ભીમાસરની કંપનીમાં ટાંકો સાફ કરવા જતા ગુંગળામણથી યુવાનનું મોત
ગેસની અસર થતા યુવાન બેભાન થયો હતો, તબીબે મૃત જાહેર કર્યો : પૂર્વ કચ્છની ખાનગી કંપનીઓમાં કામદાર સુરક્ષાના ઉડતા ધજાગરા : શ્રમજીવીના જીવનની કોઈ કિંમત નથી
ગાંધીધામ - કચ્છ ઉદય : અંજાર તાલુકાના ભીમાસર ખાતે આવેલી બીએન એગ્રો ટેક કંપનીમાં ટાંકો સાફ કરવા જતા ગુંગળામણ થવાથી યુવાનનું મોત થયું હતું. આ બનાવે કામદાર સુરક્ષાના ધજાગરા ઉડતા હોવાનું વધુ એક વખત સાબિત કર્યું છે.
આ બાબતે અંજાર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ ભીમાસરમાં રહેતા ૩૬ વર્ષિય શંકરલાલ કોલ બીએન એગ્રો ટેક કંપનીમાં ગઈકાલે સાંજે ટાંકો સાફ કરવા માટે ગયા હતા જ્યાં ગેસ ગુંગળામણ થતા બેભાન થવાથી તેઓને સારવાર માટે અંજાર સીએચસી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે અંજાર પોલીસે એડી દાખલ કરી છે. અત્રે મહત્ત્વનું છે કે, પૂર્વ કચ્છની કંપનીઓમાં અવાર-નવાર આવી ઘટનાઓ સામે આવે છે. જેમાં પેટીયું રળવા આવેલા નિર્દોષ શ્રમજીવીના મોત થાય છે પરંતુ એસી ચેમ્બરમાં બેસતા કંપનીઓ અધિકારીઓ અને તંત્રના સત્તાવાહકો શ્રમજીવીના જીવનનું મૂલ્ય પૈસાથી આંકી સંતોષ માની લે છે. ખરેખર બેદરકારી બાબતે જવાબદારો સામે કડક પગલાં ભરવામાં કેમ નથી આવતા તે એક મોટો સવાલ છે.
.........
સામખિયાળીમાં યુવાનનો આપઘાત
ગાંધીધામ - કચ્છ ઉદય : ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે લક્ષ્મી માર્કેટની બાજુમાં રહેતા યુવાને આપઘાત કર્યો હતો. આ મામલે સામખિયાળી પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ ર૧ વર્ષિય રવી યોગેન્દ્રભાઈ શર્માએ કોઈ અગમ્ય કારણોસર મકાનમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. જે અંગે સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments