ઝરપરામાં વૃદ્ધ પત્નીની હત્યા કરી પતિનો આપઘાત
ઘર કંકાસની બાબતમાં ગઈકાલે રાત્રે વાડી વિસ્તારમાં ૬પ વર્ષિય પત્નીના પેટમાં છરીના ઘા ઝિંકી નિપજાવી હતી હત્યા : આજે સવારે ફાંસો ખાધેલી હાલતમાં ૭૦ વર્ષિય પતિનો દેહ મળ્યો : બનાવને પગલે ફેલાઈ અરેરાટી
ભુજ - કચ્છ ઉદય : ક્ષણભરના આવેશમાં અમુલ્ય માનવ જિંદગી તસવીરમાં લટકી જાય છે. આવો જ એક કરૂણ બનાવ મુન્દ્રા તાલુકાના ઝરપરા વાડી વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં આવેશમાં આવીને પતિએ પત્નીની હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કરી લીધો હતો.
આ બાબતે ઘટનાસ્થળે અને મુન્દ્રા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ ઝરપરા ગામના લાઈયારા વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. ગઈકાલે રાત્રે ૭૦ વર્ષિય પતિ સવરાજ જખાભાઈ સેડાનો તેમના પત્ની ૬પ વર્ષિય હીરબાઈ સાથે ઝઘડો થયો અને આવેશમાં આવીને સવરાજભાઈ પત્નીને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા ઝિંકી દેતા સારવાર મળે તે પહેલાં મોત થયું હતું. બનાવની જાણ થતા મુન્દ્રા પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. બનાવને અંજામ આપીને સવરાજ સેડા વાડીએથી નીકળી ગયા હતા. જેથી શોધખોળ કરવામાં આવી રહી હતી. એ દરમિયાન ઘરથી થોડે દૂર નદી પટના વિસ્તારમાં ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો. હાલ તબક્કે એવું માનવામાં આવે છે કે, ક્ષણીક આવેશમાં પત્નીની હત્યા કરી પસ્તાવો થતા આ પગલું ભર્યું હોઈ શકે. સંબંધીઓએ જણાવ્યું કે, સવરાજ સેડા માનસિક અસ્થિર હતા. તેઓ હંમેશા એકલા જ બેસતા અને કોઈને બોલાવતા નહીં. વાડી વિસ્તારમાં બનેલી આ પ્રકારની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.

Comments