Trending News
સ્થાનિક સમાચાર

શંકર મારાજ અને સામજી પટેલના નામની ફેસબુક આઈડી બનાવી ઠગાઈ કરતો સલમાન પકડાયો

08 December




ત્રણ લાખના બદલામાં દસ લાખ આપવાનો વીડીયો સોશિયલ મીડિયામાં કર્યો હતો અપલોડ : નકલી નોટોના ૧૮ બંડલ 
કબજે કરાયા




ભુજ-કચ્છઉદય : જિલ્લા મથક ભુજ સસ્તા સોનાની ઠગાઈના નામે બદનામ છે, તેની સાથે હવે એક લાખના ત્રણ લાખ કરી આપતી ગેંગ પણ સક્રિય બની છે. ખાસ આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે, ખોટું નામ ધારણ કરી ફેસબુકમાં આઈડી બનાવી ફોટા અને વીડિયો અપલોડ કરી ગ્રાહકને ભુજ બોલાવી બાદમાં પૈસા પડાવી દગો કરવામાં આવે છે. દરરોજ - એકાંતરે બનતા આવા કેસો પૈકી અમુક કેસોમાં અરજદાર પોલીસમાં રજુઆત કરવા જાય ત્યારે પોલીસ સ્ટેશનમાં આરોપીઓના ફોટાની યાદી જોઈ ખ્યાલ આવે કે, 
આપણી સાથે ઠગાઈ કરનાર વ્યક્તિએ નામ બદલીને ચુનો ચોપડયો છે.
 જો કે હવે આવા ગુના અટકાવવા માટે શંકાસ્પદોને શોધી તેમની સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત એલસીબીએ બોગસ આઈડી બનાવી ઠગાઈ કરવાની ફીરાકમાં રહેલા શખ્સને ઝડપી લીધો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ ભુજ એલસીબીની ટીમ મુસ્લિમ એજયુકેશન ચાર રસ્તા ફાટક પાસે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે તયબાહ - ર ટાઉનશીપમાં રહેતા સલમાન સાજીદ કુરેશીને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીએ પોતાના કબજાના મોબાઈલમાં અન્ય વ્યક્તિના નામના સીમકાર્ડ 
મેળવી તે સીમકાર્ડ પોતાના કબજાના મોબાઈલમાં નાખી ઈન્સ્ટાગ્રામમાં શંકર મારાજ તથા સામજી પટેલ નામની ખોટી બનાવટી આઈડી બનાવી આ આઈડીમાં ત્રણ લાખના બદલામાં દસ લાખ આપવાના વીડીયો અપલોડ કરી ઠગાઈની પેરવીમાં હતો. પોલીસે તેની પાસેથી ર૦ હજારના ત્રણ મોબાઈલ, ર સીમકાર્ડ, વીડિયો બનાવવા માટે પ૦૦ ની નોટોના રાખેલા ૧૮ બંડલ જેમાં ઉપર સાચી નોટ અને નીચે ચીલ્ડ્રન બેંકની ચલણી નોટ હતી. તેમજ કાર નંબર જી.જે.૧ર.એફ.એફ. ર૯૪૭ કબજે કરવામાં આવી હતી. આરોપીએ લોભામણા વીડીયો બનાવી વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઈ વિશ્વાસઘાત કરી રૂપિયા પડાવવાની કોશિષ કરતા તેને ઝડપી એ ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



 

Comments

COMMENT / REPLY FROM