ઓનલાઈન બીઝનેશના નાણા આવશે તેમ કહી નખત્રાણાની બેંકોમાં ઠગાઈના ૧૭.૬૯ લાખ જમા થયા
બેંક ખાતાની વિગતો મેળવી ઠગાઈ કરનાર ગાંધીધામના બે ઈસમો સામે નખત્રાણાના વેપારીઓએ નોંધાવી ફરિયાદ
ભુજ-કચ્છઉદય : ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ક્રાઈમના નાણાની હેરફેર કરતા ખાતા ધારકો સામે કાર્યવાહી કરવાની શરૂઆત થઈ છે. ભુજ અને ગાંધીધામમાં ફરીયાદો બાદ આ સીલસીલો હવે નખત્રાણા સુધી પહોંચ્યો છે. અહીં ઓનલાઈન બીઝનેશના નાણા જમા થશે તેમ કહી બેંક ખાતાની વિગતો મેળવી સાયબર ઠગાઈના ૧૭.૬૯ લાખ જમા કરાવાયા હતા. જે મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ બાબતે નખત્રાણાના શક્તિનગર મણીનગરમાં રહેતા ફરીયાદી શાંતિબેન પરસોત્તમદાસ ગોસ્વામીના જણાવ્યા મુજબ તેઓ કપડા અને કટલેરીની દુકાન ધરાવે છે. વર્ષ ર૦રપ ના પહેલા મહિનાથી ર૧ જુન સુધીમાં આ બનાવ બન્યો હતો. આરોપી મુળ રાજસ્થાનના હાલે ગાંધીધામના કિડાણામાં રહેતા ઈન્દ્રગીરી ઉર્ફે પપ્પુ કિશોરગીરી ગોસ્વામી અને ગાંધીધામના ગુરવિંદરસિંહ મનમોહનસિંગ ખોખર નામના વ્યક્તિ ફરીયાદીના ઘરે આવી વિશ્વાસ જીતી પોતે ઓનલાઈન બીઝનેશ શરૂ કર્યો છે અને તેના રૂપિયા આવવાનું કહી ફરીયાદીના બેંક એકાઉન્ટની વિગતો મેળવી તે પૈકી એકસીસ બેંકના ખાતામાં સાયબર ફ્રોડના ૪,૪૮,૮૭પ જમા કરાવી પોતાના ખાતામાં મેળવી લીધા હતા. અન્ય એક કિસ્સામાં પરસોતમભાઈ નાનકગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, આ બન્ને આરોપીઓએ ફરીયાદીનો વિશ્વાસ જીતી ઓનલાઈન બીઝનેશના રૂપિયા આવવાના હોવાનું કહી ફરીયાદીના એસબીઆઈ અને એચડીએફસીના ખાતામાં ર,૦૧,૦૩૬ રૂપિયા જમા કરાવી પોતાના ખાતામાં મેળવી લીધા હતા. જયારે રીક્ષા ડ્રાઈવીંગનું કામ કરતા હરેશકુમાર વાસુદેવ સિંધીના જણાવ્યા મુજબ ફરીયાદી પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી બેંક ઓફ બરોડા, એકસીસ બેંક અને એસબીઆઈના ખાતામાં ૧૧,૧૯,૦ર૬ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. ત્રણેય કિસ્સામાં નખત્રાણા પીઆઈ એ. એમ. મકવાણાએ તપાસ હાથ ધરી છે.
............
ભુજના શખ્સ સામે વધુ એક ગુનો દાખલ કરાયો
ભુજ-કચ્છઉદય : સાયબર ક્રાઈમના રૂપિયાની ગેરકાયદે હેરફેર મામલે ઝડપાયેલા સત્યમ સોસાયટીના ધનંજય શૈલેષભાઈ ચૌહાણ સામે વધુ એક ગુનો દાખલ થયો છે. આરોપીએ ફરીયાદી રવીનાબેન કિશોરભાઈ રાઠોડને વિશ્વાસમાં લઈ તેમના બેંક ઓફ બરોડાનો કોરો ચેક મેળવી તેના મારફતે ઠગાઈના ૪.૭ર લાખ ઉપાડયા અને ર૮ હજાર ગુગલ પેથી મેળવી સાયબર ઠગાઈના પાંચ લાખની હેરફેર કરતા એ ડીવીઝનમાં ફરીયાદ કરવામાં આવી હતી.

Comments