Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં એલસીબી અને સ્થાનિક પોલીસ વચ્ચે ગજગ્રાહ ?’

05 December



ગત રાત્રિના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ભારાપરથી કાસેઝ આવતા રોડ પર ગણેશનગરના બુટલેગરનો ૧૦.૧૪ લાખનો દારૂ પકડ્યો : બાદમાં એલસીબીએ ભારાપરમાં જઈને આજ બુટલેગરનો રર.૩૯ લાખનો દારૂ શોધ્યો : અવાર-નવાર એસએમસી કે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરે તે પછી એલસીબી દ્વારા ક્રોસ રેડ કરી સંતોષ માની લેવાતો હોવાનો ગણગણાટ ઉઠ્યો : બી-ડિવિઝન પોલીસની કામગીરી વખતે આરોપી ભાગી ગયો પરંતુ ભારાપરમાં બાતમીના આધારે એલસીબીએ રેડ કરી છતા બુટલેગર ન મળતા ખુદ ખાખીધારીઓમાં ચર્ચાઓ તેજ : એસપી સાગર બાગમાર કરાવે તપાસ 


ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ કચ્છના પોલીસ દળમાં મહત્ત્વની બ્રાંચ અને સ્થાનિક પોલીસ વચ્ચે ગજગ્રાહ હોય તેવા બનાવો એક બાદ એક સામે આવી રહ્યા છે. તાજા કિસ્સાની વાત કરીએ તો ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે જે બુટલેગરનો દારૂ પકડ્યો તે જ બુટલેગરનો દારૂ એલસીબીએ ભારાપરમાં જઈને કાર્યવાહી કર્યાનો ઓડકાર લીધો છે પરંતુ બાતમીના આધારે કાર્યવાહી છતા આરોપી તો મળતા જ નથી. 
આ બાબતે સત્તાવાર વિગતો પર નજર કરીએ તો ગાંધીધામ બી-ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ગણેશનગરમાં રહેતો ધીરજ પ્રેમજીભાઈ ધેડા સ્વિફટ ગાડી નં.જીજે૧ર - એફએ - પપ૭૬ અને તેની સાથેનો અજાણ્યાો ઈસમ સિલ્વર કારમાં દારૂ ભરી તેરાપંથ ભારાપર રોડ પર ઝોન બાજુથી આવે છે. જેથી બાતમીના આધારે સોમવારે રાત્રિના ર૩ઃ૩પ કલાકે વાહનને રોકાવી ગાડી આવતા ચાલકને ઊભો રાખવામાં આવ્યો હતો. ચાલક રોડ સાઈડમાં ગાડી ઉતારી બાવળોની ઝાડીમાં ભાગવા લાગ્યો જેનો પીછો કરવા છતાં સફળતા મળી ન હતી. 
પાછળ બીજી ગાડી આવતી તેને રોકવાનો ઈસારો કરતા તેના ચાલકે પણ રિવર્સ લઈ ગાડી ભગાવવાની કોશીશ કરી રોડ સાઈડમાં ગાડી મુકી ભાગી જવામાં સફળ રહ્યો હતો. સ્વિફટ અને ઈનોવા નં.જીજે૧ર - એકે - ૦૮૯૭ મા દારૂ મળી આવ્યો હતો. બન્ને વાહનો પોલીસ સ્ટેશન લઈ જઈ ગણતરી કરતા ૧૦.૧૪ લાખની દારૂની બોટલો અને વાહનો મળી ર૦.૮ર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેથી ધીરજ અને ઈનોવા ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી મોડી રાત્રિના રઃ૩૦ સુધી ચાલી હતી. 
આ તરફ એલસીબીએ કંડલા મરીન પોલીસની હદમાં રાત્રિના રઃ૪૦થી મંગળવારે સવારે પઃ૩ર સુધી કાર્યવાહી કરી હતી. જેમાં ભારાપર ગામની સીમમાં એલપી ગોડાઉનની પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો. એલસીબીની બાતમી મળી હતી કે, ગણેશનગરનો ધીરજ પ્રેમજી ધેડા સાગરીતો સાથે દારૂ મંગાવી કટીંગ કરે છે અને ગ્રાહકોને વેચાણથી આપે છે. તે પૈકી ધીરજ અને તેનો ગ્રાહક દારૂ ભરી સ્વિફટ અને ઈનોવા ગાડીમાં સગેવગે કરવા માટે જઈ રહ્યા છે. સ્થળ પર દરોડો પાડ્યો ત્યારે માત્ર દારૂની પેટીઓ મળી હતી. જેથી કુલ રર,૩૯,૪૪૦ નો મુદ્દામાલ કબજે કરી કંડલા મરીન પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. 
બન્ને દરોડામાં સામ્યતા એ છે કે, બુટલેગર એક જ છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે પોતાની હદમાં કાર્યવાહી કરી અને ગુનો દાખલ કર્યો. જોકે, ગાંધીધામ બી-ડિવિઝન પોલીસની કામગીરી પૂરી થઈ અને પછી એલસીબી ચિત્રમાં આવી. ફરિયાદમાં જણાવ્યું છે કે, એલસીબીને એવી બાતમી મળી કે, બુટલેગર દારૂ લઈને સગેવગે કરવા જાય છે પરંતુ તે તો અગાઉ જ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસના હાથે પકડાઈ ગયા છે તો ભારાપર સીમમાં આરોપી ક્યાંથી મળે, એલસીબીના બાતમીદાર નબળા છે તે આ સત્તાવાર વિગતો પરથી સામે આવે છે. અગાઉ પણ કેટલાક કિસ્સાઓમાં એવું બન્યું છે કે, એસએમસી દરોડો પાડે તેના કલાકોમાં એલસીબી ક્યાંકથી ક્વોલિટી કેસ કરે છે. તો સ્થાનિક પોલીસ દરોડો પાડે ત્યારે એ જ વ્યક્તિનો અન્ય જગ્યાથી મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તમામ પોલીસને દારૂના કેસ કરવા માટે સૂચના આપે છે પરંતુ અંદરો અંદર સ્થાનિક પોલીસ અને એલસીબી વચ્ચે ગજગ્રાહ કહો કે તિરાડના બનાવો સામે આવે છે. તાજેતરમાં એસએમસીએ ભચાઉ પોલીસની હદમાં કાર્યવાહી કરી ત્યારે એકાદ પોલીસ કર્મચારીની હેડક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે પરંતુ આવા બનાવો ક્યારે અટકશે તે એક મોટો સવાલ છે.


