Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા-માંડવી-લખપત-અબડાસા સહિતના પટ્ટામાં ખનીજ માફીયાઓ બેફામ : ખાખી-ખનીજને ૧ કરોડનો હપ્તો : ઠેર-ઠેર ગેરકાયદેસર ખનન

11 December

ધીરે ધીરે બોલ.કોઈ સુનના લે..સુન..ના લે..!



કલેકટરશ્રી ટાસ્કફોર્સની રચના કરી ખનીજચોરી ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે તે વચ્ચે જ મુંદરા તાલુકા આસપાસમાં ખનીજચોરીના બે મોટા પોઈન્ટ સક્રીય થયા : લખપત પટ્ટમાં તલાવડીઓના નામે ખનીજ ચોરી ધમધમી ઉઠી તો અબડાસા નુંધાતડ પટ્ટામાં અક્ષતની મહેરબાનીથી ખનીજચોરોને છુટોદોર હેાવાની ચર્ચા : પરમીટની આડમાં રેતીચોરી પણ વકરી


ગાંધીધામ : રણ-દરીયો અને ડુંગરની ત્રિવિધ સુંદરતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાં અલભ્ય ખનીજનો ખજાનો ધરબાયેલો હોવાની પણ વીશિષ્ટતા છે. ખનીજમાંથી સરકારને જેટલી આવક થવી જોઈએ તેનાથી તો અનેકગણી રોયલ્ટી ચોરી થવા પામી રહી છે. કચ્છના કલકેટરશ્રી ખુદ ખનીજચોરીને ડામવા માટે ટાસ્કફોર્સ બનાવી ચૂકયા છે અને તેના મારફતે કામગીરી પણ કરી રહ્યા છે પરંતુ બીજીતરફ ખાખીના અમુક ભ્રષ્ટ તત્વો અને ખનીજવિભાગના પલળેલા બાબુઓની મીઠીનજર હેઠળ ઠેર ઠેર ખનીજચોરી બેફામ જ બનેલી હોવાનુ ચર્ચાય છે. 
કહેવાય છે કે, મુંદરા તાલુકામાં જ ખનીજના બે મોટા પોઈન્ટ શરૂ થવા પામી ગયા છે. દીવસ રાત અહી મોટા પ્રમાણમાં ખનીજચોરીને અંજામ આપવામા આવી રહયો હોવાનુ મનાય છે.  રોયલ્ટી પરમીટના નામે જ આ પ્રકારની ગેરકાયદેસર ખનીજ ખનન કરવામા આવી રહ્યુ હોવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે.  તો વળી લખપત જેવા છેવાડાના વિસ્તારોમાં પણ ખેતતલાવડી અને જળસંચયના કામોના નામે ખનીજ ચોરી થવા પામી રહી છે. આયોજનબદ્ધ રીતે એક મોટુ કૌભાંડ અહી ચાલી રહયુ છે. કદાચ કામો જળસંચયના થતા હોય તો પણ તેમાં ખનીજ નીકળે તો તત્રને જાણ કરવાની હોય છે પરંતુ આ તો ખેડે એનુ ખેતરના તાલે ખનીજ ચોરી ધમધમી રહી હોવાનુ ચર્ચાય છે. તો બીજી તરફ જે જમીનના પેટાળમાં ખનીજ હોય ત્યાં ખોધ કામ થઈ જ ન શકે છતાં ત્યાં તળાવ, જળસ્ત્રાવ, ખેત તળાવડી જેવી અનેક સરકારી ચોપડે બોલતી યોજનાઓના નામે ખનીજ માફીયાઓ કચ્છમાં ફાવી ગયા હોય તેવું ચિત્ર ઉપસી આવ્યો છે. હાલમાં લખપત, અબડાસા, ભુજ, માંડવી  સહિત અનેક તાલુકાઓમાં યોજનાઓની તપાસ કરવામાં આવે તો કેટલાક સરકારી અને રાજકીય આગેવાનોને શેક લાગે તેમ છે.  એવી જ રીતે માટીની પરવાનગીઓ કાગળ પર મેળવી અને કિમંતી ખનીજ ઉસેડવામા આવી રહ્યુ છે. અબડાસા પટ્ટામાં નુંધાતડ જેવા વિસ્તારોમાં તો સરકારી જમીનને પણ છોડવામા આવતી નથી અને બારેમાસ અહી મોટા પ્રમાણમાં ખનીજચોરી સરકારી જમીન પર કરવામા આવી રહી હોવાનુ કહેવાય છે. અક્ષતની મહેરબાનીથી નુંધાતડમાં ખનીજચોરો બેફામ બની ગયા હોવાનુ ચર્ચાય છે. રેતીચોરી પણ આ જ રીતે પરમીટની આડમાં મોટાપાયે થવા પામી રહી હોવાનુ પણ કહેવાય છે. આ બધા જ કારનામાઓ ગોઠવણીઓથી જ ચાલી રહ્યા હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, એકાદ કરોડનો તગડો હપ્તો ખાખી તથા ખનીજને આપી દેવામા આવે છે અને આ રોયલટી ચોરીનુ મોટુ આયોજનબદ્ધ કૌભાંડ કચ્છમાં ચાલી રહ્યુ છે. 

Comments

COMMENT / REPLY FROM