એકના ચાર લાખ કરવાના નામે ઠગાઈ કરતા કનૈયાબેના ત્રણ શખ્સ પકડાયા
ભચાઉ પોલીસે કબરાઉ નજીકથી ત્રિપુટીને પકડી ૧૦પ બંડલ કર્યા કબજે : ઝડપાયેલા શખ્સો ધરાવે છે ગુનાહિત ઈતિહાસ
ભુજ - કચ્છ ઉદય : ભારતીય ચલણી નોટ જેવી દેખાતી પ૦૦ ના દરની ભારતીય મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલી નોટોના બંડલ દેખાડી છેતરપીંડી કરતા ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ બાબતે મળતી વિગતો મુજબ ભચાઉ પીઆઈ એ.એ.જાડેજાને બાતમી મળી હતી જે આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ મોગલધામ કબરાઉ તરફ આવે છે. તેવી બાતમીના આધારે સ્વિફટ ગાડી નં.જીજે૦૬ - એફસી - ૦પ૮૦ ને અટકાવી તપાસ કરતા કનૈયાબે જમનશા ભચલશા શેખ, નશીરશા અકબરશા શેખ અને યુનુસશા લતીફશા શેખ પકડાયા હતા. આરોપીઓ પાસેથી ભારતીય મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલા નોટના ૧૦પ બંડલ મળી આવ્યા છે. આ ઉપરાંત પ૦૦ના દરની ૧રપ સાચી નોટ, પાંચ લાખની ગાડી, ટ્રોલી બેગ મળી કુલ ૬,૪૩,પ૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જમનશા સામે ત્રણ, નશીરશા અને યુનુસશા સામે એક-એક ગુના નોંધાયેલા છે. આરોપીઓ ઈન્સ્ટાગ્રામમાં સાચી ચલણી નોટ બતાવી એક લાખના ચાર લાખ કરી આપવાની લાલચ આપી મનોરંજન બેંકના નોટના બંડલ આપી અજાણ્યા માણસોનો સંપર્ક કેળવી લોકોનો વિશ્વાસ જીતી ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ કામગીરીમાં ડી.જે.ઝાલા અને સ્ટાફ જોડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ પદ્ધર પોલીસ સ્ટેશનની હદમાં રહે છે. જોકે, પદ્ધર પોલીસ આ બાબતે અંધારામાં રહી ગઈ હોય તેમ જણાઈ આવે છે.

Comments