બુટલેગર અનોપસિંહે ટ્રેન મારફતે ર૬ કરોડનો દારૂ ગુજરાતમાં ઠાલવ્યાનો ઘટસ્ફોટ
કેરાના બુટલેગરની પુછપરછ દરમ્યાન હકીકતો ખુલી : પંજાબ - રાજસ્થાન - હરિયાણાથી અબજોનો દારૂ ગુજરાતમાં આવે છે છતાં નેટવર્ક તોડવામાં પોલીસ નબળી પુરવાર થઈ
ગાંધીધામ-કચ્છઉદય : ગાંધીનગરથી એસએમસીએ મુંદરામાં દરોડો પાડી પોર્ટ પર આવતા કન્ટેઈનરોમંથી દારૂ ઝડપી પાડયો હતો. સરસવના તેલની આડમાં લુધીયાણાની બાલાજી ટ્રેડીંગ કંપનીના નામે કન્ટેઈનર મુંદરા પોર્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં કુલ્લ ર.૯૭ કરોડનો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન સામે આવ્યું કે, આ બાલાજી ટ્રેડીંગ દ્વારા કુલ્લ ૧૦ કન્ટેઈનર મોકલવામાં આવ્યા હતા. જેમાં આઠ નિકળી ગયા અને બે પકડાયા જેમાં બુટલેગર તરીકે અનોપસિંહનો નામ ખુલ્યું હતું. કેરાનો કુખ્યાત બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ પાસા તળે જેલમાં હોવાથી વડોદરા જેલમાંથી એસએમસી દ્વારા તેનો કબજો મેળવવામાં આવ્યો હતો અને હાલ તેની પાસેથી રિમાન્ડ દરમ્યાન વિગતો ઓકાવવામાં આવી રહી છે. જેમાં પંજાબથી મુંદરા પોર્ટ પર સરસવના તેલની હેરફેરના નામે ર૬ કરોડનો દારૂ આવ્યો હતો. જે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઠાલવવામાં આવ્યો છે. અનોપસિંહની પુછપરછ દરમ્યાન એક ડઝનથી વધુ બુટલેગરોના નામ ખુલ્યા છે. જેથી આગામી સમયમાં મોટા ખુલાસા થવાની વકી સેવાઈ રહી છે.
અગાઉ ટેન્કર મારફતે માલ મંગાવાતો હતો, પરંતુ છેલ્લા એક વર્ષથી ઓપરેન્ડી બદલીને કન્ટેઈનર મારફતે દારૂની હેરાફેરી શરૂ કરી હતી. એસએમસીએ ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રમાણેની દારૂની હેરાફેરી પકડી હતી. મહત્વની બાબત એ છે કે, પંજાબ, રાજસ્થાન, હરિયાણાથી મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે પરંતુ મુળમાં જઈને દારૂ બંધ કરાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે પણ એક હકીકત છે.
.........
પંજાબથી દારૂ ઘૂસાડવાનું આયોજનબદ્ધ નેટવર્ક
સુત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબમાં આવેલી દારૂની ફેકટરીઓમાં પંજાબ સરકાર દ્વારા મંજુર કરાયેલ કવોટા પ્રમાણે દારૂ બનાવવામાં આવે છે. તેમજ હોલોગ્રામ અને કયુઆર કોડ સાથે દારૂ કોને વેચવામાં આવ્યો તેની સતાવાર નોંધ કરવામાં આવે છે. મંજુર કવોટા જેટલો દારૂ ન વેચાય તો પેનલ્ટી ફટકારવામાં આવતી હોય છે ત્યારે ડિસ્ટીલરીમાંથી સ્થાનીક દારૂના ઠેકેદારના નામે બીલ બનાવીને આ દારૂ ગુજરાત સહિતના બીજા રાજયોમાં પહોંચતો કરી દેવામાં આવે છે. આ માટે પંજાબના ઠેકેદાર અને બુટલેગરો દારૂની બોટલ અને બોકસ પર લખવામાં આવતા બેચ નંબર સહિતની વિગતો ભુસી નાખે છે. આમ આયોજનબદ્ધ રીતે કામગીરી ચાલે છે. મુંદરામાં જે દારૂ પકડાયો તેમાં બેચ નંબર ભુૃંસી નાખેલા હતા, જેથી આ દારૂ કયાં બન્યો તે સામે આવી શકતું નથી.
.....

Comments