Trending News
સ્થાનિક સમાચાર

ઝરપરાના વેરહાઉસમાંથી ર૦ ટન ચોખા અને બે ટન ચણા ચોરાયા 

29 November


ઝરપરા અને બારોઈના શખ્સોની ટોળકી દ્વારા ૧૦.૮૪ લાખના મુદ્દામાલની કરાઈ ચોરી 



ભુજ - કચ્છ ઉદય : મુન્દ્રામાં અદાણી પોર્ટના કારણે આયાત નિકાસ માટે સમગ્ર દેશમાંથી કન્ટેનરોમાં માલ-સામાન ભરીને મુન્દ્રા ખાતે આવે છે. આસપાસના ગામોમાં વેરહાઉસ આવેલા છે. અહીં માલનો સ્ટોક કરવામાં આવે અને બાદમાં જહાજમાં લોર્ડિંગ- અનલોર્ડિંગ કરવામાં આવે છે. અવાર-નવાર મુન્દ્રા વિસ્તારમાં આવેલા વેરહાઉસમાં એક્સપોર્ટ માટે રાખેલા સામાનની ચોરી કરવામાં આવતી હોય છે ત્યારે વધુ એક બનાવ ચોપડે ચડ્યો છે. જેમાં ઝરપરાના વેરહાઉસમાંથી ર૦ ટન ચોખા અને બે ટન ચણા કિંમત રૂા.૧૦.૮૪ લાખની ચોરી કરવામાં આવી હતી. 
આ બાબતે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ અંબાજી વેરહાઉસમાં આવેલા પ્લોટ નં.ર૬૯/ર મા આવેલા ગોડાઉન નં.ર મા આ બનાવ બન્યો હતો. ફરિયાદી મુન્દ્રામાં રહેતા જગદિશભાઈ કરશનભાઈ જોષીએ જણાવ્યું કે, જુલાઈથી ૧૮ નવેમ્બર સુધીમાં આ બનાવ બન્યો છે. આરોપીઓએ ફરિયાદીના ગોડાઉનની બાઉન્દ્રીના ગેટનું તાળુ તોડી ગોડાઉનનું ડાબી બાજુનું શટર કોઈપણ રીતે ઉંચું કરી ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો. જેમાં ગોડાઉનમાં રાખેલા કિંગ માર્કેટિંગના ચોખાની ૮૦૦ બેગની ચોરી કરવામાં આવી હતી. કુલ ર૦ હજાર કિલો ચોખા કિંમત રૂા.૯,૮૪,૩૪૦ ની ચોરી કરવામાં આવી હતી. ફરિયાદીની બાજુના ફોર્ચ્યુન શિપિંગના ગોડાઉનમાંથી ર હજાર કિલો લુઝ ચણા કિંમત રૂા. એક લાખની ચોરી કરવામાં આવી હતી. ૧૦,૮૪,૩૪૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસ કરતા ઝરપરાના કમલેશ સામત બારોટ અને બારોઈના અભુભખર ઉમર કુંભાર તેમજ તેઓના સાગરીતો દ્વારા આ ચોરી કરવામાં આવી હોવાનું જણાયું હતું. જેથી નામ જોગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. 



 

Comments

COMMENT / REPLY FROM