લાકડિયાની કંપનીમાં રોલરમાં પગમાં આવી જતા યુવાનનું મોત
વરસામેડીમાં દાહોદના યુવાને ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી
ગાંધીધામ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છમાં અપમૃત્યુના બે બનાવો નોંધાયા છે. જેમાં લાકડિયાની કંપનીમાં રોલરમાં પગ આવી જતા યુવાનનું મોત થયું હતું.આ તરફ અંજારના વરસામેડીમાં દાહોદના યુવાને ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી હતી.
આ બાબતે લાકડિયા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ ર૮ તારીખે બપોરે સાડા ત્રણથી ચારના અરસામાં આ બનાવ બન્યો હતો. સૂરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના ૩૩ વર્ષિય ઈમરાનભાઈ રમજાનભાઈ રાઉમા લાકડિયા ખાતે આવેલી મીના કંપનીમાં કામ કરતા હતા ત્યારે રોલરમાં ડાબો પગ આવી જતા ગંભીર ઈજાઓ થવાના કારણે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રાત્રે મોત થયું હતું. બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી. લાકડિયા પોલીસે એડી દાખલકરીને પીઆઈ જે.એમ. જાડેજાએ તપાસ હાથ ધરી છે. અત્રે મહત્ત્વનું છે કે, પૂર્વ કચ્છની કંપનીઓમાં અવાર-નવાર કામદાર સુરક્ષાના ધજાગરા ઉડતા રહે છે. તાજેતર મોદી સરકારે નવી શ્રમનીતિ લાગુ કરી છે પરંતુ પૂર્વ કચ્છની કંપનીઓમાં કામદારોને પુરતી સેફટી મળતી ન હોવાથી વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે અને સપનાઓ લઈને વતનથી દૂર કચ્છમાં કામ કરવા આવતા પરિવારનો માળો વિખાઈ જાય છે.
દરમિયાન અંજાર તાલુકાના વરસામેડી ખાતે રહેતા મૂળ દાહોદના ૧૯ વર્ષિય મેહૂલ ખીમચંદ ડામોર નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હતી. બનાવ અંગે અંજાર પોલીસે એડી દાખલ કરી હતી.

Comments