મુંદરામાં પોર્ટમાં મિસડીકલેરેશન કરનારાઓ ફરી મેદાનમાં : દારૂ બાદ હવે સીગારેટની ગંધ.!
જો જો કસ્ટમના કાળા ધોળા મોટું જોખમ ન સર્જી જાય..!
પ્રતિબંધિત વિદેશી સિગારેટનો મોટો જથ્થો ઝડપાયાની ચકચાર : રૂા. ૬ લાખની કિંમતની સિગારેટ સાથે બે શખ્સ પકડાયા : કસ્ટમ કાર્યવાહી અંગે સવાલો : થોડા સમય પહેલા જ કસ્ટમ લખેલી ગાડીમાં મુંદરામા પરમીટેડ શોપમાથી દારૂની હેરફેરનો કાંડ પોલીસે ઝડપયો હતો, હવે આ જ રીતે વિદેશી પ્રતિબંધિત સિગારેટોની હેરફેર ઝડપાઈ
ખાટલે મોટી ખોટ : ૫૦ બોક્સમાં કુલ ૫૦૦ પેકેટ અને આશરે ૧૦,૦૦૦ જેટલી વિદેશી સિગારેટનો જથ્થો બહાર નીકળવા આવ્યો કયાંથી? કસ્ટમ વિભાગના જવાબાદરો કેમ અંધારામાં રહી ગયા? : મુંદરામાં કસ્ટમના પીઆરઓ બન્યા છે શોભાના ગાંઠીયારૂપ : કોઈ પણ ઘટનામાં પ્રાથમિક માહીતી આપવામાં પણ સતત કરતા રહે છે ઠાગાઠૈયા..? આવા પીઆરઓની નિયુકિત કરાય જ છે શા માટે? : જેટી સુધી જવાની પરવાનગી માત્ર કસ્ટમને જ હોય છે તો કસ્ટમનું નામ વટાવી આ શખ્સો સ્ટીમ્બર સુધી પહોંચ્યા કેવી રીતે?
વિદેશી દારૂ બાદ વિદેશી સિગારેટ નીકળી રહી છે? તો પછી વિદેશી ચલણ અને સોનું, હથિયારો, ડ્રગ્સ પણ દાણચોરીયુકત રીતે નહી નીકળતુ હોય તેની શું ખાત્રી? કમિશ્નર શ્રી શૈની તપાસ કરાવે કે, કસ્ટમના કયા ભ્રષ્ટ તત્વોની સંડોવણીથી દાણચોરી બિનધાસ્ત થઈ રહી છે?
મુંદરા -કચ્છઉદય : : દેશના મહત્વના વ્યાપારી કેન્દ્ર મુંદરા પોર્ટ પર વિદેશી સિગારેટની દાણચોરીનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. પોર્ટ સિક્યુરિટી દ્વારા એક મોટર વાહન અટકાવી તપાસ કરતાં તેમાંમાંથી અંદાજે રૂા. ૬ લાખની કિંમતની વિદેશી સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું છે. આ જથ્થામાં ૫૦ બોક્સમાં કુલ ૫૦૦ પેકેટ અને આશરે ૧૦,૦૦૦ જેટલી વિદેશી સિગારેટનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા બે શખ્સોને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યા હતા અને સમગ્ર બાબતની જાણ મુંદરા કસ્ટમ વિભાગને તાત્કાલિક કરવામાં આવી હતી. પોર્ટ પ્રતિનિધિના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કસ્ટમ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને શખ્સોને કસ્ટમ હાઉસ સુધી લઈ જવામાં આવ્યા હતા.
જો કે, આશ્ચર્યની વાત એ છે કે, આટલા મોટા જથ્થા સાથે શખ્સો ઝડપાયા હોવા છતાં કસ્ટમ વિભાગ દ્વારા અત્યાર સુધી કોઈ ઔપચારિક કેસ નોંધાયો નથી. સૂત્રોના દાવા મુજબ બંને શખ્સોના માત્ર નિવેદન લઈને તેમને જવા દેવામાં આવ્યા, જેનાથી તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ મામલે મુંદરા કસ્ટમના પી.આર.ઓ. પ્રમોદકુમારનો સંપર્ક કરવામાં આવતાં તેમણે “તપાસ બાદ માહિતી આપવાની” વાત કરી હતી, જ્યારે અન્ય પી.આર.ઓ. ઉત્કર્ષ ગુપ્તાનો સંપર્ક શક્ય બન્યો નહોતો. વધુમાં, ઉચ્ચ અધિકારીઓ તરફથી પણ ઘટનાને લઈને કોઈ સત્તાવાર સ્પષ્ટતા મળી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર પકડાયેલા શખ્સોએ પોર્ટ ગેટ પર પોતાને કસ્ટમ વિભાગના કર્મચારી હોવાનું કહી પ્રવેશ મેળવ્યો હતો. અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે, જેટી પર જવાની પરમિશન માત્ર કસ્ટમ અને પોર્ટ ઓથોરિટી પાસે જ હોય, તો આ શખ્સો સ્ટીમર સુધી પહોંચ્યા કેવી રીતે? અને જો તેઓ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા, તો કસ્ટમ દ્વારા તાત્કાલિક જપ્તી અને કાયદેસર કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. આ સમગ્ર ઘટનાને લઈને મુંદરા પોર્ટ પર વર્ષોથી ચાલી રહેલી દાણચોરીની ચર્ચા ફરીથી ગરમાઈ છે. સૂત્રોનું માનવું છે કે વિદેશી સિગારેટ, દારૂ અને વિદેશી ચલણની દાણચોરી તંત્રની સંડોવણી વિના શક્ય નથી. પોર્ટના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, સિગારેટ સાથે ઝડપાયેલા બંને શખ્સોને મુંદરા કસ્ટમને સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદની કાર્યવાહી કસ્ટમ વિભાગનો વિષય હોવાનું સ્પષ્ટ કર્યું હતું.આ સાથે જ, સૂત્રોના દાવા અનુસાર, સમગ્ર દાણચોરી નેટવર્ક અંગે મુંદરા કસ્ટમ વિભાગ સહિત વિવિધ તપાસ એજન્સીઓને એક વિગતવાર ઈ-મેઈલ દ્વારા માહિતી આપવામાં આવી છે, જેમાં વર્ષોથી ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને સંડોવાયેલા અધિકારીઓ અંગેના ઉલ્લેખો હોવાનું કહેવાય છે.

Comments