ભૂખી નદી મુન્દ્રામાં, કાર્યક્રમ ગાંધીધામમાં : મુંદરાવાસીઓને કેમ અન્યાય?
ભૂખી નદી પુનર્જીવન પ્રોજેક્ટને લઈને મુન્દ્રા તાલુકાની પ્રજામાં ઉઠતા તીવ્ર સવાલો
ડીપીએ કંડલાએ પણ ગાંધીધામને કેમ કર્યો અન્યાય ?મુંદરામાં સક્ષમ પોર્ટે હોવા ઉપરાંત ડીપીએ સીએસઆરમાંથી ૨૦ કરોડ આપવાની કયાં જરુર પડી ?
ભૂખી નદી જે મુંદરા તાલુકામાં છે ત્યાનાં લોકોને જ કાયૅક્રમથી કેમ દૂર રખાયા ? નદી પુનઃ જીવિત થશે તો તેનો લાભ આસપાસના ગામડાના કેપ્ટ લોકોને જ મળશે તો આ કાયૅક્રમ મુંદરામાં જ યોજવો જોઇતો હતો ને ?
ગાંધીધામ : મુન્દ્રા તાલુકામાં આવેલી ભૂખી નદીના પુનર્જીવન માટે આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહેશે.
પરંતુ આ સમગ્ર આયોજનને લઈને મુન્દ્રા તાલુકાના જાણકાર વર્ગ તથા સ્થાનિક પ્રજામાં અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. કહેવાય છે કે ભૂખી નદીનો પુનર્જીવન પ્રોજેક્ટ વિશાળ અને મહત્વાકાંક્ષી છે. તેના સારા
પરિણામો મળશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ એક મોટો પ્રશ્ન એ છે કે ભૂખી નદી મુન્દ્રા તાલુકામાં આવેલી હોવા છતાં અને તેનો સીધો લાભ મુન્દ્રા તાલુકાના લોકો તથા આસપાસના ગામડાઓને મળવાનો હોવા છતાં, આ કાર્યક્રમ ગાંધીધામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનમાં કેમ યોજાયો? સ્થાનિક પ્રજા સવાલ કરી રહી છે કે જો ભૂખી નદીનું વિકાસ અને રિચાર્જ થવાનું છે, તો તેનો લાભ મુખ્યત્વે મુન્દ્રા તાલુકા વિસ્તારને
થવાનો છે.
તો પછી આવો કાર્યક્રમ મુન્દ્રામાં જ યોજાયો કેમ નહીં? શું મુન્દ્રા તાલુકાની પ્રજાને સ્થળ પર જઈને માહિતી સમજવાનો અને પ્રોજેક્ટને નજીકથી જોવાનો અધિકાર નથી? બીજો મહત્વનો પ્રશ્ન કંડલા પોર્ટ
ડીપીએ દ્વારા સીએસઆર (ઝ્રજીઇ) ફંડમાંથી રૂપિયા ૨૦ કરોડની સહાય આપવાના મુદ્દે ઊભો થયો છે. ભૂખી નદી મુન્દ્રા તાલુકામાં આવેલી છે અને ત્યાં પહેલેથી જ વિશાળ ખાનગી બંદર કાર્યરત છે. તો પછી ડીપીએ દ્વારા આવી મોટી રકમ આપવાની જરૂર કેમ પડી? ગાંધીધામની પ્રજાને મળનારા લાભોની અવગણના કરીને પ્રશાસન અન્યાય કેમ કરી રહ્યું છે, એવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે. જો આખી નદીનું
પુનર્જીવન કરવાનું જ હતું, તો મુન્દ્રામાં આવેલા મહાકાય ખાનગી બંદરો પણ તેમાં સહભાગી બની શકતા હતા. અગાઉ ભૂખી નદી માટે ત્યાંથી રકમ સહાયરૂપે આપવામાં આવી હોવાનો દાખલો પણ લોકો આપી રહ્યા છે. તો પછી માત્ર ભૂખી નદીના રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે ડીપીએ દ્વારા કરોડો રૂપિયાનું સીએસઆર ફંડ શા માટે વાપરવામાં આવ્યું? પ્રજાના કહેવા મુજબ, ૨૦થી ૨૨ કિલોમીટર લાંબા વિસ્તારમાં આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. પરંતુ જળસંચયની દૃષ્ટિએ ભૂખી નદીમાં કેટલી સંગ્રહ ક્ષમતા વિકસશે અને વાસ્તવિક લાભ કેટલો મળશે, તે પણ મોટો સવાલ છે. આખરે પ્રજાની લાગણી એ છે કે જો આજનો કાર્યક્રમ ખરેખર મુન્દ્રા તાલુકા વિસ્તારમાં યોજાયો હોત, તો ભૂખી નદી સાથે સંકળાયેલા ગામડાઓના લોકો અને તાલુકાની પ્રજાને આ પ્રોજેક્ટને સમજીને
પોતાનો મત વ્યક્ત કરવાની
સંપૂર્ણ તક મળી હોત. હાલમાં તો આ સમગ્ર આયોજન ભૂખી નદી માટે ઓછું અને પ્રચાર પૂરતું વધુ લાગતું હોવાની લાગણી લોકો વ્યક્ત કરી
રહ્યા છે.
