પૂર્વ કચ્છ પોલીસે હવે ઓપરેશન કારાવાસ શરૂ કર્યું
રાજકોટ જેલમાંથી જામીન મેળવી સાત મહિનાથી ફરાર શખ્સને દબોચી લેવાયો : અપહરણ અને પોક્સોના ગુનામાં ૧૦ વર્ષની કેદની અપાઈ હતી સજા
પૂર્વ કચ્છ એલસીબી દ્વારા આરોપીને ઝડપી અને તેને રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો
ભુજ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં ડ્રગ્સ નાબૂદીથી માંડી ફરાર આરોપીઓને શોધવા સાથે હવે ઓપરેશન કારાવાસ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફરાર શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ અંગેની વિગતો મુજબ રાજ્યની વિવિધ જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર થયેલા આરોપીઓને શોધી પરત જેલમાં મોકલી આપવા માટેની કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત એસપી સાગર બાગમાર દ્વારા સૂચના આપવામાં આવી હતી. પદ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સોના બનાવમાં જુલાઈ ર૦ર૪ મા અદાલત દ્વારા આરોપી મૂળ ભારાપરના હાલે અંજારના નવાનગરમાં રહેતા અકરમ સબાનભાઈ સંઘારને ૧૦ વર્ષની કેદની સજા આપવામાં આવી હતી. સજા દરમિયાન રાજકોટ જેલમાંથી વચ્ચગાળાના જામીન મેળવી આરોપી હાજર ન થઈ સાત મહિનાથી ફરાર હતો. તે અંજારમાં હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એલસીબી દ્વારા
તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

Comments