પૂર્વ કચ્છના ૩.૭ ની તીવ્રતાના આંચકો : રણમાં નોંધાયું કેન્દ્રબિંદુ
મધરાતે ર.ર૮ કલાકે ધ્રુજી ઉઠી ધરા : ધોળાવીરાથી ૩ર કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ દિશાએ નોંધાયું કંપન
ભુજ - કચ્છ ઉદય : ભૂકંપ સંભવિત ઝોન-૬ મા સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ભૂગર્ભીય સળવળાટ થયો હતો. મધરાત્રિએ ર.ર૮ કલાકે પૂર્વ કચ્છમાં ૩.૭ ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું. ધોળાવીરાથી ૩ર કિલોમીટર દૂરના કેન્દ્રબિંદુ પર આવેલા આંચકાની અનુભૂતિથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના પેટાળમાં અનેક સક્રિય ફોલ્ટલાઈન આવેલી હોવાથી કચ્છમાં ભૂકંપના નાના-મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહે છે. મોડી રાતે ર.ર૮ કલાકના અરસામાં પૂર્વ કચ્છમાં ભૂકપનો આંચકો નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૩.૭ મેડનીટ્યૂડ અંકિત થઈ હતી. આ આંચકાની કચ્છના કેટલાક ભાગોમાં લોકોને અનુભૂતિ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આંચકો ધોળાવીરાથી ૩ર કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ દિશાએ કચ્છના રણમાં ૦.૯ કિલોમીટરની ઉંડાઈએ આવેલ કેન્દ્રબિંદુ પરથી આવ્યો હતો. ર૩.૬૧૩ અક્ષાંસ અને ૭૦.૦૮પ રેખાંશ પર ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું હતું.
સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં ભૂર્ગભીય હલચલ વધુ તેજ બનતી હોય છે. દરવર્ષે ઠંડીની સિઝનમાં ભૂકંપના નાના-મોટા આંચકાઓનું પ્રમાણ વધુ રહેતુ હોય છે. આ ડિસેમ્બર મહિનામાં કચ્છમાં અત્યાર સુધી ભૂકંપના ૩ આંચકાઓ નોંધાયા છે. તા.૪ અને પ ડિસેમ્બરની મધ્યરાત્રિએ અનુક્રમે ખાવડા અને રાપર સમીપે ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.

Comments