કચ્છમાં ધમધમતી આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન મુદ્દે ઉદાસીન વલણ
જિલ્લામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ માત્ર ૧૧ર૮ રજિસ્ટ્રેશન : ૩ વખત મુદ્દત વધારી છતાં તબીબી સંસ્થાઓ બેધ્યાન : તમામ ક્લિનિક, નર્સિંગ હોમ, હોસ્પિટલથી માંડીને લેબોરેટરીઓ હજુપણ કાયદાકીય કાર્યવાહીની ચેતવણીને ગાંઠતી નથી : આરોગ્ય તંત્ર પણ નિષ્ક્રીય
સરહદી કચ્છના શહેરી અને દુર્ગમ વિસ્તારોમાં ધમધમતા બોગસ દવાખાના અને હોસ્પિટલો કરે છે જન આરોગ્ય સાથે ચેડાં : તાજેતરમાં જ જિલ્લામાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના નામે લાખોનું ફુલેકું ફેરવી જનાર બોગસ તબીબનો કિસ્સો કાયદાની અમલવારીમાં કચાસનું જીવંત ઉદાહરણ
ભુજ-કચ્છઉદય : આરોગ્ય એ લોકોની સેવાનું માધ્યમ છે પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં જન આરોગ્ય એ ધીકતો ધંધો બની ગયો છે. આરોગ્ય ક્ષેત્રમાં થતી મબલખ આવકના કારણે અનેક લેભાગુઓ પોતાના અંગત લાભ માટે જન આરોગ્યને જોખમમાં મુકી દેતા અચકાતા નથી. ખાસ કરીને કચ્છ જેવા છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય ક્ષેત્રે મોટી લાલીયાવાડી ચાલતી હોવાના અહેવાલો અવારનવાર ઉજાગર થતા રહે છે. જિલ્લામાં અપુરતી આરોગ્ય સેવાઓના કારણે લેભાગુઓને મોકળું મેદાન મળી જતા અંતરીયાળ ગ્રામીણ વિસ્તારોમાં જ નહીં પરંતુ શહેરોના પછાત વિસ્તારોમાં પણ બોગસ તબીબોના હાટડાઓ બેરોકટોક ધમધમતા રહે છે. આ બધું ઓછું હોય તેમ આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી નામાંકીત સંસ્થાઓ પણ નિયમ અનુસાર રજીસ્ટ્રેશન સહિતની કામગીરીમાં ઉદાસીન વલણ દાખવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગેની વિગતો મુજબ બોગસ ડોક્ટરો પર કાબૂ મેળવવા માટે ગુજરાતમાં વર્ષ ૨૦૨૧માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અમલમાં આવ્યો પણ હજુ સુધી આ કાયદો બિનઅસરકારક બની રહ્યો છે. ત્રણ-ત્રણ વખત કાયદામાં સુધારો કરાયો છે અને ત્રણ વખત ફરજિયાત રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરાયો છે, છતાં તબીબી સંસ્થાઓમાં નિરસતા યથાવત છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૯૬૫૫ ક્લિનિક, હોસ્પિટલ, નર્સિંગ હોમથી માંડીને લેબોરેટરી જેવી તબીબી કામગીરી કરતી સંસ્થાઓએ નોંધણી કરાવી છે. અત્યાર સુધીમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં ૨૩૭૪ તબીબી સંસ્થાઓએ નોંધણી કરાવી છે, જ્યારે બીજા નંબરે કચ્છમાં ૧૧૨૮ રજિસ્ટ્રેશન થયા છે. જો કે, હજુ કેટલી તબીબી સંસ્થાઓ બાકી છે, એનો આંકડો આરોગ્ય તંત્ર પાસે પણ નથી. એ તો ઠીક, ગુજરાતની એકમાત્ર ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સીસ (એઈમ્સ હોસ્પિટલ)એ પણ હજુ સુધી રજિસ્ટ્રેશન
કરાવ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદાનો ફિયાસ્કો થયો છે તેવી જ દશા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની થઈ છે. ફરજિયાત રજીસ્ટ્રેશનની મુદતમાં હવે એપ્રિલ- ૨૦૨૬ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પણ કચ્છ-સૌરાષ્ટ્રમાં હજુ અસંખ્ય ક્લિનિક-લેબોરેટરી રજીસ્ટ્રેશન વિના ધમધમે છે. જેની કડક અમલવારીમાં કરાવવામાં આરોગ્ય તંત્રએ હથિયાર હેઠા
મૂક્યાં છે.
.........
દરેક ક્લિનિકલને નોંધણી કરાવવી ફરજિયાત
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ તમામ પ્રકારની ઉપચારાત્મક અને નિદાન બંને પ્રકારની ક્લિનિકલ સંસ્થાઓને લાગુ પડે છે. જેમ કે તમામ જાહેર અને ખાનગી હોસ્પિટલ, મેટરનિટી હોમ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનેટોરિયમ અથવા કોઈપણ નામ ધરાવતી સંસ્થા જે બીમારી, ઈજા, ખોડ અથવા ગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળની જરૂર હોય તેવી સેવાઓ, સુવિધાઓ પ્રદાન કરે છે. આ સાથે એવી જગ્યા જ્યાં રોગોનું નિદાન અથવા સારવાર જેમાં પેથોલોજીકલ, બેક્ટેરિઓલોજિકલ, આનુવંશિક, રેડિયોલોજીકલ, રાસાયણિક, જૈવિક તપાસ, પ્રયોગ, નિદાન કરવામાં આવે છે, જેમાં સિંગલ ડાક્ટર ક્લિનિક્સનો સમાવેશ થાય છે, જેમણે આ કાયદાની જોગવાઈઓ અનુસાર દરેક ક્લિનિકલ સ્થાપના માટે નોંધણી કરાવવી ફરજિયાત છે.

Comments