છુટક મજૂરી કરતા પતિએ શંકા રાખીને ધારિયાના ઘા મારી પત્નીની નિપજાવી હત્યા
ભુજ - કચ્છ ઉદય : શહેરમાં દાદુપીર રોડ પર બાપાદયાળુ નગર પાસે ગઈકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. બનાવને અંજામ આપી આરોપી સામેથી ધારિયા સાથે હાજર થઈ ગયો હતો. આ બાબતે બી-ડિવિઝન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી કેમ્પ એરિયામાં રહેતા અસલમ અલ્લાના પઢિયારે આરોપી કેમ્પ એરિયામાં રહેતા ફિરોઝ ઉર્ફે હાજી ઈબ્રાહીમ સીદી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ધારિયા વડે ફરિયાદીની બહેન ર૪ વર્ષિય અમરીન પઢિયારને માથાના ભાગે તથા મોઢાના ભાગે તથા હાથના પગે ઊંડા ઘા મારી મોત નિપજાવી હત્યા કરી હતી. બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભુજ ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચને માહિતી આપતા જણાવ્યું કે, હતભાગી ર૪ વર્ષિય અમરીનબેન દાદુપીર રોડ પરથી પસાર થતા હતા ત્યારે આરોપી પતિ ફિરોઝ ધારિયું લઈને આવ્યો અને હુમલો કરી હત્યાને અંજામ આપી ધારિયા સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. તેઓના લગ્ન દોઢ વર્ષ અગાઉ થયા હતા પરંતુ બન્ને વચ્ચે મનમેળ ન હોવાથી અલગ અલગ રહેતા હતા. પતિને પત્ની પર શંકા હતી અને તેની અદાવતમાં હત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. આરોપી છુટક મજૂરી કરે છે. બી-ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

Comments