નાયબ જિલ્લા પોલીસવડા ગૌતમ વિવેકાનંદને ચાર્જ સંભાળ્યો
મુંદરા - કચ્છઉદય : મુંદરા મધ્યે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીનો પ્રારંભ નવ નિયુક્ત નાયબ જિલ્લા પોલીસવડા ગૌતમ વિવેકાનંદને રીબીન કાપી કર્યો હતો. સાથે જ ગૌતમ વિવેકાનંદને ચાર્જ સંભાળ્યો હતો. મુન્દ્રામાં ઘણા સમયથી ડીવાયએસપી કચેરીની માંગ હતી, જે પૂર્ણ થઈ છે.
નાયબ જિલ્લા પોલિસ કચેરીની અંદરમાં મુન્દ્રા પોલીસ, મુન્દ્રા કોસ્ટલ, પ્રાગપર પોલીસ, માંડવી પોલીસ, ગઢશીશા પોલીસ, કોડાય પોલીસ સહિતના પોલીસ મથકો એમના હસ્તક રહેશે. મંગળવારે બપોર બાદ નવ નિયુક્ત એએસપી ગૌતમ વિવેકાનંદન (આઈપીએસ) મુન્દ્રા પ્રાંત કચેરીની નીચે બનેલ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ આવી પહોંચ્યા હતા અને શાસ્ત્રોક્તવિધિથી રીબીન કાપી નવી કચેરીનો પ્રારંભ કર્યો હતો. બાદમાં મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મર, પ્રાગપર પીએસઆઈ વી.એન. ચાવડા, મુન્દ્રા પોલીસના પીએસઆઈ ગોસ્વામીએ નવા એએસપી ગૌતમભાઈનું સન્માન કર્યું હતું. પશ્ચિમ કચ્છ નાયબ અધિક્ષક મુન્દ્રાના એએસપી ગૌતમ વિવેકાનંદનએ જણાવ્યું હતું કે, હજી મારી ઉંમર નાની છે. યંગ છું, કામ કરવાની મજા આવશે તેમજ તેમણે પોલીસ સ્ટાફની પ્રશંસા કરી હતી. મુન્દ્રામાં પોલીસની દરિયાઈ પેટ્રોલિંગ ચાલુ છે, પરંતુ હજી દરિયાઈ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે.
--------

Comments