Trending News
સ્થાનિક સમાચાર

કટારિયા પાસે એલપીજી ગેસ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતા વિસ્ફોટથી ૭ વાહનો બળીને ખાખ

01 December


વહેલી સવારે બનેલી ઘટનાથી નેશનલ હાઈવે પર ફેલાઈ અફરાતફરી : ચાલકે કાબૂ ગુમાવતા ગાડી પલટી જતા આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ આવ્યું સામે

ટેન્કરના ટુકડા અડધો કિ.મી. વિસ્તારમાં ઉડી ફંગોળાયા : ફાયર વિભાગે ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી : એક તરફનો રસ્તો બંધ થવાના કારણે ૧૦ કિ.મી. સુધી સર્જાયેલો ટ્રાફિકજામ હવે કાબૂમાં લેવાયો 


ગાંધીધામ : સુરજબારી હાઇવે ઉપર આજે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગાંધીધામથી મોરબી તરફ જતું ગેસ ભરેલું ટેન્કર પલટી જતા તેમાં આગ ભડકી ઉઠી હતી. આગના કારણે પ્રચંડ ધડાકા સાથે મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે નજીકની હાઇવે હોટેલમાં પાર્ક થયેલા ૭ જેટલા વાહનોમાં આગ ફેલાઈ હતી. જ્યારે ૧૦થી ૧૨ કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઇ ગયો હતો. બનાવને પગલે ભચાઉ ફાયર વિભાગની ટીમ સાથે ખાનગી એકમના ફાયર ફાયટરોએ સતત ત્રણ કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવીને સવારે ૮ વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જ્યારે હાઇવે પેટ્રોલીંગ ટીમ અને સામખિયાળી પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરાઈ હતી. આગ એટલી પ્રચંડ હતી કે, તેનો લાઈવ વીડિયો સામે આવ્યો હતો. જેમાં મોટો ધડાકો થયો હતો. સવારે કચ્છ તરફ આવતા પ્રવાસીઓ અટવાઈ પડ્યા હતા. જોકે, પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. વિવિધ માધ્યમોમાં એક મોતની આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સામખિયાળી પોલીસનો સંપર્ક કરતા આ વાતને સમર્થન 
મળ્યું નથી. 
આ અંગે સામખિયાળી પીઆઇ વીકે ગઢવીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુંં કે, પ્રાથમિક દ્રષ્ટીએ ગેસ ભરેલા ટેન્કરના ચાલકે કેફીયત આપી છે કે, કાબૂ ગુમાવતા તેની ગાડી પલ્ટી મારી ગઈ જેમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આસપાસના વાહનોમાં આગની જ્વાળાઓ ફેલાઈ હતી. હાલ આગમાં નુકસાન ગ્રસ્ત વાહનોના ચાલક અને માલિકને આઈડેન્ટીફાઈ કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પૂર્વવત થઈ ગયો છે. વાહનોમાં નુકસાન થયું છે. હજુ સુધી મોતનો બનાવ સામે આવ્યો નથી. અમે હાલ આગળની તપાસ કરી રહ્યા છીએ તેમ જણાવ્યું હતું. 


......................


મોરબી ફાયર બ્રિગેડને જાણ કરાઈ પરંતુ ટ્રાફિકજામના કારણે આવવામાં મોડું થયું 

આગ બાબતે સૌપ્રથમ ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ મોટી હોવાથી ગાંધીધામ સહિતના ફાયર વિભાગો અને ખાનગી એકમોના ફાયર ફાઈટર દોડી આવ્યા હતા. મોરબીથી પણ મદદ માંગવામાં આવી હતી. મોરબીના ચીફ ફાયર ઓફિસર જે. એચ. ડાભીએ માધ્યમોને જણાવ્યું કે, સવારે પાંચ વાગ્યાના અરસામાં ભચાઉ ફાયર રૂમથી ફોન મળ્યો હતો અને કુલ ચાર જગ્યાએથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવાઈ હતી. ટ્રાફિકજામના હિસાબે મોરબીથી આવતા મોડુ થયું હતું. જોકે, હવે આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઇ છે. ટ્રાફિક ધીમે ધીમે હળવો થઇ રહ્યો છે.


....................


ટેન્કર પલ્ટી મારી ગયું, પછી બ્લાસ્ટ થયો, સ્પેરપાર્ટ અડધા કિ.મી. સુધી ઉડ્યા  


મળતી માહિતી મુજબ ગાંધીધામથી એલપીજી ગેસ ભરીને મોરબી તરફ જઇ રહેલુ ટેન્કરના ચાલકે પહેલાં કાબૂ ગુમાવ્યો જેના કારણે ગાડી પલટી જતાં તેમાં આગ લાગી ગઇ હતી. થોડીવાર બાદ ટેન્કરમાં અચનાક ધકાડા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેરપાર્ટ કિલોમીટર સુધી ઉડીને વિખેરાઈ ગયા હતા. આગ એટલી પ્રચંડ હતી કે, બેથી ત્રણ કિ.મી દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.ટેન્કરના ચાલક અને માલિકને પોલીસે શોધી લીધા હતા. 

Comments

COMMENT / REPLY FROM