જન્મજાત હૃદયની ગંભીર બીમારી ધરાવતી ભુજપુરની ૧૦ વર્ષીય રાધાને આરબીએસકે યોજના હેઠળ મળ્યું નવજીવન
ભુજ - કચ્છઉદય : બાળકો જ્યારે કોઈ જન્મજાત ખામીનો ભોગ બને ત્યારે પરિવાર ચિંતિત બની જતો હોય છે. આવા બાળકોની ચિંતામાં રાજ્ય સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના માધ્યમથી હરહંમેશ સહભાગી બની પરિવારજનોની મુશ્કેલીઓ દૂર કરવા સતત પ્રયત્નશીલ રહી છે, જેમાં મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામની ૧૦ વર્ષની રાધા રવિભાઈ સથવારાની જન્મ જાત હૃદયની ખામીની આ યોજના હેઠળ સફળ શસ્ત્રક્રીયા થતાં જ રાધાને નવજીવન મળ્યું હતું.
આ બાબતે આરબીએસકે ટીમના ડૉ. સંજયભાઈ યોગી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કચ્છમાં સીડીએચઓ ડૉ. મિતેષ ભંડેરી તથા મુન્દ્રા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ શાળા આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત વિવિધ શાળાઓમાં બાળકોની શારીરિક તપાસ કરવામાં આવી રહી છે, જેમાં મુન્દ્રા તાલુકાની ભુજપુર કન્યા શાળામાં આરબીએસકે ટીમ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ૧૦ વર્ષની રાધા રવિભાઈ સથવારાની તપાસ કરતાં જન્મ જાત હૃદયની ખામી છે તેવું જાણવા મળ્યું હતું. આ બાબતની જાણ થતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ડો. સંજય યોગીએ ઉમેર્યું હતું કે, રાધાની સામાન્ય તપાસ જી.કે જનરલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. બાળકીને વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી.
આરબીએસકેટીમ મુન્દ્રા તેમજ ડૉ.સંજય યોગી, અવની બેન્કર, એફએચડબ્લ્યુ મનીષાબેન અને આર.એક્સ આકાંક્ષાબેનની ટીમ દ્વારા ખડેપગે રહી બાળકીની તાત્કાલિક ધોરણે સારવાર કરાવવામાં આવી હતી. આરબીએસકે યોજના અંતર્ગત યુ.એન.મહેતા હોસ્પિટલ- અમદાવાદમાં નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા રાધાની સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવતાં હાલ રાધા સ્વસ્થ જીવન જીવી રહી છે. સરકાર દ્વારા આ કાર્યક્રમ થકી કોઇ પણ ગંભીર બીમારીમાં બાળકોને સ્વાસ્થ્ય પ્રદાન કરી તંદુરસ્ત બાળ અને તંદુરસ્ત સમાજની વિભાવના ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે.
-----

Comments