વરસાણા પુલ બન્યો રક્તરંજીત : બે શ્રમિકોના ઘટનાસ્થળે મોત, ૧૦ ઘવાયા
આજે સવારે મીની ટેમ્પો અને ટ્રક વચ્ચે કાળમુખી ટક્કરથી શ્રમજીવી પરિવારમાં હૈયાફાટ રૂદન : નાઈટ ડયુટી પુરી કરીને જતી વખતે સર્જાઈ કરૂણાંતિકા
ભચાઉ-કચ્છઉદય : ભચાઉ પાસેનો હાઈવે આજે સવારે રકતરંજીત બનતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. મીની ટેમ્પો અને ટ્ર્ક વચ્ચે થયેલી ટક્કરમાં બે શ્રમિકના ઘટના સ્થળે મોત થયા છે. જયારે ૧૦ ને નાની મોટી ઈજા થઈ હતી, જેમાંથી ત્રણની હાલત ગંભીર બતાવાઈ રહી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે નાની ચીરઈ વરસાણા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. મજૂર લઈને જતા ટેમ્પાને ટ્રકે પાછળથી ટક્કર મારતાં આ કરૂણ ઘટના બની હતી. મોટી ચીરઈ નજીક આવેલી બુંગી કંપનીમાં કામ કરતા ૧પ થી ૧૭ જેટલા શ્રમિકો નાઈટ શીફટ પુરી કરીને ટેમ્પોમાં બેસી પડાણા ખાતે આવેલી મજુર વસાહતમાં જતા હતા ત્યારે સીમેન્ટના પાઈપ ભરેલ ટ્રકે પાછળથી ટક્કર મારતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. જેમાં બે શ્રમિકોના ઘટના સ્થળે ગંભીર ઈજાઓના કારણે મોત થયા હતા. જેમાં એકનું નિર્મલ બોરી હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં દસથી વધુ મજુરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેમાં ત્રણની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, હાઇવે પેટ્રોલિંગ તેમજ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. હાલ ભચાઉ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઘાયલોના નિવેદન મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

Comments