પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓના નામો ખુલતા ખળભળાટી કંડલા - ગોરખપુર એલપીજી પાઈપલાઈન પ્રોજેકટમાં કરોડોનું વળતર કૌભાંડ
૧૧ જિલ્લામાં ૬.પ૦ કરોડની ઉચાપતનો મામલો આવ્યો સામે : કોન્ટ્રાક્ટરો, પેટ્રોલિયમ મંત્રાલય અને તેલ કંપનીઓના અધિકારીઓની સંડોવણી સામે આવતા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની ફરિયાદના આધારે સીબીઆઈએ દાખલ કરી એફઆઈઆર
ગાંધીધામ-કચ્છઉદય : કંડલા - ગોરખપુર એલપીજી પાઈપલાઈન પ્રોજેકટમાં કરોડોનું વળતર કૌભાંડ સામે આવતા ચકચાર મચી છે. તેલ કંપનીઓ વચ્ચેના સંયુક્ત પ્રોજેક્ટ, કંડલા-ગોરખપુર એલપીજી
પાઇપલાઇન પ્રોજેક્ટમાં ૬.૫૦ કરોડના વળતરની ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ
કોર્પોરેશન લિમિટેડની ફરિયાદના આધારે સીબીઆઈએ આ કેસમાં એફઆઈઆર દાખલ કરી છે, જેમાં કોન્ટ્રાક્ટરો,
પેટ્રોલિયમ મંત્રાલય અને તેલ કંપનીઓના અધિકારીઓનું નામ છે.આ અંગેની વિગતો મુજબ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સમીપે આવેલા કંડલાથી ગોરખપુરને જોડતી અતિ મહત્વની એવી તેલ પાઈપલાઈન પ્રોજેકટમાં કરોડોનો કૌભાંડ આચરવામાં આવ્યું છે. પ્રોજેક્ટના નામે પ્રયાગરાજ અને ભદોહી જિલ્લામાંથી સૌથી વધુ વળતર રકમ ૬.૧૨ કરોડની ઉચાપત કરવામાં આવી હતી. આમાંથી યુપીના પ્રયાગરાજ જિલ્લામાં ૪.૭૭ કરોડ અને ભદોહીમાં ૧.૩૪ કરોડની ઉચાપત કરવામાં આવી હતી. વધુમાં, નવ અન્ય જિલ્લાઓમાં, કોન્ટ્રાક્ટરોએ તેલ કંપનીના અધિકારીઓ સાથે મળીને વળતર ભંડોળની ઉચાપત કરી છે. આમાં મઉ, વારાણસી, પ્રતાપગઢ, આઝમગઢ, ઉન્નાવ, કાનપુર દેહાત, કાનપુર નગર, લલિતપુર અને રાયબરેલીનો સમાવેશ થાય છે.આઈઓસીએલના ચીફ વિજિલન્સ ઓફિસરની ફરિયાદના આધારે સીબીઆઈ લખનૌની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ કૌભાંડના સંદર્ભમાં એફઆઈઆર દાખલ કરી છે, જેમાં પેટ્રોલિયમ મંત્રાલયના જીએમ ફૈઝલ હસન, આઈઓસીએલના સિનિયર મેનેજર ગૌરવ સિંહ, મેનેજર સુનિલ કુમાર અહિરવાર, એન્જિનિયર વિનીત કુમાર સિંહ, સૂર્ય પ્રતાપ સિંહ, અભિષેક પાંડે, વિશાલ દ્વિવેદી અને આશિષ કુમાર સિંહનું નામ છે. સીબીઆઈએ આ કેસમાં આરોપીઓના પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

Comments