શેર બજારમાં રોકાણ ન કરવાનું કહેતા કોન્સ્ટેબલ પતિએ કોન્સ્ટેબલ પત્ની પર કર્યો હુમલો
ભુજના ૩૬ ક્વાર્ટરમાં રહેતા માતા-પુત્રીને રૂમમાં બંધ કરી પેટ્રોલ છાંટી ગેસનો ચુલો ચાલુ રાખી દેવાયોઃ આસપાસના લોકો આવી જતા બન્નેને બહાર કાઢી લેવાયા : ગઢશીશા પોલીસમાં નોકરી કરતા કોન્સ્ટેબલ સામે ભુજ એ-ડિવિઝનમાં નોંધાઈ ફરિયાદ
ભુજ - કચ્છ ઉદય : પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલને ત્રાસ આપવામાં આવતા પતિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરિયાદી નલિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરણબેને ભુજ એ-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અમદાવાદમાં રથયાત્રા બંદોબસ્તમાં ગયા ત્યારે આરોપી ગઢશીશા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અલફાઝ ઈકબાલ પંજા સાથે મુલાકાત થઈ હતી. જે બાદ મન મળી જતા અમરેલીમાં પરિવારની હાજરીમાં મેરેજ રજિસ્ટર શાખામાં લગ્ન કર્યા હતા. ફરિયાદી નલિયા પોલીસ સ્ટેશનમાં અને આરોપી પતિ ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ફરિયાદીના માતા પુષ્પાબેનને ઘુટણની તકલીફ હોવાથી સારવાર માટે ભુજ આવતા જેથી ૩૬ ક્વાર્ટરમાં મકાનમાં સાથે રહેતા હતા. જોકે, પતિ દ્વારા અવાર-નવાર ભુજ ખાતે આવી ઘરની બાબતોમાં તેમજ નોકરીમાં શક વહેમ રાખી શારીરિક માનસિક ત્રાસ આપી માર મારવામાં આવતો હતો. આરોપી પોલીસ કર્મચારીને ભુજમાં ગૃહમંત્રીના કાર્યક્રમમાં બંદોબસ્તની ડ્યૂટી આપવામાં આવી હતી. જેથી ૧૯ તારીખે ભુજમાં હતો અને ફરિયાદીને મતદાર સુધારણા યાદીમાં નામ સુધારવા માટે માતા સાથે દ્વારકા જવાનું હોવાથી રજા લીધી હતી. રપ તારીખે સવારે ફરિયાદીએ પતિનો મોબાઈલ ચેક કર્યો ત્યારે શેર બજારમાં ૪.૪પ લાખનું રોકાણ કર્યું હોવાનું જોયું હતું. જેથી પતિને આ બાબતે કહ્યું કે, શેર બજારમાં ન રમો અને ખોટા રૂપિયાનો બગાડ ન કરો ત્યારે પતિ ઉસ્કેરાઈ ગયો અને જેમ-તેમ ગાળો આપી માર મારતા માતા વચ્ચે પડ્યા તેમને પણ ધકો મારી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન રૂમમાં અડધો લીટર પેટ્રોલ ભરેલી પ્લાસ્ટિક બોટલ હતી. ફરિયાદીને સળગાવી નાખવા માટે આ પેટ્રોલ પર ફરીયાદી પર છાંટી દેવામાં આવ્યું અને માતા-પુત્રીને રૂમમાં બંધ કરી બહારથી કડી મારી રસોડામાં ગેસનો ચુલો ચાલુ કરી આરોપી ધમકી આપતો ગયો કે બન્નેને જાનથી મારી નાખવા છે તેમ કહી નીકળી ગયો. આખા ઘરમાં ગેસની વાસ આવતી હતી. જોરથી દરવાજો ખખડાવતા ઉપર રહેતા મહિલા આવી ગયા અને દરવાજો ખોલી બહાર કાઢયા હતા. જે બાબતે બાદમાં સલાહ લઈને એ-ડિવિઝન પોલીસમાં લગ્ન જીવન દરમિયાન શારીરિક માસનિક ત્રાસ અને જાનથી મારી નાખવાના ઈરાદા સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ-ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી ભુજ ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચને આગળની તપાસ હાથ ધરી છે.

Comments