ગાંધીધામ મનપાના અંડર ગ્રાઉન્ડ ટાંકામાં પડી જતા યુવાનનું મોત
લીલાશા સર્કલ પાસે શૌચાલયના ટાંકામાં બન્યો બનાવ
ગાંધીધામ - કચ્છ ઉદય : મહા નગરપાલિકા બન્યા પછી એક તરફ ગાંધીધામમાં વિકાસની વાતો કરવામાં આવે છે. કોઈ પાણીનો વેડફાટ કરે તો દંડ ફટકારવામાં આવે છે. લીલાશા સર્કલ કરોડોના ખર્ચે ડેવલોપ કરવાના સપના જોવાય છે પરંતુ લીલાશા સર્કલ પાસે આવેલ મહા નગરપાલિકાના શૌચાલયના અંડર ગ્રાઉન્ડ ટાંકામાં પડી જવાના કારણે યુવાનનું મોત થતા મનપા તંત્ર કઈ દીશામાં કામ કરે છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે.
આ બાબતે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળેલી વિગતો મુજબ લીલાશા સર્કલ પાસે આવેલ ગાંધીધામ નગરપાલિકાના જાહેર શૌચાલયના અંડર ગ્રાઉન્ડ ટાંકામાં આ બનાવ બન્યો હતો. શૌચાલયની ઉપર આવેલા રૂમમાં રહેતા ૪૪ વર્ષિય વિજયભાઈ દીનોભાઈ રાય ગઈકાલે સવાર પહેલા કોઈપણ સમયે અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી જતા તેમને બહાર કાઢી રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. શરીરે ઈજાના કોઈ નિશાન નથી. ડૂબી જવાના કારણે મોત થયાનું માનવામાં આવી રહ્યું છે. એ-ડિવિઝન પોલીસે એડી દાખલ કરી છે પરંતુ અહીં સવાલ એ ઉદ્દભવે કે, એક તરફ પશ્ચિમ કચ્છમાં બોરવેલમાં પડી જવાના કારણે આપઘાતના બે બનાવો બનતા ગતરોજ ભુજ નગરપાલિકાએ પાલિકા હસ્તકના બંધ પડેલા બોરને બંધ કરવા સહિતની કામગીરી માટે બે લાખ રૂપિયા મંજૂર કરી અંતે કામગીરી કરવાની શરૂઆત કરી છે. પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાં જાહેર ટાંકા સાથે ઘરની અંદર આવેલા ટાંકાઓમાં પડી જવાના કારણે મહિનામાં મોતનાં પાંચ બનાવો બને છે. જાહેર સ્થળો પર સુવિધાની વાતો કરતી મનપા ખરેખર માનવ જિંદગી બચાવવા માટે પોતાના જાહેર ટાંકા બંધ કરી રહેણાક વિસ્તારોમાં આવી ઘટનાઓ અટકાવવા અંડર ગ્રાઉન્ડ ટાંકામાં ઢાંકણા સહિતની કડક અમલવારી કરાવે તે જરૂરી બન્યું હોવાનું જાણકારો જણાવી
રહ્યા છે.

Comments