Trending News
સ્થાનિક સમાચાર

વાગડમાં ખનિજમાફીયાઓનો આતંક : માથાભારે શખ્સોનું પીઠબળ : વન-મહેસુલ વિભાગ કોમાંમાં : સરકારને કરોડોનો આર્થિક ધુમ્બો..!

27 November

પોલીસતંત્ર-આરટીઓની આંખે અંધાપો કે આંખમિંચામણા..?




કચ્છના પ્રવેશદ્વાર એવા વાગડ પંથકમાં માટીથી માંડી ચાઈનાક્લે જેવા ખનિજોનું ગેરકાયદેસર ખનન : સરકારી અને વન વિભાગની જમીન પર મશીનો અને ડમ્પરોનું આવાગમન છતાં તંત્ર અંધારામાં : માથાભારે ખનિજ તસ્કરો સામે ધાક બેસાડતી કામગીરી આડે મોટા ગજાનું પીઠબળ કારણભૂત : સ્થાનિક જાગૃત નાગરિકોનો બળાપો


ખાટલે મોટી ખોટ : ખનિજ વિભાગ દ્વારા જીપીઆરએસ ટ્રેકરથી કેમ તપાસ નથી કરવામા આવતી? વાગડના જુદા - જુદા વિસ્તારોમાં થયેલા મોટા ખાડાઓની માપણી કેમ નથી કરાતી? છુટાછવાયા વાહનો પકડી કેસ કરી દીધાનો સંતોષ માની લેવાના બદલે મોટા માફીયાઓને ડામવામાં કેમ નથી આવતા? 



ગાંધીધામ - કચ્છઉદય : રણ, દરિયો અને ડુંગર જેવી ત્રિવિધ પ્રાકૃતિક સૌંદર્યતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાં વિવિધ પ્રકારના કિંમતી ખનિજ તત્ત્વોના ભંડાર આવેલા છે. આ ખનિજોના ખનનથી દર વર્ષે સરકારી તિજોરીને કરોડોની આવક થતી હોય છે, પરંતુ સરકારને મળવાપાત્ર રોયલ્ટીની આવકથી અનેકગણી આવક કચ્છમાં બેફામ બનેલા ખનિજ ચોરોને થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર એવા રાપર - વાગડ પટ્ટાના વિવિધ વિસ્તારો જેવા કે આડેસર, બાલાસર, ફતેહગઢ અને અન્ય ગામોના સીમાડાઓમાં બેફામ ખનિજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે.  આ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર જિલ્લા તંત્ર સમક્ષ બેફામ બનેલા ખનિજ ચોરોના અધમ સામે રજૂઆતો થતી હોય છે, પરંતુ જવાબદાર તંત્રના ઢીલા વલણથી ખનિજ ચોરોને મોકળું મેદાન મળી રહ્યુું છે. જિલ્લા ખાણ ખનિજ વિભાગ, ફલાઈંગ સ્કવોર્ડ, પોલીસ કે વન વિભાગ દ્વારા એકલ-દોકલ કિસ્સાઓ પકડી સંતોષ માની લેવામાં આવે છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર વાગડના જુદા-જુદા વિસ્તારોમાં કિંમતી ખનિજ ભરેલ ઓવરલોડ વાહનો માર્ગો પર માતેલા સાંઢની જેમ દોડતા રહે છે. ભારે વાહનોની સતત અવર જવરથી અંતરિયાળ માર્ગો ખખડધજ બની જાય છે. આ ઉપરાંત નાના - મોટા અકસ્માતો પણ રોજિંદા બની ગયા છે. એક તરફ ખનિજ ચોરો બેફામ બની ગયા છે, તો બીજી તરફ તંત્ર જાણે કોમામાં હોય તેવી અવદશા જોવા મળી રહી છે. તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી સમ ખાવા પૂરતી જ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખનિજ ચોરો મોટા પ્રમાણમાં કિંમતી ખનિજોની તસ્કરી કરી રહ્યા છે. માટીથી માંડી ચાઈનાક્લે સુધીની કિંમતી ખનિજોનું ગેરકાયદેસર ખનન અને પરિવહન કરવામાં આવી રહ્યું છે. સૂત્રો કહે છે કે, માટીની ચોરી તંત્રના જ કેટલાક ભ્રષ્ટ અમલદારોની મિલીભગતથી કરવામાં આવી રહી છે. વાગડ વિસ્તારમાં થતી ખનિજ ચોરીની વિવિધ વિસ્તારોની ફરિયાદ તંત્રના કાન સુધી જાગૃત નાગરિકોએ પહોંચાડી છે. સરકારી કે વન વિભાગની જમીન પર રાત-દિવસ મશીનો અને ડમ્પરો દોડતા રહે છે તે તંત્રને કેમ દેખાતું નથી તેવો વેધક સવાલ પણ પણ ઉઠી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખનિજ ચોરો માથાભારે અને વગદાર હોવાથી જવાબદાર તંત્રવાહકો આંખ આડા કાન કરી રહ્યા હોય તેવી આશંકા છે. હાલે વાગડ પંથકમાં જે પ્રકારે ખનિજ ચોરી થઈ રહી છે તે જોતા ખનિજ ચોરોને મોટા ગજાનું પીઠબળ હોવાની ચર્ચા ચારેકોર થઈ રહી છે.

.............

Comments

COMMENT / REPLY FROM