હવે કચ્છના સફેદ રણમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાય તો નવી નવાઈ નહીં!
રાજયના ડીજીપીના પ્રવાસોના ઘટનાક્રમથી વહેતો થયો સંકેત
રાજયના ઈન્ચાર્જ ડીજીપીનો ટુરીઝમ ક્રાઈમ કોન્ફરન્સ જોઈ સરહદી ક્ષેત્રોના જાણકારોમાં જામી છે ચર્ચા
કચ્છમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાવવાની સંભાવનાઓ સેવાય છે, શું તે વખતે જિલ્લાવ્યાપી વકરેલા બેનામી ધંધાઓ બંધ રહેશે ખરા?
પોલીસતંત્રને ‘ટૂરિઝમ ડેસ્ટિનેશન’ સાથોસાથ લૉ એન્ફોર્સમેન્ટ ડેસ્ટિનેશન’ તરીકે જોઈ રહ્યા છે વિકાસ સહાય. આ માત્ર તેમનો પ્રવાસ નથી, પરંતુ પરિણામનું પણ બની રહ્યું છે પ્રતિક
ગાંધીધામ : ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય તેમના કાર્યકાળના અંતિમ તબક્કે છે અને હવે તેમની ‘ટૂરબેઝ્ડ ક્રાઈમ કોન્ફરન્સ’ ચર્ચાનો વિષય બની ગઈ છે. છ મહિનાના એક્સ્ટેન્શન
પછી હવે ફક્ત બે મહિના બાકી છે, પરંતુ તંત્રમાં ચર્ચા એ છે કે અંતિમ દિવસો પણ પ્રવાસનના રંગમાં પસાર થવાના છે. હકીકતમાં રાજયના ડીજીપીશ્રી સહાયની આ નવતર પહેલ પ્રવાસન માત્ર નથી પરંતુ લો એન્ફોર્સમેન્ટ ડીસ્ટિનેશન પણ બનવા પામી રહ્યું છે.
સાસણ ગીરથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડાંગથી રાજકોટ સુધી ગુનાખોરી ઘટાડવા અને કન્વીક્શન રેટ વધારવા માટેની કોન્ફરન્સની કડી તળાવના ઉદ્દઘાટન સુધી પહોંચી ગઈ છે. પોલીસ માટે દિવાળી કે નૂતનવર્ષની રજા નથી હોતી અને રાજયના ડીજીપીશ્રીપણ આ જ રીતે સ્ટેન્ડ ટુ જ રહ્યા હોવાનો વર્તારો જોવાયો છે. ક્રાઈમ કોન્ફરન્સનો હેતુ એ છે કે મેદાની અધિકારીઓ સાથે સંકલન વધે, પરિસ્થિતિનું વિશ્લેષણ થાય, અને ગુનાખોરીના વલણને પહોંચી વળવા વ્યૂહરચના તૈયાર થાય. પરંતુ જ્યારે આવી કોન્ફરન્સ પ્રવાસન સ્થળો પર યોજાય ત્યારે ચોકકસથી તર્કવિતર્કો પણ વધી જવા પામતા હોય છે. ડીજીપી વિકાસ સહાયની આ નવી રણનીતિ છે. પ્રવાસના નામે રાજયના કાયદો-વ્યવસ્થાઓ મામલે સમીક્ષાઓ કરવામા આવી રહી છે. હવે જો આગામી બે મહિનામાં કચ્છના સફેદ રણમાં ‘ક્રાઈમ કોન્ફરન્સ’ યોજાય તો નવાઈ નહીં. જો એમ થશે તો પાકીસ્તાની સરહદને અડીને આવેલા સીમાવર્તી કચ્છ જિલ્લામાં સુરક્ષા-સલામતીની દ્રષ્ટીએ વધુ સજજતા આવશે તેમ કહેવુ પણ અસ્થાને નહી કહેવાય.
.........

Comments