ કેડીઆરસીએના સભ્યો અશ્વિની કચ્છાવા, લાલ નવાણી, કૈલાશ ગોહિલ, રાજેશ જોશી, જય જતીયાણી અને ડીપીએસના ગ્રાઉન્ડ સ્ટાફ ઉપરાંત કેસીએ અડર ૧૪ ટીમના કોચ ભુજના મહેશ પંડ્યા હાજર રહ્યા હતા.ગાંધીધામ ખાતે રમાયેલી મેચના પ્રથમ દિવસે ટોસ જીતીને જામનગર રૂરલે કચ્છની ટીમને બેટિંગ માટે આમંત્રિત કરી હતી. કેસીએ ભુજની ટીમે ૬ વિકેટના નુકશાને ૯૦ ઓવરમાં ૨૮૩ રન કર્યા હતા, જેમાં પ્લેયર ઓફ ધ મેચ કિર્તન કોટકના ૧૨૬ રન, મોહમ્મદ અર્શ નોડેના ૪૭ રન અને જૈનિક મંગેરિયાના ૩૨ રન મુખ્ય હતા. જામનગર રૂરલ વતી હેત ભાદરાએ ૨ વિકેટ લીધી હતી. જવાબમાં પ્રથમ દિવસે બેટિંગમાં ઉતરેલી જામનગર રૂરલ ટીમે ધીમી શરૂઆત કરી હતી અને ૨૦ ઓવરમાં માત્ર ૨૬ રન કર્યા હતા અને ૨ વિકેટ ગુમાવી હતી.
મેચના બીજા દિવસે જામનગર રૂરલની સમગ્ર ટીમ તેની પ્રથમ ઈનિંગમાં ૬૯.૫ ઓવરમાં માત્ર ૧૩૪ રનમાં ઓલ આઉટ થઈ જતા તેને ફોલ-ઓન જાહેર કરવામાં આવી હતી, જેમાં કાવ્ય ઠકરારના ૪૩ રન મુખ્ય હતા. કચ્છ વતી બોલિંગમાં જયદીત્યસિંહ સોઢાએ ૩ વિકેટ, કિર્તન કોટક અને જૈનિક મંગેરિયાએ ૨-૨ વિકેટ તેમજ વિશ્વજીતસિંહ જાડેજા અને અરહાન આરબે ૧-૧ વિકેટ લીધી હતી.
બીજા દિવસે ફોલો ઓન બાદ બીજી ઇનિંગમાં દાવ લેવા ઉતરેલી જામનગર રૂરલ ટીમે રક્ષણાત્મક રમત દેખાડતા ૭૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૫૧ રન કર્યા હતા, જેમાં અભિગ્યાન ચૌધરીના ૫૩ રન મુખ્ય હતા. બીજા દાવમાં કચ્છ તરફથી જયદિત્યસિંહ સોઢા, અરહાન આરબ, સૌમ્ય ઠક્કર  અને કિર્તન કોટકને ૧-૧ વિકેટ મળી હતી. આમ જામનગર રૂરલ ટીમ પ્રથમ ઈનિંગમાં ૧૪૯ રનથી પાછળ રહી જતાં કેસીએ ભુજ ટીમને પ્રથમ ઇનિંગની સરસાઈના કારણે વિજેતા જાહેર કરવામાં આવી હતી.
સમગ્ર ટીમને કચ્છ ક્રિકેટ એસોશિયેશનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા, મંત્રી અતુલભાઈ મહેતા અને સહમંત્રી પ્રવીણભાઈ હીરાણી, રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ સિલેક્ટરો અશોકભાઈ મહેતા, ગિરીશભાઇ ઝવેરી, નવલસિંહ જાડેજા, મહિપતસિંહ રાઠોડે જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. કચ્છની ટીમ સાથે કોચ તરીકે મહેશભાઈ પંડ્યા અને ટીમ મેનેજર અમિત રાઠોડ જોડાયેલા છે. 
----

Comments

COMMENT / REPLY FROM