ઘરફોડ ચોરીના ૧ર બનાવોને અંજામ આપનાર બે ભાઈઓ નખત્રાણામાંથી દબોચાયા
વાડી વિસ્તારમાં કપડાની ફેરીના નામે રેકી કરતા, દાગીના ચોરી સોનીને વેચી દીધા : સોનીએ પીગાળીને લગડી બનાવી દીધી : ચાર લાખનો મુદ્દામાલ રિક્વર કરાયો
ભુજ - કચ્છ ઉદય : જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે નખત્રાણામાંથી બે તસ્કરને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ બાબતે ભુજ ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચને માહિતી આપતા જણાવ્યું કે, એલસીબીના કર્મચારી મયૂરસિંહ રાણા નખત્રાણા વિસ્તારમાં હતા ત્યારે શંકાસ્પદ લાગતા બે વ્યક્તિની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેની પાસેથી ચાર મોબાઈલ, ચાવીઓનો જુડો, ડીસમીસ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પુછપરછ કરતા ૧ર જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. જેમાં બે માનકૂવા, બે મુન્દ્રા અને એક ભુજ એ-ડિવિઝનમાં ગુનો નોંધાયેલો છે. અન્ય સાત બનાવો અંગે ફરિયાદીને શોધી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આરોપીઓ મૂળ બોટાદના હાલે નખત્રાણામાં યક્ષ ત્રણ રસ્તા પાસે ઝુંપડામાં રહેતા રાજા રમેશભાઈ રાઠોડ (ચિત્રાવત) અને જયસિંગ ઉર્ફે પ્રવીણ રમેશભાઈ રાઠોડ સગા ભાઈઓ છે તેઓ વાડી વિસ્તારમાં ચોરી કરતા હતા. જુના કપડા માંગી વેચવાના નામે રેકી કરી ચોરીના બનાવોને અંજામ આપવામાં આવતો હતો. ચોરી કર્યા બાદ આ દાગીના તેઓ મહેશ કેશવજી સોનીને આપતા હતા. સોની આ દાગીનાને પીગળાવીને લગડી બનાવતો હતો. સોનીની પુછપરછ કરતા કબૂલાત આપી હતી. પોલીસે લગડી સહિત ચાર લાખનો મુદ્દામાલ રિક્વર કર્યો છે.
જેમાં ચાંદીની એક કિલો વજનની ર૩ ઢાળ, ત્રણ મંગળસૂત્ર, ચાર ઝાંઝરી, એક કંઠી તેમજ સોનાની બે ઢાળ, સરી, ચાર મોબાઈલ સહિતના મુદ્દામાલનો સમાવેશ થાય છે. આરોપી જયસિંગ સામે હળવદ અને ભુજ બી-ડિવિઝનમાં ત્રણ અને રાજા સામે હિંમતનગર અને પદ્ધરમાં ત્રણ ગુના નોંધાયેલા છે.
...........
છ આરોપીઓની સંડોવણી ખુલી
આ બનાવમાં છ સાગરીતોના નામ સામે આવ્યા છે. અજયભાઈ હિંમતભાઈ વીરા, રોમનભાઈ અજયભાઈ હિંમતભાઈ વીરા, ધારસિંહ ગંજીભાઈ કરમાવત, ચમેલી ઉર્ફે મોતી રાજા રમેશભાઈ રાઠોડ, નરેશભાઈ ગંજીભાઈ કરમાવત, ગંજીભાઈ કરમાવત (મારવાડી)નો સમાવેશ થાય છે.
...........
આ સ્થળોએથી કરી હતી ચોરી
આરોપીઓએ કુલ ૧ર ઘરફોડ ચોરીના બનાવની કબૂલાત આપી છે. જેમાં પાંચમાં ભુજ એ-ડિવિઝન, માનકૂવા, મુન્દ્રા, માનકૂવા, નખત્રાણામાં ફરિયાદ નોંધાયેલી, જ્યારે અન્ય બનાવમાં સામત્રા ટોલ નાકા પાસે વાડીમાંથી, માનકૂવા નજીક બજરંગ હોટલની પૂર્વ બાજુ વાડીના ડેલામાંથી, કેરા બળદિયા રોડ પર બળદિયા ગામ પાસેથી આવેલ વાડીમાંથી, કોઠારા ગામથી નલિયા બાજુ જતા હાઈવે પર કોઠારા ગામ મુકીને આવતા પુલિયાના પૂર્વે બાજુમાં આવેલ વાડીની બંધ ઓરડીમાંથી, મોગલધામ કબરાઉ પાસે કેનાલથી આગળ વાડીની ઓરડીમાંથી, માનકૂવા ભૂમિ પેટ્રોલ પંપ પાસે રોડ પર આવેલ વાડીમાંથી, ભુજ મિરઝાપર રોડ પર ભગવતી હોટલની પાછળ બાજુમાં આવેલ ઝુપડામાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપીઓ ખાસ કરીને વાડી વિસ્તારમાંથી ચોરી કરવાની ટેવ ધરાવે છે.
.......

Comments