Trending News
સ્થાનિક સમાચાર

દેશભરમાં થયેલી સાયબર ઠગાઈના વધુ ૪૯.૭૮ લાખ રૂપિયા ભુજની વિવિધ બેંકોમાં ઠલવાયા 

13 December



બેંક ખાતાનો ગેરકાયદે વપરાશ કરવા મામલે સરકાર તરફે અને ખાતાધારકો દ્વારા એક જ દિવસમાં અલગ અલગ સાત ફરિયાદ દાખલ કરાઈ 



ભુજ - કચ્છ ઉદય : સાયબર માફિયાઓ દ્વારા ઓનલાઈન ઠગાઈ કરી આ નાણાં બેંક મારફતે મેળવવામાં આવે છે. પોતે પકડાય નહીં તે માટે અન્ય લોકો પાસેથી આવા બેંક ખાતે ભાડે મેળવવામાં આવે છે અને પોતે પકડાતા નથી. જેથી સાયબર માફિયાઓની કડીને તોડવા માટે આવા બેંક ખાતાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી સાયબર માફિયાઓના કૃત્યને અટકાવી શકાય. પોલીસના સમન્વય પોર્ટલની માહિતીના આધારે ભુજમાં અગાઉ બેંક ખાતામાં ૧૦પ કરોડ તેમજ અન્ય બે કિસ્સામાં ૧.૦૯ કરોડ જમા થયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે હવે વધુ સાત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ૪૯.૭૮ લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ટુંકા ગાળામાં ભુજમાં આ પ્રમાણે બેંક ખાતાના ગેરવહીવટની ૧૦ ફરિયાદ થઈ છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ રઘુવંશી ચોકડી પાસે રહેતા કરણ લલીતભાઈ રાઠોડે જણાવ્યું કે, આરોપી વ્યાયામ શાળા પાસે રહેતા કમલેશ ઉદયસિંહ ડાભી તથા કૈલાશનગરના ઓમ પટેલે ફરિયાદીને વિશ્વાસમાં લઈ ખોટી હકીકત જણાવી. ફરિયાદીના એસબીઆઈ બેંક ખાતામાં ૪.૯૮ લાખ રૂપિયા જમા કરાવી ચેક મારફતે કઢાવી ખાતામાં નાણાંની ગેરકાયદે હેરફેર કરાવી હતી. આ ઉપરાંત આ ઓમ મનીષભાઈ પટેલ સામે રઘુવંશી ચોકડી પાસે જ રહેતા નેહાબેન નરોત્તમભાઈ ઠક્કરે બી-ડિવિઝન પોલીસમાં બીજી ફરિયાદ લખાવી હતી. જેમાં આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ કોટક મહિન્દ્રા બેંકના બે કોરા ચેક મેળવી તેમાં ૯.૯૪ લાખ જમા કરાવી ઉપાડ્યા હતા. આ તરફ કોડકી રોડ પર રહેતા સૈયદ નાજીર આરબે શાંતિનગરમાં રહેતા આરોપી મોહમદ મણિયાર સામે ગુનો દાખલ કરાવ્યો હતો. જેમાં આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી બે ખાતાના એકાઉન્ટ નંબર, ઈન્ટરનેટ બેકિંગની વિગતો લઈ પૈસાની હેરાફેરી કરી હતી. આ ખાતામાં ૯.ર૮ લાખ જમા થયા હતા. જેથી એ-ડિવિઝનમાં ફરિયાદ થઈ છે. આ ઉપરાંત મોહમદ મણીયાર સામે બીજી ફરિયાદ મદીના નગર-ર મા રહેતા ઈમ્તિયાઝ અહેમદ આદમ રાયમાએ નોંધાવી હતી. જે પ્રમાણે આરોપીએ ફરીયાદીને વિશ્વાસમાં લઈ પોતાના એકાઉન્ટની ચેક બુક ન હોવાનું જણાવી ફરિયાદીના એચડીએફસી બેંકના ખાતામાં અઢી લાખ જમાવી આ રૂપિયા ઠગાઈના હોવાનું જાણવા છતા પોતાના હોવાનું કહી વિશ્વાસઘાત કર્યો હતો. જેથી બી-ડિવિજનમાં ગુનો દાખલ કરાયો હતો. જ્યારે પશ્ચિમ કચ્છ પોલીસના સાયબર સેલે આ મોહમદ મણિયાર અને મોહમદ સાહિદ સલીમ જુણેજા સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી મોહમદ સાહિલ સલીમ જુણેજાએ પોતાના બેંક ખાતાનો ઉપયોગ મોહમદ મણિયારના કહ્યા પ્રમાણે કરી સાયબર ફ્રોડના ૭.૪૯ લાખ મેળવી ચેકથી ઉપાડી કમિશન મેળવ્યું હતું. જ્યારે કોડકી રોડમાં રહેતા શુભમ જાટ સામે અગાઉ ફરિયાદ બાદ વધુ એક ગુનો દાખલ કરાયો છે. જેમાં તેણે ફરિયાદી જુના રેલવે સ્ટેશન પાસે રહેતા મલકીતસિંગ હરભજનસિંગ શીખને વિશ્વાસમાં લઈ તેના પંજાબ બેંકના ખાતામાંથી ચેક મારફતે ઠગાઈ દ્વારા મેળવેલા ૧પ.૪૯ લાખ મેળવી વિશ્વાસઘાત કર્યો હતો. જે મામલે બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. સમનવ્ય પોર્ટલની માહિતીના આધારે ઓપરેશન મ્યૂલ હન્ટ અંતર્ગત પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી કોઈને બેંક ખાતા ભાડે આપવા નહીં અને આ પ્રમાણે ઠગાઈના રૂપિયા જમા ન થાય તેની તાકીદ રાખવી જરૂરી બની ગઈ છે. 



 

Comments

COMMENT / REPLY FROM