કચ્છમાં દર મહિને દારૂનો પ૦ કરોડનો ધીકતો ધંધો
બુટલેગરો જેલમાં હોવા છતા તેમના ધંધાકીય વહીવટ વધારે મજબુતાઈથી કેવી રીતે ચાલી રહ્યા છે?
રાજસ્થાન, હરિયાણા અને પંજાબથી માલ આવે ત્યારથી લઈ દારૂના પોઈન્ટ સુધી હપ્તાની આખી ચેઈન ગોઠવાયેલી : દર મહિનાની ૧૦ તારીખ સુધીમાં પોઈન્ટનો ત્રણ લાખનો હપ્તો ચુકવવો ફિકસ : મુખ્ય સપ્લાયર “પુનો” ગાડી મોકલાવે અને નીચે પેટામાં બુટલેગરો વચ્ચે પણ તાલુકાની વહેંચણી : દારૂની ૬૦ ગાડી આવતી હોવાની આંતરીક માહિતી સામે આવી : પોલીસના ભ્રષ્ટ તત્વોની સાંઠગાંઠથી ચાલતા આ કારોબાર....
ભુજ-કચ્છઉદય : ગુજરાતમાં સરકારી ચોપડે દારૂબંધી છે. જો કે બીન સત્તાવાર વાત કરીએ તો દારૂની પરવાનગી વાળા રાજય કરતા સૌથી વધુ શરાબ ગુજરાતમાં વેચાય છે અને પીવાય છે, તેવું ખુદ અવારનવારની કાર્યવાહીના સરકારના આંકડા બતાવે છે. બુટલેગર લોબીએ ત્યાં સુધી દાવો કર્યો છે કે, કચ્છમાં દર મહિને દારૂનો ધંધો પ - ૧૦ કરોડ નહીં પ૦ કરોડનો છે. આ માટે આખી ચેઈન ગોઠવાયેલી હોવાની આંતરીક વિગતો મળવા પામી છે. પોલીસ અને બુટલેગરોમાં ચર્ચાતી વિગતો અને તેમનાથી મેળવેલી વિગતો મુજબ માત્ર કચ્છમાં પ૦ કરોડથી વધુ દારૂ ધંધો ધમી રહ્યો છે. આ સાથે કચ્છમાં પરમીટ ધરાવતી કેટલીક હોટલોમાં આ આ આંકની આસપાસ વેચાણ થઈ રહ્યો છે. માત્ર કચ્છ જિલ્લાના જ આંકડો એક અરબથી વધુનો હોવાનું બહાર આવી રહ્યો છે.
આ બાબતે જાણકાર સુત્રોના કહેવા પ્રમાણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી ગુજરાતમાં શરાબ આવે છે. દારૂની એક પેટીમાં ૧ર બોટલ હોય છે. ત્યાંથી માલ મોકલનારને એક પેટી ચાર હજારમાં પડે છે. એક ગાડીમાં ૧ર૦૦ પેટી ભરવામાં આવે છે. તેમાં એક પેટી દીઠ મુખ્ય બુટલેગરના પ૦૦ અને તેના પેટામાં અન્ય બુટલેગરના ર૦૦ અને અન્ય ખર્ચો મળી દારૂની એક પેટી પાંચ હજાર રૂપિયામાં પડે છે. જે તે જિલ્લામાં માલ આવ્યા બાદ કટીંગ કરી પોઈન્ટ સુધી પહોંચાડવામાં આવે, જયાં પોઈન્ટમાં એક પેટીનો ભાવ ૬પ૦૦ રૂપિયા ભરાય છે. દારૂની એક ગાડીમાં ૧ર૦૦ પેટી આવે છે. તેવી રીતે મહિને દારૂની અંદાજીત ૬૦ જેટલી ગાડી કચ્છમાં આવતી હોવાનો દાવો સુત્રો દ્વારા કરવામાં આવ્યો છે. એક ગાડીમાં આશરે ૭૦ થી ૮૦ લાખનો દારૂ હોય છે. આમ મહિને પ૦ કરોડના શરાબની હેરફેર થાય છે.
પંજાબ - રાજસ્થાનથી દારૂ મોકલનારની જવાબદારી જે તે જિલ્લાના મુખ્ય બુટલેગર સુધીની હોય છે. આ માટે આખી ચેઈન ગોઠવાયેલી હોય છે. જેવી ગાડી નિકળે ત્યાં વહીવટદાર મેસેજ પાસ કરી ચેકપોસ્ટો પર ધ્યાન દોરી દે છે. રેન્જથી લઈ જિલ્લા સુધી હપ્તાની ગોઠવણી હોય છે. એટલે ગાડી સબ સલામત રીતે પહોંચી આવે છે. મુખ્ય બુટલેગર સુધી માલ પહોચ્યા બાદ પોઈન્ટ સુધીની જવાબદારી તેની હોય છે. પોઈન્ટ પર માલ પહોંચ્યા બાદ હપ્તાની ચેઈન બદલાય અને જેમાં પોઈન્ટ દીઠ ત્રણ લાખનો હપ્તો ફીકસ છે. પશ્ચિમ અને પુર્વ કચ્છમાં આવા અનેક પોઈન્ટ ધમધમી રહ્યા છે આ આંકડો પણ મોટો છે. આ તમામ હપ્તા ૧ થી ૧૦ તારીખની વચ્ચે લેવામાં આવે છે. જેથી મોટે ભાગે આ તારીખોમાં દારૂ પકડાશે નહીં. જો કે કોઈ બુટલેગર કે ધંધાર્થી હપ્તો આપવામાં આનાકાની કરે, અથવા અન્ય કોઈ ડખ્ખો થાય તો દારૂ પકડી લેવામાં આવે છે. મહિને આવતી ૬૦ ગાડીઓમાં કેટલીક ગાડી પકડી લઈ કાર્યવાહી પણ બતાવવામાં આવતી હોય છે. જેથી લાગે કે, દારૂબંધીની અમલવારી થઈ રહી છે. આ રીતે આખું નેટવર્ક ગોઠવાયેલું હોવાની આંતરીક માહિતી મળી છે.
