કેન્દ્ર સરકારના આદેશથી કચ્છના સહકારી ક્ષેત્રના માળખામાં ફેરબદલના એંધાણ
સહકારી બેંકોમાં ૧૦ વર્ષ જૂના ડિરેકટરો કરાશે છૂટા
ભુજ-કચ્છઉદય : રાજયના સહકારી માળખામાં સર્વોતમ ગણાતા કચ્છ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મોટા ફેરબદલના એંધાણ મળી રહ્યા છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રની બેંકોમાં વર્ષોથી ડિરેકટર પદે કાર્યરત જુના જોગીઓને હવે પદ પરથી દૂર કરવાના કેન્દ્ર સરકારના આદેશથી હડકંચ મચી ગયો છે. આ અંગેની વિગતો મુજબ સહકારી બેંકમાં દસ વર્ષથી વધુ સમય માટે ડિલેક્ટરના હોદ્દા પર સેવા આપનારાઓને હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છૂટા કરી શકશે. ગુજરાતની ૨૦૦થી વધુ સહકારી બેંકો અને દેશના તમામ રાજ્યોની સહકારી બેંકોમાં ડિરેક્ટર તરીકે ૧૦ વર્ષથી વધુ સેવા આપી ચૂકેલા ડિલેક્ટરો હજીય તેમના હોદ્દા પર ચોંટીને બેસી રહ્યા હશે તો તેમને રિઝર્વ બેંક પાત્રતા ન ધરાવતા હોવાનું ગણીને તેમને છૂટા કરી શકશે. ભારત સરકારે ૧૦મી ડિસેમ્બરે ગેઝેટમાં જાહેરાત કરીને નવું નોટિફિકશન બહાર પાડી દીધું છે જે અમલી બનતા જ સહકારી બેંકોના દાયકા જુના ડિરેકટરોને ઘર બેસવાની નોબત આવશે. જો કે સહકારી બેંકના ચેરમેન અને એમ.ડી.ને આ જોગવાઈ લાગુ પડશે કે નહિ તે અંગે દસમી ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલા નોટિફિકેસનમાં સ્પષ્ટતાનો અભાવ જણાઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સહકારી બેંકના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપનારાઓને લગતો વિવાદ છેલ્લા ઘણાં વરસોથી ચાલી રહ્યા છે. આ અંગે રિઝર્વ બેંક પણ કોઈ જ નિર્ણય લેવાની સ્થિતિમાં નહોતું. હવે કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડીને રિઝર્વ બેંકને સહકારી બેંકના બોર્ડમાં દસ વર્ષથી વધુ સમયથી સેવા આપનારા ડિરેક્ટર્સને છૂટા કરી દેવાની સત્તા રિઝર્વ બેંકને પ્રસ્તુત નોટિફિકેશનના માધ્યમથી આપી છે. પરિણામે હવે રિઝર્વ બેંક દસ વર્ષથી વધુ સમય સુધી સહકારી બેંકના ડિરેક્ટરના હોદ્દા પર ચોંટીને બેઠેલા લોકોને દૂર કરવાનો નિર્ણય લઈ શકશે.
.............
નવું નોટિફિકેશન ૧પ ડિસેમ્બરથી બન્યું અમલી
નવા નોટિફિકેસનને પંદરમી ડિસેમ્બર ૨૦૨૫થી અમલમાં મૂકવામાં આવ્યું છે. આ સાથે જ સહકારી બેન્કિંગના સેક્ટરમાં નવ યુવાનોને તક આપવાનો માર્ગ ખૂલી ગયો છે. નવા યુવાનો સહકારી ક્ષેત્રમાં વધુ આવતા થશે. જોકે નવયુવાનો અનુભવીઓની માફક સહકારી બેંક ન ચલાવી શકે તેવી પણ એક શક્યતા હોવાનું સહકાર ક્ષેત્રના જાણકારોનું કહેવું છે. પ્રસ્તુત નોટિફિકેશનમાં સહકારી બેંકના ડિરેક્ટર્સના હોદ્દા પર બિરાજમાન વ્યક્તિઓના સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

Comments