જિલ્લા વિકાસ અધિકારીએ ડુમરા ગામની લીધી મુલાકાત
ડુમરા - કચ્છઉદય : ગામની જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સુનીલભાઈ ચૌધરીએ ડુમરા ગ્રામજનોના પ્રશ્નોની રજુઆતો સાંભળી હતી. ગ્રામજનો દ્વારા ગૌચર દબાણની રજુઆત કરવામાં આવી હતી. તેમના દ્વારા ડુમરા ગામના સરપંચના પતિ અયુબભાઈ અને ટીડીઓને નિરાકરણ લાવવા માટે જણાવવામાં આવ્યું હતું અને સફાઈ વેરા વસુલાત માટે જણાવવામાં આવ્યું હતું. ડીડીઓએ ગ્રામ પંચાયત, સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા, ડુમરા કુમાર શાળા, ડુમરા કન્યા શાળા, આંગણવાડી અને પીએચસીની મુલાકાત લેવી હતી. દર્દી અને ડોક્ટરને સેવા અને સગવડ માટેની પૂછપરછ કરી હતી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ભણતર અને મધ્યાહન ભોજનની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેમાં પણ આ શાળાના શિક્ષકોને આજુબાજુની શાળાઓમાં વ્યવસ્થામાં મોકલવામાં આવે છે તે ન મોકલવામાં આવે જેથી કરીને ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એટલા માટે ધ્યાન દોરવામાં આવ્યું હતું. ડુમરા પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયતના ચેરમેન જયદેવસિંહ જાડેજા દ્વારા કચ્છી પાઘડી અને અયુબભાઈ સુમરા દ્વારા સાલ ઓઢાડીને તેમજ હરપાલસિંહ જાડેજા દ્વારા માળા પહેરાવીને જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીનું સન્માન કરવામાં આવ્યું હતું. તલાટી સંજય પરમાર અને મુરૂભા ગિલવા, ટીપીઓ સતાર મારા, બીઆરસી લખધીરસિંહ જાડેજા, અલીભાઈ કુંભાર, ધવલ રાજગોર, ચિરાગ ઉપાધ્યાય, વિનીત ડુડિયા, અરવિંદ ભંડારી, માલશીભાઈ, દર્શન સોઢા તથા સમસ્ત ગ્રામજનો હાજર રહ્યા હતા. શાબ્દિક આવકાર માજી સરપંચ રાજેશ્રી ગઢવીએ કર્યો હતો.
-----

Comments