Trending News
સ્થાનિક સમાચાર

જો...જો... ક્યાંક કચ્છનું નાનુ રણ ઘુડખરના બદલે માત્ર પક્ષી અભ્યારણ્ય ન બની જાય

05 December

સમૃદ્ધ જૈવિક વિવિધતાને ખતરો



નર્મદા કેનાલના પાણીથી મરૂ ભૂમિની જીવસૃષ્ટિ પર સંકટ : છાશવારે વહી જતા કેનાલના પાણી બન્યા મુસીબત : વૈશ્વિક કોન્ફરન્સમાં રજૂ થયેલ રિપોર્ટ બાદ પણ નથી થયો કોઈ સુધાર


ભુજ - કચ્છઉદય : કચ્છનું નાનુ રણ એક વિશાળ મરૂ સ્થળ જ નહીં, પરંતુ પોતાના અનોખા પ્રાકૃતિક સૌંદર્ય અને વિલક્ષણ જીવસૃષ્ટિ માટે જાણીતું છે. પાંચ હજાર ચોરસ કિલોમીટરમાં પથરાયેલું નાનુ રણ વન્યજીવોનું અભ્યારણ છે, જેને ઈન્ડિયન વાઈલ્ડ એસ સેન્ચુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલે કચ્છના નાના રણની જૈવિક વિવિધતાઓને નર્મદા કેનાલના પાણીથી ખતરો ઉભો થયો છે.
આ અંગેની વિગતો મુજબ જે પોષતું તે મારતું આ ઉક્તિ કચ્છના નાના રણમાં સાચી ઠરતી હોય તેમ કચ્છની સૂકી ધરા અને કચ્છવાસીઓની જીવાદોરી સમાન નર્મદા મૈયાના નીર કચ્છના નાના રણની જીવસૃષ્ટિ માટે મુસીબતનું કારણ બની ગયા છે. ગત વર્ષે જર્મનીમાં યોજાયેલી વૈશ્વિક કોન્ફરન્સમાં આ મુદ્દો ચર્ચાયો હતો. જો કચ્છના નાના રણમાં જતું નર્મદાનું પાણી અટકાવવામાં નહીં આવે તો કચ્છનું નાનુ રણ ઘુડખર અભ્યારણના બદલે માત્ર પક્ષી અભ્યારણ બનીને રહી જશે. રિપોર્ટમાં જણાવાયું હતું કે, નાના રણમાં નર્મદાના પાણીના થતાં વેડફાટથી રણની ઈકો સિસ્ટમને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. આ કોન્ફરન્સમાં ટાંકવામાં આવેલ મેુદ્દાઓ અનુસાર કેનાલનું પાણી રણમાં આવવાથી ગાંડો બાવળ, લાલટેના જેવી આક્રમક પ્રજાતિની વનસ્પતિ રણમાં ભારે ઝડપથી પ્રસરવા લાગી છે. આ વનસ્પતિ મોરાડ, લુણી વગેરે જેવી સ્થાનિક જૈવિક વિવિધતા માટે મોટો ખતરો છે. જે સ્થાનિક જૈવિક વિવિધતાને ખતમ કરવાનું કામ કરે છે. જેનાથી ઘુડખર અને અન્ય જીવોને ખોરાક મળતો નથી, જેથી આ પ્રાણીઓ ખોરાકની શોધમાં રણકાંધીની બહારના વિસ્તારોમાં જઈ વસવાટ કરવા મજબૂર થયા છે.
કુદરતી અને પર્યાવરણીય વ્યવસ્થા રણમાં અનોખી ઈકો સિસ્ટમ બનાવે છે. ચોમાસા દરમ્યાન રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની નદીઓ તેનું પાણી રણમાં ઠાલવે છે. આ સાથે દરિયાની ભરતીનું પાણી પણ આ સિઝનમાં કચ્છના અખાતમાંથી પાણી રણમાં પ્રવેશે છે. આમ નદીઓ અને દરિયાનું પાણી રણમાં ભેગુ થવાથી ભાંભરા પાણીનું મોટું સરોવર રચાય છે.
કચ્છનું નાનુ રણ ઘુડખર જેવા લુપ્ત થવાની કગારે પહોંચેલા પ્રાણીઓનું આશ્રય સ્થાન છે, પરંતુ નાના રણમાં નર્મદાના પાણીના કારણે સર્જાતા બેદરકારીના સમુદ્રથી વન્યપ્રાણીઓને હિજરત કરી જવાની ફરજ પડે છે. જો આવી જ સ્થિતિ રહી તો આવનાર વર્ષોમાં કચ્છનું નાનુ રણ વન્ય જીવોના અભ્યારણના બદલે પક્ષીઓનું અભ્યારણ બનીને રહી જશે તેવી ચિંતા પર્યાવરણવાદીઓ વ્યક્ત કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ રાપરના મોમાયમોરા પાસે નર્મદા કેનાલમાં સર્જાયેલા ભંગાણથી પાણીનો મોટો જથ્થો રણમાં વહી નીકળ્યો હતો. આ ઉપરાંત ધર ખૂલ્લા રહી જતા મોટા પ્રમાણમાં પાણી રણમાં વહી જતાં રહે છે. રવિ પાકની સિઝનમાં જ લાખો લીટર પાણી રણમાં વહી ગયું છે. ચોમાસામાં થયેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બનેલી કેનાલ એક મહિનાથી વધુ સમય બંધ રહી હતી. જોકે, રણમાં અગાઉના વરસાદનું પાણી હજુય ભરાયેલું રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM