Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ધોરીમાર્ગો પર બેફામ દોડતા જવલનશીલ પદાર્થ ભરેલ ટેન્કરો જીવતા બોમ્બ સમાન

06 December

કોઈ જીવલેણ દુર્ઘટના પહેલા તંત્ર જાગશે ?


સુરજબારી હાઈવે બનેલ એલપીજી ટેન્કર આગની ઘટનાએ જોખમી પદાર્થોના પરિવહનમાં રહેલા ભયસ્થાનો અંગે ધરી લાલબતી 

કચ્છમાં ઔદ્યોગીક અને બંદરીય વિકાસ બાદ ધોરીમાર્ગ પર જોખમી કેમિકલ અને જવલનશીલ ભરેલ ટેન્કરોનું વધ્યું આવાગમન : ભયાવહ દુર્ઘટના બને તે પહેલા તંત્ર માર્ગ સુધારણા, ટ્રાફીક નિયમન સહિતના પગલાં લઈ પાણી પહેલા બાંધે પાળ



ભુજ-કચ્છઉદય : કચ્છના સુરજબારી હાઈવે નજીક ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગાંધીધામથી એલપીજી ગેસ ભરી મોરબી તરફ જઈ રહેલ ટેન્કર પલટી જતા બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આ બનાવમાં એલપીજી ભરેલ ટેન્કર ઉપરાંત સાત જેટલા અન્ય વાહનોમાં પણ આગ ફેલાઈ હતી. કચ્છના ધોરીમાર્ગ પર બનેલી આ ઘટનાથી ફરી એક વખત હાઈવે પર બેફામ દોડતા જવલનશીલ પદાર્થ અને કેમિકલ ભરેલા વાહનો જીવતા બોમ્બ સમાન હોવાનું ફલિત થયું છે.
કચ્છના ઔદ્યોગીક અને બંદરીય વિકાસ બાદ ધોરીમાર્ગો પર જોખમી કેમિકલ અને જવલનશીલ પદાર્થો ભરેલા વાહનોનું આવાગમન વધ્યું છે. ખાસ કરીને કંડલા મહાબંદર ખાતે અત્યંત જોખમી અને જવલનશીલ ગણાતા પદાર્થોની મોટા પ્રમાણમાં આયાત અને સ્ટોરેજ કરવામાં આવે છે. આથી જવલનશીલ અને જોખમી કેમિકલ ભરેલા ટેન્કરો કચ્છના ધોરીમાર્ગો પર સતત દોડતા રહે છે. સુરજબારી હાઈવે પર બનેલી ઘટનાએ જોખમી પદાર્થોના પરિવહનમાં રહેલા ભયસ્થાનો અંગે લાલબતી ધરી છે ત્યારે કચ્છના જવાબદાર તંત્ર વાહકો કોઈ મોટી દુર્ઘટના બને તે પૂર્વે સજાગ બને તે જરૂરી છે.
સુરજબારી હાઈવે પર એલપીજી કેમિકલ ભરેલ ટેન્કર પલટી જતા ભીષણ બ્લાસ્ટ સાથે આગ ફાટી નિકળી હતી. કલાકો સુધી હાઈવે પર ટ્રાફીકજામ સર્જાયો હતો. ટેન્કરના સ્પેર પાર્ટ અડધો કિલોમીટર દૂર સુધી ઉઠયા હતા. આ દુર્ઘટનાના પગલે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ભયાવહ આગની ઝપેટમાં નજીકના સાતેક વાહનો પણ આવી ગયા હતા. અહીં નોંધનીય છે કે, કચ્છના ધોરીમાર્ગો પર આવા જોખમી પદાર્થો ભરેલા ટેન્કરોની સતત અવરજવર રહેતી હોય છે. ધોરીમાર્ગ પર દોડતા આવા વાહનો યમદુત સમાન હોય છે. થોડી અસાવધાની મોટી જીવલેણ દુર્ઘટનાનું કારણ બની શકે છે. કચ્છના ધોરીમાર્ગો પર નાના મોટા માર્ગ અકસ્માતો અવારનવાર થતા જ રહે છે. અન્ય વાહન ચાલકની ગફલતના કારણે પણ જો જોખમી જવલનશીલ પદાર્થ ભરેલ ટેન્કરની ટક્કર થાય તો મોટી દેર્ઘટના સર્જાઈ શકે છે. જિલ્લા વહીવટી તંત્ર, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ, આરટીઓ તંત્ર સહિત સબંધીત વિભાગો કોઈ મોટી દુર્ઘટના બને તે પૂર્વે માર્ગ સુધારણા, ટ્રાફીક નિયમ સહિતના પગલા લે તે ઈચ્છનીય છે તેવું જણાવી 
રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM