Trending News
સ્થાનિક સમાચાર

એસટીમાં એસી સ્લીપર બંધ થતાં મુસાફરોની હાલાકી વધી 

09 December



કચ્છથી અમદાવાદ, વડોદરા, વલસાડ સહિતના અંતરોમાં મુસાફરી માટે મોટે ભાગે આરામદાયક સ્લીપરની માંગ હોવાથી હવે અઠવાડિયા સિવાય ટીકીટ મળતી નથી : એસી સ્લીપરની જગ્યાએ શરૂ કરાયેલી એસી લકઝરીયસ બસ મોટે ભાગે જાય છે ખાલી : સાદી સ્લીપર બસ વધારો અથવા એસીમાં સ્લીપર બસ શરૂ કરવા પ્રવાસીઓમાંથી ઉઠતી માંગ

ભુજ-કચ્છઉદય : ગુજરાતમાં આંતરીક પરિવહન માટે એસટી જીવાદોરી સમાન છે. એસટી બસના ચાલકો હડતાલમાં ઉતરે તો સમગ્ર રાજયમાં પરિવહન વ્યવસ્થા ખોરવાઈ જાય છે. કારણ કે એક ગામથી બીજે ગામ અને એક શહેરથી બીજા શહેર જવા માટે શાંત, સલામત સવારી એટલે એસટી. પરંતુ હાલમાં એસી સ્લીપર બસ બંધ થઈ જતા મુસાફરોની હાલાકી વધી છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ એસટી દ્વારા લોકલ, એકસપ્રેસ, સ્લીપર બસોનું સંચાલન કરવામાં આવે છે. ખાસ કરીને ખાનગી બસોને ટક્કર આપવા માટે પીપીપી મોડથી એસટી દ્વારા વોલ્વો, એસી સ્લીપર, એસી સીટીંગ બસ શરૂ કરવામાં આવી હતી. આદિત્ય નામની ટ્રાવેલ કંપની સાથે કરાર થયા હતા. એ દરમ્યાન વાદળી કલરની એસી સ્લીપર અને એસી સીટીંગ બસો દોડતી હતી. જો કે કરાર પૂર્ણ થતા આ કંપનીએ પોતાની બસો પરત ખેંચી લીધી હતી. હવે તેની જગ્યાએ નવી કંપની આવી છે. આ કંપની દ્વારા એ જ રૂટ પર એસી લકઝરી બસો શરૂ કરવામાં આવી છે. બસની સીટીંગ વ્યવસ્થા અને ભાડા સારા હોવાનું પ્રવાસીઓ કહે છે, પરંતુ મહિલાઓ, વૃદ્ધ, બાળકો સહિતના મુસાફરો ૧૦ કલાક સુધી એક જ સીટ પર કેમ બેસી રહે ? ત્યારે ખરેખર સ્લીપર બસોની માંગ છે.
આ એસી લકઝરી બસોમાં પ૬ સીટની વ્યવસ્થા સામે મોટા ભાગની બસો ખાલી દોડતી હોવાનું આંકડા દર્શાવે છે. હવે અસર એ પડી કે જે વર્ગ સ્લીપરમાં જવા માંગે છે, તેની પાસે એસીનો વિકલ્પ ન હોવાથી સાદી બસમાં સ્લીપર પસંદ કરે છે. પરીણામે જે એકસપ્રેસ બસોમાં સહેલાઈથી સ્લીપરની ટીકીટ મળતી તેમાં અઠવાડિયા પહેલા બુકીંગ થઈ જાય છે. ખરેખર એસટી દ્વારા સાદી સ્લીપર બસો વધારવામાં આવે અથવા તો એસીમાં સ્લીપર બસો શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રવાસી વર્ગમાંથી ઉઠી રહી છે. ખાસ કરીને કચ્છના નખત્રાણા, માતાનામઢ, નલિયા, મુંદરા, માંડવી સહિતના વિસ્તારમાં રેલવે સુવિધા નથી. આ વિસ્તારના લોકોને અમદાવાદ, વડોદરા, વલસાડ, સુરત જવું હોય તો ૧ર થી ૧પ કલાક થાય. જેથી તેઓ સ્લીપર બસની વધારે માંગ કરે છે. 


.............

કચ્છમાં એસટી પાસે ૪૦૦ બસ, રોજની આવક ૪૮ લાખ


આંકડા પર નજર કરીએ તો કચ્છમાં એસટીના કુલ્લ ૮ ડેપો છે. જેમાં ભુજ, માંડવી, મુંદરા, નખત્રાણા, અંજાર, રાપર, ભચાઉ અને નલિયાનો સમાવેશ થાય છે. એસટી પાસે કુલ્લ ૪૦૦ બસ છે. આગામી વર્ષમાં નવી ૬૦ બસ આવશે. હાલમાં ૧૪૦ ટ્રીપનું સંચાલન થાય છે. જિલ્લાના ૮૭૭ ગામો પૈકી ૮૩૩ ગામમાં બસ કનેક્વિટી હોવાનો દાવો કરાયો છે. રોજનું ૧.૮૦ લાખ કિલોમીટર સંચાલન કરવામાં આવે છે અને ર૦ હજાર  મુસાફરોને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચતા કરવામાં આવે છે. જેના કારણે રોજની સરેરાશ આવક ૪૮ લાખ હોવાનું એસટી વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

 

Comments

COMMENT / REPLY FROM