Trending News
સ્થાનિક સમાચાર

સોલાર પ્રોજેક્ટ માટે ભાડે અપાતી ખેતીની જમીન મુદ્દે કચ્છના ખેડૂતો બને સાવધાન

27 November



કંપનીઓ દ્વારા આકર્ષક ભાડાની ઓફર, પરંતુ ખેતીની જમીન ગુમાવવાનો ખતરો - અગ્રણી ખેડૂતોની ચેતવણી



ભુજ-કચ્છઉદય : કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઊર્જા ક્ષેત્રે મોટાપાયે બદલાવ આવ્યો છે. ખાસ કરીને સોલાર પાવર પ્રોજેક્ટોની સ્થાપનાને કારણે જિલ્લામાં ભુજ, અંજાર, નખત્રાણા, રાપર અને ભચાઉ તાલુકામાં વિશાળ પ્રમાણમાં સોલાર પેનલ ફેલાઈ ગયા છે. હવે નવા પ્રોજેક્ટો માટે કંપનીઓ સીધા ખેડૂતોને નિશાન બનાવીને તેમની ખેતીલાયક જમીન લાંબા સમયગાળા માટે ભાડે લેવાનું શરૂ કર્યું છે. એક તરફ ખેડૂતોને વર્ષના ૪૦ થી ૬૦ હજાર રૂપિયા પ્રતિ એકર ભાડાની લાલચ આપવામાં આવી રહી છે, બીજી તરફ આ કરારથી ખેડૂતોને ભવિષ્યમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ અગ્રણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જેથી સોલાર પ્રોજેક્ટ માટે ભાડે અપાતી ખેતીની જમીન મુદ્દે કચ્છના ખેડૂતો સાવધાન બને તે જરૂરી છે. 
આ અંગેની વિગતો મુજબ કચ્છમાં ખેતી માત્ર આજીવીકા નહીં પરંતુ પરંપરા અને સંસ્કૃતિનું કેન્દ્ર છે. ખેતી એ કચ્છ જિલ્લાનો સૌથી વધુ રોજગાર આપતો વ્યવસાય છે. ત્યારે જમીન ગુમાવવી એટલે પેઢીદર પેઢીનો આધાર ગુમાવવો. જમીન એક વાર કંપનીના હાથમાં જાય પછી ખેડૂત પાસે પાછી ખેતી કરવા માટે તક રહેતી નથી, જેથી આ ફાયદા કરતા નુકસાનકારક વધુ છે. કચ્છના ખેડૂતો હવે આર્થિક લાભ અને ખેતીના અસ્તિત્વ વચ્ચેના દ્વંદ્વમાં ફસાયા છે. છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં અવારનવાર ત્રાટકતી કુદરતી આફતો અને અનિયમિત વરસાદના ચક્રના કારણે ખેડૂતો માટે ખેતી ખોટનો વ્યવસાય બની છે. જેથી ખેડૂતો હવે ખેતીના બદલે જો માફકસર ભાડું મળે તો પ્રારબ્ધના આધારે ખેતી કરવાના બદલે સલામત આવક મેળવવા આકર્ષિત થઈ રહ્યા છે. તો બીજીતરફ ખેડૂત પરિવારની નવી પેઢીઓ ખેતીમાં બારેમાસ શારીરિક શ્રમ કરવાના બદલે વ્હાઈટ કોલર આવક તરફ વધુ જોક દર્શાવી રહ્યા છે. કોઈપણ શ્રમ વગર જો પોષણક્ષમ રકમ મળતી હોય તો આજના યુવાનો તેને પ્રથમ પસંદગી આપતા હોય છે. ખેતી કાર્ય એ ખુબ જહેમત માંગી લે છે. વાવેતરની સીઝનથી લઈને લણણી સુધી સતત દિવસ હોય કે રાત પાકની માવજત લેવાની સાથે સીમાડામાં પણ ભટકવું પડે છે. ત્યારે સોલાર 
પ્રોજેકટ માટે મળતા પ્રપોઝલ ખેડૂતો માટે જાણે આશીર્વાદ રૂપ બન્યા હોય તેમ ખેડૂતો લાંબા ભવિષ્યનો વિચાર કર્યા વગર પોતાની ખેતી લાયક ફળદ્રુપ જમીનો અનાજ ઉત્પાદન કરવાના બદલે વીજળી ઉત્પાદન કરવા આપી દેતા ખચકાતા નથી. સવાલ એ છે કે આજે મળતા રોકડા નાણા માટે ખેડૂતો આવતી પેઢીઓનું ભવિષ્ય જોખમમાં મૂકી દેશે કે ધરતી માતાને સાચવી રાખશે? કચ્છમાં આ મુદ્દો દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે. ખેડૂતોને ભાડાની લાલચમાં દોરીને ખેતીની જમીનને બિનઉપયોગી બનાવવાનો પ્રયાસ થતો હોય તેવી ચિંતા અગ્રણી કૃષિ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. સરકાર જો આ મુદ્દે સ્પષ્ટ નીતિ જાહેર ન કરે તો કચ્છના ખેડૂતોનો ભવિષ્ય અંધકારમય બનવાની ભીતિ છે. ખેતીની જમીન એકવાર ગુમાવ્યા પછી પાછી ખેતીલાયક બનવી મુશ્કેલ છે. કારણ કે જમીન ભાડે આપવા માટે કંપનીઓ ૨૫ થી ૩૦ વર્ષના લાંબા ગાળાના કરાર કરતી હોય છે. આ દરમિયાન ખેડૂત પોતાની જમીન પર કોઈપણ પ્રકારની ખેતી કરી શકતો નથી. જો પ્રોજેક્ટ નિષ્ફળ જાય કે કંપની વચ્ચે જ ભાગી જાય, તો જમીન ફરી ખેતીલાયક બને એ મુશ્કેલ છે. જમીન પર સોલાર પેનલ, કોંક્રિટનો સ્ટ્રક્ચર, વાયરિંગ તથા ભારે મશીનરીના ઉપયોગથી જમીનની ઉપજાઉ શક્તિ ખતમ થવાની ભીતિ છે. જેથી ખેડૂત સંગઠનો દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈપણ ખેડૂત કરાર કરવા પૂર્વે કાનૂની નિષ્ણાતની સલાહ લે. કરારમાં સ્પષ્ટ શરતો ઉમેરવી જરૂરી છે કે કંપની કરાર પૂરો થયા બાદ જમીન ખેતીલાયક સ્થિતિમાં પરત કરશે, નહિ તો નુકસાનની ભરપાઈ કરશે.


.......

Comments

COMMENT / REPLY FROM