બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયારિહેબ સેન્ટર દ્વારા ૧૦ ગૌમાતાને કૃત્રિમ પગનું કરાયું આરોપણ
બિદડા - કચ્છઉદય : વર્લ્ડ ડિસેબિલીટી ડેના દિવસે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયારિહેબ સેન્ટર દ્વારા કામધેનુ ગૌસેવા ટ્રસ્ટના પટાંગણમાં કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ અને આદિ ઘટાકર્ણ ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી ૧૦ ગૌ માતાઓને જેમના પગ રોડ અકસ્માતમાં ગુમાવેલ તેમના કૃત્રિમ પગ બનાવી એમને પહેરાવી લગભગ વિશ્વમાં પ્રથમ વખત કોઈ આવી રીતે ૧૦ ગૌમાતાઓના કૃત્રિમ પગનું આરોપણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવાયો હતો.
આ કાર્યક્રમની વિગતો આપતા જયારિહેબના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડૉ. લોગનાથને જણાવ્યું હતું કે, કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ અંતર્ગત ૧૦ એમ્પ્યુટી ગાયો લાંબા સમયથી તેમના તૂટેલા પગને કારણે દુઃખાવાયુક્ત જીવન જીવતી હતી. એમને રોજિંદા જીવનમાં ઉભું રહેવું અને આગળ ચાલવામાં મુશ્કેલી પડતી હતી. આ માટે જયારિહેબના ડાયરેક્ટર મુકેશ દોશીને મુંબઈમાં કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા આદિ ઘંટાકર્ણ ચેરિટેબલ ટ્રસ્ટના મનોજભાઈ શાહ સાથે મુલાકાત થતા તેમણે મુકેશભાઈને કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટમાં આવી અકસ્માતગ્રસ્ત પગ કાપેલ ગાયોના કૃત્રિમ પગ બનાવવા માટે કહ્યું હતું. એટલે મુકેશભાઈ બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયારિહેબની ટીમને એ ગાયોના પગના માપ-મેજરમેન્ટ માટે બે વખત અંજાર કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ ખાતે મોકલીને એમના માપ-મેજરમેન્ટ લઈ અને એમના પગ બનાવવામાં આવ્યા હતા.
એક સ્થળે ૧૦ ગાયના પગ બનાવી અને આરોપણ કરાયું હોય એ કદાચિત વર્લ્ડ રેકોર્ડ હશે. આ કાર્યક્રમમાં કુલ ૮ કલાકમાં આ પગનું આરોપણ કરવાનું હતું, પરંતુ બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયારિહેબની ટીમ ડૉ. એસ. લોગનાથન, એચ. કુબલ, હેમંત મોગિયા તથા નરેશભાઈની ટીમે માત્ર બે કલાકમાં આરોપણ કરીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ કાર્યક્રમના નિરીક્ષક તરીકે ડૉ. કલ્પેશ સોરઠિયા અને ડૉ. હાર્દિક ભટ્ટ રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શરૂઆતમાં ડૉ. મુકેશ દોશીએ વીડિયો કોલ દ્વારા સ્ટાર્ટ આપ્યો હતો અને ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ પ્રાસંગિક પ્રવચન કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રદિપ મહેતા, આદિ ઘંટાકર્ણ ચેરિટેબલ ટ્રસ્ટના મનોભાઈ શાહે આભારની લાગણી વ્યક્ત કરી સૌનું સ્વાગત કર્યું હતું. કામધેનુ ગૌ સેવાના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ, દિનેશભાઈ ગોહિલ, રવિભાઈ ઠક્કર, ગોરધનભાઈ, પ્રેમલતાબેન સોરઠિયા, મનુભાઈ, ડૉ. મનીષ જોષી, ડૉ. દશરથ, ડૉ. રવિભાઈ જોષીએ સહકાર આપ્યો હતો. કાર્યક્રમમાં મહાવીર ડેવલોપર્સ અંજારના જીજ્ઞેશભાઈ દોશી, શ્રી રામ સોલ્ટના જખાભાઈ આહિરે હાજર રહી આશિષ આપ્યા હતા. બિદડા સર્વોદય ટ્રસ્ટ તરફથી ચેરમેન વિજયભાઈ છેડાને આદિ ઘંટાકર્ણ ચેરિટેબલ ટ્રસ્ટના મનોજભાઈ શાહ તરફથી દાનનો ચેક અર્પણ કરાયો હતો. આભારવિધિ કામધેનુ ગૌ સેવાના પ્રમુખ પ્રદિપ મહેતાએ કરી હતી. બિદડા સર્વોદય ટ્રસ્ટના મેનેજર મેહુલ ગોર, મેનેજર ભરત સંઘાર, લક્ષ્મીચંદ વોરાએ હાજરી આપી હતી. બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયારિહેબના એચઓડી ડૉ. લોગનાથને સૌ મહેમાનો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.
----------

Comments