કચ્છમાં મધ ઉત્પાદનનો વ્યવસાય મરણપથારીએ પહોંચ્યો
પ્રતિકૂળ આબોહવા અને ઘટતા જંગલોના કારણે
દિવસભર રઝળપાટ કરવા છતાં પૂરતું મધ મળતું ન હોવાથી શ્રમિકો અન્ય કામગીરીમાં જોતરાયા : કેટલાક શ્રમિકો નિગમને બદલે સ્થાનિકે વેપારીઓને કરી રહ્યા છે વેચાણ : પૂરતી મજૂરી ન છૂટતી હોવાથી શ્રમિકો મધ એકત્ર કરવાની કામગીરીથી થઈ રહ્યા છે વિમુખ
ચાલુ નાણાંકીય વર્ષમાં વન વિકાસ નિગમ દ્વારા માત્ર ૮૦ ક્વિન્ટલ મધ થયું એકત્ર : સતત આવતી કુદરતી આફતો અને વધતા શહેરીકરણની નકારાત્મક અસર : જિલ્લામાં અગાઉ વર્ષે ૭૦૦ થી ૧ હજાર ક્વિન્ટલ મધ થતું હતું એકત્ર
’
ભુજ - કચ્છઉદય : ખેતી અને પશુપાલન જેવા મુખ્ય વ્યવસાય ધરાવતા કચ્છ જિલ્લામાં મધ ઉત્પાદન પણ રોજગારી આપતો મહત્ત્વનો રોજગાર છે. અનેક લોકો મધ એકત્રિત કરવાની કામગીરી થકી જીવનનિર્વાહ ચલાવે છે, પરંતુ કુદરતી આફતો અને વધતા શહેરીકરણથી છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં મધ ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. આ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધી કચ્છ જિલ્લામાં વન વિકાસ નિગમ દ્વારા માત્ર ૮૦ ક્વિન્ટલ મધ એકત્ર કરાયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિશાળ ભૂભાગમાં પથરાયેલા કચ્છ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તાવાળું મધ એકત્ર થાય છે. એક સમયે કચ્છમાં મધ એકત્રિકરણની કામગીરી કરતા વન વિકાસ નિગમ દ્વારા વર્ષભરમાં ૭૦૦ થી ૧ હજાર ક્વિન્ટલ જેટલું મધ એકત્ર કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી જુદી-જુદી કુદરતી આફતો, પ્રતિકૂળ વાતાવરણ, સતત વધતી ગરમી અને ખોરવાયેલા ઋતુચક્રના કારણે મધ ઉત્પાદનને માઠી અસર થઈ છે. કુદરતી કારણો ઉપરાંત વધતા શહેરીકરણ સાથે ઘટતા જંગલ વિસ્તારના લીધે પણ મધ ઉત્પાદન ઘટ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષે હજુ સુધી માત્ર ૮૦ ક્વિન્ટલ એટલે કે ૮ હજાર કિલોગ્રામ જેટલું મધ એકત્ર કરાયું છે.
કચ્છ જિલ્લામાં સ્થાનિક લોકો ઉપરાંત જિલ્લા બહારથી આવેલા આદિવાસી સમૂદાયના લોકો મધ એકત્રિત કરવાની કામગીરી કરે છે. કચ્છના અબડાસા, માંડવી, નખત્રાણા, નિરોણા વિસ્તારમાં સૌથી વધુ મધ મળી આવે છે. મધ એકત્રિકરણ સાથે જોડાયેલા શ્રમિક પરિવારો હવે સતત ઘટતા મધ ઉત્પાદનના કારણે અન્ય કામગીરી તરફ જઈ રહ્યા છે. કારણ કે દિવસભર જંગલમાં રઝળપાટ કરી મહેનત કરવા છતાં જોઈએ તેટલું મધ મળતું નથી. મળતી વિગત અનુસાર કચ્છમાં હવે માંડ ૩ હજારથી ૩પ૦૦ જેટલા શ્રમિકો મધ એકત્ર કરવાની કામગીરી સાથે જોડાયેલા રહ્યા છે. વન વિકાસ નિગમ દ્વારા શ્રમિકોને રૂા.૧૦૦ પ્રતિ કિલોગ્રામના હિસાબે ચૂકવણું કરવામાં આવે છે. નિગમના કર્મચારીઓ શ્રમિકો પાસેથી મધ એકત્ર કરવા જતા હોય છે, પરંતુ કેટલાક શ્રમિકો નિગમના બદલે સ્થાનિક વેપારીઓને થોડા વધુ દામ મળે તો મધનું વેપાણ કરી દેતા હોય છે. એક સમયે કચ્છમાં મોટી રોજગારી પ્રદાન કરતો આ વ્યવસાય હવે મૃતપ્રાય બન્યો છે.

Comments