Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ૪૧ હજારથી છાત્રો ધો.૧૦-૧રની બોર્ડ પરીક્ષા આપશે

16 December

બોર્ડ પરીક્ષા-ર૦રપ : શિક્ષણ વિભાગનું કાઉન્ટાડાઉન શરૂ



ધો.૧૦માં જિલ્લાના ત્રણ ઝોન અને ધો.૧ર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના બે ઝોનમાં લેવાશે પરીક્ષા : જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્ર અને બિલ્ડીંગની ચકાસણી સાથે સીસીટીવી કેમેરા અને અન્ય ભૌતિક સગવડોની કરાઈ તપાસ : પરીક્ષાર્થીઓમાંથી હાઉ દૂર કરવા ર૩મીથી પ્રિ-બોર્ડ પરીક્ષાઓ લેવાનું આયોજન 


ભુજ-કચ્છઉદય : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે કચ્છ જિલ્લામાં ૪૧ હજારથી વધુ છાત્રોએ ઓનલાઈન ફોર્મ દાખલ કર્યા છે.  
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી તાજેતરમાં પૂર્ણ થઈ છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટેના ફોર્મ રેગ્યુલર ફી સાથે સ્વીકારવાની મુદ્દત 
પૂર્ણ થયા બાદ લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાનું ચાલુમાં છે. રરમી ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓ લેઈટ ફી સાથે પોતાના ફોર્મ ઓનલાઈન ભરી શકશે. શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં હજુ પણ ફેરફાર થઈ શકે છે.
આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે રેગ્યુલર વિદ્યાર્થીઓ દ્વારા ૧૦ મી ડિસેમ્બર સુધી પોતાના ફોર્મ ભરી દેવાયા છે. જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે તેઓ રરમી ડિસેમ્બર સુધી લેઈટ ફી સાથે ફોર્મ ભરી શકશે. જિલ્લામાં ધો. ૧૦ અને ૧ર ની બોર્ડ પરીક્ષા માટે ૪૧ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. કચ્છમાં ધો. ૧૦ ની પરીક્ષા માટે ત્રણ અને ધો. ૧ર ની પરીક્ષા માટે બે ઝોન કચેરીઓ તૈયાર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્ર અને બિલ્ડીંગની ચકાસણી કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા અને અન્ય ભૌતિક સગવડોની તપાસ કરવામાં આવી હતી. 
બોર્ડ પરીક્ષાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર થાય તે માટે ર૩મી તારીખથી પ્રિ બોર્ડ પરીક્ષાઓ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં ૧, જાન્યુઆરીમાં ત્રણ અને ફેબ્રુઆરીમાં એક સહિત કુલ્લ પાંચ પ્રિ-બોર્ડ એકઝામ લેવામાં આવશે. આ ઉપરાંત બોર્ડ પરીક્ષાર્થીઓને વિવિધ વિષયના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પણ પુરૂું પાડવામાં આવશે. જિલ્લામાં ટોલ ફ્રી સલાહ કેન્દ્ર અને યુ-ટયુબના માધ્યમથી તજજ્ઞો દ્વારા માર્ગદર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી કચ્છમાં એક પણ કોપી કેસ નોંધાયો નથી ત્યારે વિદ્યાર્થીઓ માટે સંંપૂર્ણ વ્યવસ્થા સાથે લેવાનારી બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ભય વિના પરીક્ષા આપી શકે તેવું આયોજન ગોઠવાયું છે.


....................
ગળપાદર જેલના એક કેદી આપશે બોર્ડ પરીક્ષા

ભુજ-કચ્છઉદય : ફેબ્રુઆરી માસમાં શરૂ થનાર બોર્ડ પરીક્ષાઓમાં રેગ્યુલર અને રીપીટર છાત્રો ઉપરાંત જેલમાં સજા ભોગવી રહેલ એક કેદીએ પણ કારકીર્દી માટે નિર્ણાયક એવી બોર્ડ પરીક્ષા આપવા માટે ઓનલાઈન ફોર્મ ભર્યું છે. હાલે પૂર્વ કચ્છની ગળપાદર જેલમાં  રહેલ કેદીએ બોર્ડ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું છે તેવું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.

 

Comments

COMMENT / REPLY FROM