Trending News
સ્થાનિક સમાચાર

ગુરૂ એટલે અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનાર : મુનિ નયશેખર મ.સા.

27 November




શંખેશ્વરમાં જૈનાચાર્ય રત્નશેખરસૂરી મહારાજાના ૫૦માં દીક્ષા દીને માણિભદ્ર વીર પૂજન એવં માનવતા મહોત્સવ યોજાયો

ભુજ - કચ્છઉદય : શંખેશ્વર તીર્થે જહાજ મંદિર એન્કરવાલા ધામે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાના મસીહા પ.પૂ.આ.ભ. શ્રીમદ્દ વિજય રત્નશેખર સૂરીશ્વજી મહારાજાના ૫૦માં (ગોલ્ડન જ્યુબિલી) દીક્ષા તિથિ નિમિત્તે હાજરા હજુર પાંચ કુંડી યુક્ત શ્રી માણિભદ્ર વીર મહાપૂજન આહુતિ યુક્ત હવન પ્રસંગ યોજાયો હતો, જેમાં મુનિ પૂણ્યરત્ન મહારાજ સાહેબ, મુનિ નયશેખર મહારાજ સાહેબ એવં સા. સુનંદિતાશ્રીજી મ.સા,સા.અમીવર્ષાશ્રીજી મ.સા ના શુભ સાનિધ્યમાં યોજાયું હતું. આ માણિભદ્ર વીર દાદાનું પૂજન હવનનો લાભ માતુશ્રી રંજનબેન ધનજીભાઈ ભાણજી દેઢિયા ગામ-કોડાય, હાલે-મલાડ-મુંબઇ વાળા પરિવારે લાભ લીધો હતો. આ પૂજન - હવનમાં મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી હતી, જેમાં ચંદન - સુખડના લાકડા, વિશિષ્ટ ઔષધ યુક્ત ગોળી, સમીધા, ઘીની વિગેરેની આહુતિ આપવામાં આવી હતી. આહુતિ બાદ મોટી શાંતિનો પાઠ સાથે નારિયેળનો ગોળો હોમવામાં આવ્યો હતો. 
ગુરુદેવશ્રીના ૫૦માં દીક્ષા દીને બાળકોને નાસ્તો, જરૂરીયાતમંદ પરિવારોને ભોજન સેવા, જીનાલયમો પરમાત્માને અંગ રચના, અનુકંપાદાન, સાધુ-સાઘ્વીજી ભગવંતોની ભક્તિ, જીવદયા આદિ અનેક માનવતાના કાર્યો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પત્ર મોકલી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુનિ નયશેખર મહારાજ સાહેબે જણાવેલ કે, ગુરુ એટલે જ્ઞાનનો દીવો, ગુરુ એટલે અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનાર. ગુરુદેવની મહિમા શબ્દોમાં વર્ણવી શકાય તેવી નથી. તેઓ જીવનનો સાચો માર્ગ બતાવે છે, સંસ્કાર આપે છે અને આત્માને પરમ શાંતિ તરફ દોરી જાય છે.ગુરુદેવના આશીર્વાદથી જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મનમાં સ્થિરતા આવે છે, કઠિન સંજોગોમાં સાચો નિર્ણય લેવા શક્તિ મળે છે અને આધ્યાત્મિક વિકાસનું દ્વાર ખુલે છે. ગુરુદેવની કૃપા વગર સાચું જ્ઞાન મળવું મુશ્કેલ છે. તેઓ આપણા જીવનમાં એવા દિવ્ય માર્ગદર્શક છે. ગુરુદેવનું સ્મરણ જ જીવનમાં શાંતિ અને શક્તિ આપે છે. તેમના ચરણોમાં ભક્તિ રાખનાર ક્યારેય રસ્તો ગુમાવતો નથી. આ અવસરે પ્રેમરત્ન ભોજન રથની જાહેરાત કરવામાં આવી હતી સાથે ૫૦માં દીક્ષા દિન નિમિત્તે ૫૦ લકી ડ્રો જેનો લાભ સેનેલાઈટ ગ્રુપ-અમદાવાદ વાળા લીધેલ અને પ્રભાવનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ એ દરેક દાતા પરિવારોની અનુમોદના કરી હતી. પંડિતવર્ય શુભમ કટારીયા, રાજુભાઈએ કરાવેલ. શાસ્ત્રીય સંગીત વિશારદ આશિસભાઈ મહેતા, સુશીલભાઈ શાહે સંગીતની રમઝટ જમાવી હતી સાથે શંખેશ્વર પાર્શ્વચંદ્રસૂરી દાદાવાડી ટ્રસ્ટ મંડલ દ્વારા સુંદર સાહત સહકાર પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે શ્રીસંઘો, ગુરુભક્તો, રાજકીય મહાનુભાવો, સામાજિક, આધ્યાત્મિક અગ્રણીઓ સહિત પ્રશાસનના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુંબઇ, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત વિગેરેથી ગુરુભક્તોએ ઉપસ્થિત રહી આ પૂજન-હવન એવં માનવતાના પ્રસંગનો લાભ લીધો હતો.
---- 

Comments

COMMENT / REPLY FROM