..............
મુંદરા પોર્ટના ત્રણ કરોડના દારૂ કેસની તપાસ એસએમસીએ પોતાની પાસે રાખતા સ્થાનીકે ખાખીધારીઓમાં ફફડાટ
અગાઉની રેડમાં જે તે પોલીસ કે એલસીબીને તપાસ સોંપાઈ હતી, પણ આ વખતે એવું ન બન્યું : એસએમસીએ જેલમાંથી બુટલેગરનો કબજો મેળવી પુછતાછ કરતા અનેક વટાણા વેરી નાખ્યા : રિમાન્ડ પૂર્ણ થયા બાદ રાજય કક્ષાએથી પગલા લેવાય તેવી પણ શકયતાઓ
ભુજ-કચ્છઉદય : કચ્છ પ્રવાસનની સાથે દારૂની હેરાફેરીનું હબ બનતું હોય તેમ છેલ્લા કેટલાક સમયમાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. સામાન્ય દિવસોમાં ર૦ - રપ હજારનું શરાબ પકડી સંતોષ માની લેવામાં આવતો હોય છે. પરંતુ એસએમસીએ છેલ્લા છ મહિનામાં ચાર થી પાંચ દરોડા પાડી પાંચ કરોડથી વધુનો શરાબ પોતે કબજે કર્યો છે. દર વખતે દારૂ કબજે કર્યા બાદ તપાસ જે તે થાણા અથવા એલસીબીને આપવામાં આવતી હતી. જો કે મુંદરા પોર્ટના ત્રણ કરોડના દારૂ પ્રકરણમાં એસએમસીએ તપાસ પોતાની પાસે રાખતા સ્થાનીકે અનેક ખાખીધારીઓ દોડતા થઈ ગયા છે.
દસ દિવસ અગાઉ મુંદરામાં એસએમસીએ દરોડો પાડી પોર્ટની અંદર કન્ટેઈનર મારફતે આવેલ દારૂ ઝડપી પાડયો હતો. કુલ્લ બે કન્ટેનરમાંથી ત્રણ કરોડનો દારૂ કબજે કરવામાં આવ્યો હતો. જેમાં જેલમાંથી બેઠા બેઠા ધંધો કરતા અનોપસિંહનું નામ પણ સામે આવ્યું હતું. અનોપસિંહને પકડી દસ દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ કરતા અત્યાર સુધીમાં દસ જેટલા કન્ટેનરમાં ર૬ કરોડનો દારૂ આવી ગયો તેમજ સ્થાનીકે માલ હેરફેરની સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થઈ ચુકયો છે. અનોપસિંહે એસએમસી સામે વટાણા વેરી નાખતા કચ્છના ભ્રષ્ટ ખાખીધારીઓ ઢીલા પડી ગયા છે. ઝુરામાં દેશી દારૂ બાબતે મહિલા સાથે અભદ્ર વર્તનના કિસ્સામાં પીઆઈની બદલી કરી દેવામાં આવી પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત રેલ માર્ગે દારૂની હેરાફેરી એસએમસીએ શોધી તેમાં સ્થાનીકે કોઈ પગલાં ભરવામાં ન આવતા ચર્ચાઓ તેજ બની હતી. જો કે સુત્રો જણાવે છે કે, રાજય સ્તરેથી પગલાં લેવામાં આવશે.
હાલ એસએમસી ઝીણવટભરી તપાસ કરી રહી છે. જેમાં કેટલાક ખાખીધારીઓના નામ પણ સામે આવ્યા છે. દારૂ બંધીની અમલવારી મામલે ગુજરાતમાં સરકાર ઘેરાઈ ગઈ છે ત્યારે આ કિસ્સામાં તપાસ કરી ધાક બેસાડતી કાર્યવાહીમાં કેટલાક પોલીસ કર્મચારીઓનો ભોગ લેવાય તેવી શકયતા છે. હાલમાં પોતાનું નામ ન આવે તે માટે અનેક પોલીસ કર્મચારીઓ દોડતા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. ભૂતકાળમાં માનકુવા, માંડવી મરીન, ભચાઉ પોલીસની હદમાં એસએમસીએ કાર્યવાહી કરી ત્યારે તપાસ સ્થાનીક પોલીસ અને એલસીબીએ અપાઈ હતી. તેમ છતાં આ ધંધો ચાલુ જ રહેતા હવે એસએમસીએ પોતાની પાસે તપાસ રાખતા મોટી કાર્યવાહીના એંધાણ જોવા મળી રહ્યા છે.

Comments