ચકચારી નાર્કોટિક્સ કેસમાં ત્રણ આરોપીઓને ર૦ વર્ષની કેદ
વર્ષ ર૦૧૯માં માંડવીના કોડાય નજીક એટીએસએ ઝડપી પાડ્યો હતો માદક પદાર્થ : આરોપીઓને ર લાખનો દંડ પણ ફટકારાયો
ભુજ -કચ્છઉદય : ભારતની ડ્રગ્સ સામેની ઝીરો ટોલરન્સ નીતિને અનુરૂપ ગુજરાત એટીએસ દ્વારા નશીલા પદાર્થો સામે કડક પગલાં લઈને મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.૨૮/૭/૨૦૧૯ના માંડવી તાલુકાના કોડાય ત્રણ રસ્તાથી પકડાયેલ ગેરકાયદેસર નશીલા પદાર્થોના કેસમાં સ્પેશિયલ અદાલત દ્વારા ત્રણ આરોપીઓને ર૦ વર્ષની કેદ અને ર લાખ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે.
આ કેસની વિગતો મુજબ એટીએસને મળેલી બાતમીના આધારે માંડવીથી કોડાય ત્રણ રસ્તા પર નાકાબંધી કરી વોચ ગોઠવવામાં આવી હતી. મોટર સાઈકલ પર આવતા બે આરોપીઓ નાદિર હુશેન ઉર્ફે રાજા અબ્દુલ સતાર સમેજા (રહે. માંડવી) અને ઉમર હુશેન વાઘેર (રહે. માંડવી)ના કબ્જામાંથી ૯૭૬ ગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. રૂા.૯૭.૬૦ લાખના માદક પદાર્થ સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ જથ્થો માંડવીના ઈમરાન અબ્દુલ કાદર મણિયાર (રહે. માંડવી) દ્વારા આપવામાં આવ્યો હોવાની કેફિયત મળી હતી, જેના આધારે ત્રીજા ઈસમને તેના ઘેરથી અટકાયત કરી તેના માસી અફસાના મણિયારના મકાનમાંથી ૯૬પ ગ્રામ હેરોઈન કબ્જે કરવામાં આવ્યો હતો. આ કેસ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ ભુજ ખાતે ચલાવવામાં આવ્યો હતો. તપાસનીશ અધિકારી પીઆઈ શ્રી પાલિયા અને તેમની ટીમ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસના સાક્ષીઓની જુબાની અને અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરીની દલીલોના આધારે જજ વિરાટ અશોકભાઈ બુદ્ધે આરોપીઓને એનડીપીએસની કલમ હેઠળ શિક્ષાને પાત્ર ઠેરવી ર૦ વર્ષની સખત કેદ અને રૂા.ર લાખના દંડનો હુકમ કર્યો હતો અને જો આરોપી દંડ ભરવામાં કસુર કરે તો વધુ બે વર્ષ સખત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
--------

Comments