ભુજની ઐતિહાસિક ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૨મો સ્થાપના દિવસ ઉજવાયો
સંસ્કૃતિક કાર્યક્રમ, બંધારણ દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમો યોજાયા
ભુજ : વર્ષ ૧૯૩૪માં સ્થપાયેલી ભુજ શહેરની ઐતિહાસિક ઇન્દીરાબાઈ કન્યા વિદ્યાલયનો ૯૨મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો સાથે બંધારણ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આઝાદી પૂર્વે કન્યા શિક્ષણની જ્યોત પ્રગટાવનારા શાળાના આદ્ય સ્થાપક પૂજ્ય ઇન્દીરાબાઈને યાદ કરવામાં આવ્યા હતા.
શાળાના આચાર્ય શ્યામકુમાર મહેતાએ ગત વર્ષે શાળાની મુલાકાતે આવેલા ઇન્દીરાબાઈના પૌત્ર રસિકભાઈ શાહ પાસેથી મળેલી શાળાના ઇતિહાસની વિગતો રજુ કરી હતી. ઉપરાંત બંધારણ દિવસના ઉપલક્ષમાં બંધારણ દિવસનું મહત્વ, તેની રચના, ઈતિહાસ અને ઉજવણીના હેતુ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. શાળાની વિદ્યાર્થીનીઓએ સંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી, જેમાં દેશભક્તિ ગીત, નૃત્ય ઉપરાંત કન્યા કેળવણીનું મહત્વ અને સોશીયલ મીડિયાની સમાજ પર અસર જેવા વિષયો પર નાટક વગેરે કૃતિઓ રજુ કરવામાં આવી હતી. શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા દીપાબેન પટેલે બંધારણના આમુખનું વાંચન કરાવ્યું હતું . કાર્યક્રમનું સંચાલન આરતીબેન જોશીએ કર્યું હતું. શાળાના શિક્ષકો તરફથી તમામ વિદ્યાર્થીનીઓને અલ્પાહાર અપાયું હતું . સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.
-----

Comments