કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દાવેદારોમાં સળવળાટ
કચ્છ જિલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયતોની મુદત આગામી વર્ષે માર્ચ આસપાસ થાય છે, પૂર્ણ : નગરપાલિકા-મહાનગરપાલિકાથી લઇને તાલુકા-જિ.પં.માં અને ગાંધીનગરથી લઇને દિલ્હી સુધી ભાજપનું શાસન હોઇ ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટે તેવા એંધાણ
જિલ્લામાં એકેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોંગ્રેસ પાસે સત્તા નથી છતાં જૂના જોગીઓ ટિકિટની ફિરાકમાં : આવતા વર્ષે ફેબ્રુઆરી આસપાસ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાય તેવી શક્યતાઆ :
ભુજ : સમગ્ર રાજ્યમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાયા બાદ હવે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતો, નગરપાલિકા-મહા નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ટિકિટના દાવેદારોમાં અત્યારથી જ સળવળાટ શરૂ થયો છે. જેમાં ખાસ કરીને સત્તાધારી ભાજપમાંથી ટીકીટ વાંચ્છુઓનો રાફડો ફાટે તેવી શક્યતાઓ છે. જયારે કોંગ્રેસ પાસે સત્તા ન હોવા છતાં સમર્પિત કાર્યકરો અને જૂના જોગીઓ પણ મેદાનમાં ઉતરવાની તૈયારીઓ કરી રહ્યા છે. ચુંટણી પહેલાં ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે દાવેદારી કરવા વિવિધ સમાજોમાં પણ અત્યારથી જ મંથન શરૂ થયું છે.
આ અંગેની વિગતો મુજબ ગુજરાતમાં તાલુકા પંચાયતોથી લઈને જિલ્લા પંચાયતોમાં અને નગરપાલિકાથી લઈને મહાનગરપાલિકાઓમાં હાલમાં મોટા ભાગની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ભાજપનું શાસન છે. એટલું જ નહીં ગાંધીનગર અને દિલ્લીમાં પણ ભાજપ પાસે સત્તા છે. જેથી ભાજપમાં હોદા અને ટિકિટ મેળવવા માટે કાર્યકરો - આગેવાનો વચ્ચે ગળાકાપ સ્પર્ધા જારી છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે તો દાવેદારોનો રાફડો ફાટતો હોય છે. સહકારી સંસ્થાઓમાં પણ મેન્ડેટ મેળવવા પડાપડી થતી હોય છે. એટલું જ નહીં તાજેતરમાં તાલુકા-શહેર ભાજપ મંડળમાં પ્રમુખોની નિમણૂંક સમયે કાર્યકરોએ સંગઠનમાં હોદ્દેદાર બનવા માટે આકાશ પાતાળ એક કરવામાં કોઈ જ કસર બાકી મૂકી ન હતી. તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદે જગદીશ વિશ્વકર્માજીની નિયુક્તી થતા જ તેઓ એકશન મોડમાં આવી ગયા છે. પ્રદેશ ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા પોતાની નવી ટીમ જાહેર કરવામાં આવનારી હોઈ તેમની ટીમમાં પદ મેળવવા માટે પણ લોબીંગ શરૂ થઈ ગયું છે. સંગઠનની સાથોસાથ ભાજપ સત્તામાં હોઈ કાર્યકરોની સંખ્યા પણ વધી છે સાથોસાથ ટિકિટ મેળવવા અને સંગઠનમાં હોદ્દાઓ મેળવવા માટે અપેક્ષાઓ પણ વધી રહી છે. વર્ષ ૨૦૨૧માં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે બાજી મારી મોટા ભાગની સંસ્થાઓ કબજે કરી હતી. આ તમામ સંસ્થાઓની મુદ્દત ૨૦૨૬ના માર્ચ આસપાસ પૂર્ણ થઈ રહી છે. તાજેતરમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી. હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ શકે છે, જેને લઈને અત્યારથી જ ટિકિટ માટે દાવેદારોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે.
કચ્છના સંદર્ભમાં વાત કરીએ તો ગત ટર્મની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ પૈકી જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવ્યો હતો અને ભારે બહુમતી સાથે સત્તા પ્રાપ્ત કરી હતી. એ જ પ્રમાણે ભુજ, મુંદરા, માંડવી, અંજાર, રાપર, ભચાઉ, ગાંધીધામ,
નખત્રાણા તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જયારે કોંગ્રેસના ગઢ સમાન લખપત તાલુકા પંચાયત અને અબડાસામાં કોંગ્રેસ સત્તા સ્થાને રહી હતી. પરંતુ બાદમાં રાજકીય તોડજોડના કારણે આ બન્ને પંચાયતો પર પણ ભાજપે કબજો જમાવી લેતા જિલ્લા પંચાયતની સાથોસાથ તમામ તાલુકા પંચાયતોમાંથી પણ કોંગ્રેસનો એકડો કાઢી નાખ્યો હતો. આમ જિલ્લા પંચાયત અને જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં ભાજપનું શાસન પ્રવર્તી રહ્યું છે. હવે વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થવા આડે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે ખાસ કરીને ભાજપમાં ટિકિટ માટે દાવેદારો વધી રહ્યા છે. તાલુકા-જિલ્લા પંચાયતોમાં ભાજપ મોટાભાગ્યે નો-રિપિટ થીયરી અપનાવતો હોય છે ત્યારે ટિકિટ માટે અત્યારથી જ દાવાઓ થઇ રહ્યા છે. આવતા વર્ષે ફેબ્રુઆરી આસપાસ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ હોઈ જિલ્લાના રાજકીય માહોલમાં ભરશિયાળે ગરમાવો આવશે. ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તાલુકા પંચાયત અને કેટલીક ગ્રામ પંચાયતોનું વિસર્જન થઈ જતા આ સંસ્થાઓમાં સતા ભોગવી ચુકેલાઓ પૈકીના કેટલાક મહાનગરપાલિકા માટે પણ નસીબ અજમાવે તો નવી નવાઈ નહીં કહેવાય.

Comments