..........
મુંદરાના પ્રબુધ્ધવગૅમાંથી ઉઠતા સવાલો!
૧. ભૂખી નદી મુન્દ્રા તાલુકામાં આવેલી હોવા છતાં તેનો પુનર્જીવન કાર્યક્રમ ગાંધીધામ ખાતે કેમ યોજવામાં આવ્યો? શું આ નિર્ણય પાછળ કોઈ ખાસ કારણ છે કે પછી મુન્દ્રા તાલુકાની પ્રજાની અવગણના કરવામાં આવી છે? ૨. જે નદીનો સીધો લાભ મુન્દ્રા તાલુકાના લોકો અને આસપાસના ગામડાઓને થવાનો છે, તે પ્રોજેક્ટ અંગેનો કાર્યક્રમ મુન્દ્રામાં જ કેમ ન રાખવામાં આવ્યો? શું સ્થાનિક પ્રજાને સ્થળ પર જઈને માહિતી મેળવવાનો અધિકાર નથી? ૩. કંડલા પોર્ટ ડીપીએ દ્વારા સીએસઆર ફંડમાંથી રૂપિયા ૨૦ કરોડ જેવી મોટી રકમ ભૂખી નદી માટે ફાળવવામાં આવી, જ્યારે નદી મુન્દ્રા તાલુકામાં આવેલી છે અને ત્યાં
પહેલેથી જ મોટા બંદરો કાર્યરત છે તો આ જવાબદારી બંદરોની કેમ નથી? ૪. ગાંધીધામ અને આસપાસના વિસ્તારના વિકાસ માટે ઉપયોગી થઈ શકે તેવી સીએસઆર રકમ અન્ય તાલુકાના પ્રોજેક્ટ માટે વાપરવામાં આવી શું આ ગાંધીધામની પ્રજાના હિત સામે અન્યાય નથી? ૫. જો ખાનગી બંદરો અગાઉ ભૂખી નદીના વિકાસમાં સહભાગી બન્યા હતા, તો ભૂખી નદીના પુનર્જીવન માટે તેઓને આગળ કેમ ન લાવવામાં આવ્યા? શું અહીં પસંદગીભર્યું આયોજન કરવામાં આવ્યું છે? ૬. ૨૦થી ૨૨ કિલોમીટર લાંબા વિસ્તારમાં હાથ ધરાયેલા આ પ્રોજેક્ટથી વાસ્તવિક રીતે કેટલી જળસંગ્રહ ક્ષમતા વિકસશે? શું તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે? ૭. ભૂખી નદીના પુનર્જીવનથી ભૂગર્ભ જળસ્તર, ખેતી અને પીવાના પાણી પર કેટલો વાસ્તવિક લાભ મળશે તેની કોઈ સ્પષ્ટ યોજના કે મૂલ્યાંકન રિપોર્ટ જાહેર થયો છે? ૮. આ પ્રોજેક્ટ અંગે સ્થાનિક ગ્રામજનો, ખેડૂત સંગઠનો અને મુન્દ્રા તાલુકાની પ્રજાની કોઈ જાહેર સુનાવણી યોજાઈ છે કે નહીં? ૯. શું આ કાર્યક્રમ વાસ્તવમાં નદીના
પુનર્જીવન માટે હતો કે પછી માત્ર પ્રચાર અને રાજકીય દેખાવ પૂરતો આયોજન લાગતો નથી? ૧૦. આવનારા સમયમાં ભૂખી નદીના જાળવણી, સફાઈ અને સંરક્ષણની જવાબદારી કોણ લેશે? તેની સ્પષ્ટતા કેમ કરવામાં આવી નથી?

Comments