..........


એસઓજી કરતા સ્થાનિક પોલીસ વધારે ડ્રગ્સ પકડી લે છે


કોઈપણ જિલ્લામાં એલસીબીનું મુખ્ય કામ દારૂ, જુગારની બદી પર અંકુશ લાવવા સાથે વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીને પકડવાનું છે. તેમ એસઓજીનું કામ ડ્રગ્સ અને અન્ય દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવાનું છે. પૂર્વ કચ્છમાં એક તરફ એસપી દ્વારા ‘સે નો ટુ ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ’ ઝુંબેશ ચલાવવામાં આવે છે. જોકે, એસપીના તાબા હેઠળની એસઓજી દ્વારા ગણી શકાય તેટલા જ કેસ કરાયા છે. જોકે સામે સ્થાનિક પોલીસ દ્વારા ઢગલા બંધ કેસો કરવામાં આવે છે. તાજેતરના ઉદાહરણ જોઈએ તો અંજાર પોલીસે સગીરો મારફતે થતી ડ્રગ્સની હેરાફેરી પકડી, મંગળવારે કલેક્ટર રોડ પરથી એ-ડિવિઝન પોલીસે એમડી ડ્રગ્સ કબજે કર્યું, આ અગાઉ પણ એ-ડિવિઝન પોલીસે પંજાબના તરનતારન જિલ્લામાંથી આવી હોટલમાં રોકાઈ હેરોઈન વેચવાના બે કેસો કર્યા છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ દ્વારા પણ અવાર-નવાર મોટી માત્રામાં ગાંજો પકડી પાડવામાં આવે છે. વાગડ વિસ્તારમાં રાપર પોલીસે અફીણ ડોડાની ખેતી પકડી હતી. લાકડિયા પોલીસ પણ હાઈવે હોટલ પરથી હેરોઈન અને ગાંજો પકડે છે. જો સ્થાનિક પોલીસ પોતાના તાબાના વિસ્તારમાં આવી કાર્યવાહી કરતી હોય તો જેની પાસેથી આખા જિલ્લાની જવાબદારી છે તે એસઓજી દ્વારા કેમ કાર્યવાહી કરાતી નથી ? તેવો ગણગણાટ પોલીસ બેડામાં સંભળાઈ રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM