Trending News
સ્થાનિક સમાચાર

પવનચક્કીની કંપનીઓ - કોલસા માટે અબડાસામાં મીઠી ઝાડીનું મોટા પાયે નિકંદન

15 December



જંગલખાતા દ્વારા નામ પુરતી કાર્યવાહી કરી એકલ-દોકલ ટ્રક પકડી કાર્યવાહીનું કરાતું નાટક 

કોલસા પાડવાની મંજુરી માટે તાલુકાથી લઈ રાજ્ય સ્તર સુધીની સમીતીઓની રચનાઓ કરાઈ પણ અબડાસામાં સમીતીની રચના બાદ સમીતીઓની જાણ બહાર અપાતી મંજુરીઓ તપાસનો વિષય



નલિયા : પવનચક્કીની કંપનીઓ અને કોલસા પાડવા માટે અબડાસામાં મીઠી ઝાડીનું મોટા પાયે નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાની વ્યાપક ફરીયાદો વચ્ચે જંગલ ખાતા દ્વારા નામ પુરતી કાર્યવાહીના નામે એકલ - દોકલ ટ્રક પકડી કાર્યવાહીનું નાટક કરાતું હોવાની અબડાસા તાલુકામાં ચર્ચા થઈ રહી હોઈ વ્યાપક તપાસ કરાય તો અનેક ભોપાળા બહાર આવે તેમ છે.
અબડાસામાં કાર્યરત પવનચક્કીની કંપનીઓ દ્વારા તેના ટાવર સ્થાપવા માટે અને ગૌચર અને સરકારી જમીનો પરથી રસ્તા કાઢવા માટે બાવળની ઝાડી સાથે ખેર તથા અન્ય મીઠી ઝાડીનું મોટાપાયે નિકંદન કઢાઈ રહ્યું છે. જે અંગેની વ્યાપક ફરીયાદો અબડાસા તાલુકામાં  ભુતકાળમાં થઈ હતી અને હજુ પણ મીઠી ઝાડીના નિકંદનની પ્રવૃત્તિ ચાલી રહી છે. પવનચક્કીની કંપનીઓ સાથે કોલસા બનાવવાના કામમાં પણ જેસીબીનો ઉપયોગ કરી ગાંડા બાવળ સાથે મીઠા બાવળ, ખેર તથા અન્ય રક્ષિત મીઠી ઝાડીઓનું પણ મોટા પાયે નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાની હાલ વ્યાપક પ્રવૃત્તિ અબડાસામાં ચાલી રહી છે. આમાં નવાઈની બાબત એ છે કે ગુજરાતના વન ખાતા દ્વારા કોલસા કાપવાની મંજુરી આપવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર ડામવા અને મીઠી ઝાડીના સંરક્ષણ માટે ક્રાંતિકારી નવી નીતી અમલી બનાવાઈ છે.
આ નીતી અંતર્ગત રાજ્ય સ્તરથી લઈ તાલુકા સ્તર સુધી આવી મંજુરીઓ આપવા માટે સમીતીઓની રચના કરાઈ છે અને આ સમીતીમાં સરકારી અધિકારીઓ સાથે પર્યાવરણ પ્રેમીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર કચ્છમાં આવી સમીતીઓ રચાઈ પણ તે માત્ર નામ પુરતી રહી ગઈ છે. જંગલખાતાના અધિકારીઓ દ્વારા આવી સમીતીઓની બેઠકમાં ઠરાવો કર્યા વગર તેમની સત્તાનો દુરુપયોગ કરી કોલસાની મંજુરીઓ આપવામાં આવી રહી છે. અબડાસામાં આવી સમીતી વન ખાતા દ્વારા બનાવાઈ હતી જેમાં પ્રાંત અધિકારી સાથે પર્યાવરણપ્રેમી જખૌના જતીનભાઈ લાલકા અને સિંધોડી મોટીના ચંદ્રસિંહ ગઢવીની સભ્યો તરીકે નિમણુંક કરાઈ હતી. આ અંગે જતીનભાઈ લાલકાનો સંપર્ક કરાતા સમીતીની કોઈ બેઠક મળતી નહીં હોવાની અને એક વખત ઠરાવ કરાયો હોવાનું તેમને ટેલીફોનીક સંદેશ મળ્યો હોવાનું જણાવ્યું હતું. આવી જ સ્થિતિ હાલ સમગ્ર કચ્છના દસે-દસ તાલુકામાં છે. આમ મીઠી ઝાડીના નિકંદનની પ્રવૃત્તિ અબડાસામાં બેરાકેટોક ચાલી રહી છે તેને ડામવા એકલ-દોકલ કાર્યવાહીના બદલે સઘન કાર્યવાહી કરાય તેવી માંગ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા કરાઈ છે.

 

Comments

COMMENT / REPLY FROM