Trending News
સ્થાનિક સમાચાર

પંજાબથી મુંદરા રેલ માર્ગે દારૂકાંડમાં થશે નવા ધડાકા : અનોપનો કબ્જો લેવાયો 

01 December


મુન્દ્રા પોર્ટ દારૂ પ્રકરણ : એસએમસીએ વડોદરા જેલમાંથી અનોપસિંહનો કબજો મેળવ્યો 

અઠવાડિયા અગાઉ એસએમસીએ દરોડો પાડી બે કન્ટેનરમાં પંજાબથી આવેલો ર.૯૭ કરોડનો કર્યો હતો જપ્ત : અગાઉ આઠ કન્ટેનર પગ કરી ગયા હતા : પાસામાં હોવા છતાં જેલમાંથી અનોપસિંહ દારૂનું નેટવર્ક ચલાવતો : ઘટનાને સપ્તાહ વિત્યો છતા પશ્ચિમ કચ્છ પોલીસની જવાબદારી ફિક્સ ન થઈ 


ગાંધીધામ - કચ્છ ઉદય : એસએમસીએ મુન્દ્રા પોર્ટ પર દરોડો પાડી કન્ટેનરમાં આવેલો ૩ કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો. જે કેસમાં પાસા તળે વડોદરા જેલમાં રહેલા કેરાના કુખ્યાત બુટલેગર અનોપસિંહનું નામ સામે આવ્યું હતું. હવે એસએમસીએ તેની જેલમાંથી અટક કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 
સામાન્ય રીતે પંજાબ, રાજસ્થાન, હરિયાણામાંથી ટેન્કર મારફતે આવતો દારૂ વારંવાર પકડાય છે પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત ટ્રેન મારફતે થતી હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પંજાબના લુધિયાણાની બાલાજી ટ્રેડિંગ કંપનીના નામથી દારૂ ભરેલા કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા. આંતર રાજ્ય કન્ટેનરમાં તપાસની જોગવાઈ ન હોવાથી આ કન્ટેનર કસ્ટમની રહેમરાહ હેઠળ પોર્ટ બહાર નીકળી આવતા હતા. જ્યાંથી અનોપસિંહના કહેવા પ્રમાણે માલ સપ્લાય થતો હતો. ન માત્ર કચ્છ પરંતુ આંતર રાજ્ય માલ સપ્લાય થતો હતો. એસએમસીએ બે કન્ટેનર શોધ્યા હતા. જોકે, તપાસમાં સામે આવ્યું કે, અગાઉ ૮ કન્ટેનર નીકળી ચૂક્યા છે. ડોમેસ્ટીક કન્ટેનરમાં માલ મંગાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. જે-તે સમયે બે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. જેઓના ૧૦ દિવસના રિમાન્ડ મળ્યા હતા. માલ અનોપસિંહે મંગાવ્યો હોવાથી તેની અટક કરવામાં આવી છે. આ બાબતે સૂત્રોના જણાવ્યા એસએમસીએ વડોદરા જેલમાં પાસા તળે સજા કાપતા બુટલેગર અનોપસિંહની અટક કરી છે. જેને કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ મળ્યા છે. રિમાન્ડ દરમિયાન આખા નેટવર્કની માહિતી મેળવવામાં આવશે. તેમજ કઈ રીતે ધંધો કરતો તે સહિતની વિગતો જાણવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે, અદાણી પોર્ટથી કન્ટેનર નીકાળી કેરા ગામમાં બુટલેગર અનોપસિંહના અડ્ડા પર માલ પહોંચતો કરવામાં આવતો. જ્યાં કટીંગ કરવામાં આવતું હતું. પોર્ટથી કેરા સુધી ર૧ કિ.મી.ના સાત ડ્રાઈવર બદલવામાં આવતા હતા. એક ડ્રાઈવર ગાડી લે થોડીક ચલાવી ટેન્કરમાં રસ્તા મુકી દે બાદમાં બીજો ડ્રાઈવર આવે અને ગાડી આગળ લઈ જતો હતો. આયોજન બદ્ધ રીતે દારૂનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. જોકે, નવાઈની વાત એ છે કે, સામાન્ય કિસ્સામાં પોલીસની જવાબદારી ફિક્સ કરી પગલાં ભરવામાં આવતા હોય છે પરંતુ આ કિસ્સામાં વિક્રમી કહી શકાય તેમ ૩ કરોડનો દારૂ ઝડપાયો હોવા છતાં જિલ્લામાં પોલીસની કોઈ જવાબદારી ફિક્સ થઈ નથી. 

Comments

COMMENT / REPLY FROM